Gujarati News

Gujarati News

News of Saturday, 2nd July 2022

નુપૂર શર્માના સમર્થનમાં પોસ્ટ કરનારની અમરાવતીમાં હત્યા

રાજસ્થાનના કનૈયાલાલની હત્યાના બનાવને બહુ દિવસ થયા નથી : કેમિસ્ટ ઉમેશ પ્રહલાદરાવ કોલ્હેએ નુપૂરના સમર્થનમાં પોસ્ટ મૂકી , પોલીસે ૨૩ જૂને ૨ શખ્સો મુદસ્સીર અહેમદ અને શાહરૃખ પઠાણની ધરપકડ કરી

મુંબઈ, તા.૨ ઃ રાજસ્થાનના ઉદયપુરમાં કન્હૈયાલાલની હત્યાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે. હત્યાનો આરોપીએ સસપેન્ડ ભાજપ પ્રવક્તા નૂપુર શર્મામા સમર્થનમાં પોસ્ટ કરવા બદલ દરજી કન્હૈયાલાલની હત્યા કરી નાખી હતી. આવી જ વધુ એક ઘટના સામે આવી રહી છે કે, થોડા દિવસ અગાઉ ઉદયપુરમાં દરજી કન્હૈયાલાલની હત્યાના એક અઠવાડિયા પહેલા ૫૪ વર્ષીય કેમિસ્ટ ઉમેશ પ્રહલાદરાવ કોલ્હેનું ૨૧ જૂનના રોજ નૂપુર શર્માના સમર્થનમાં પોસ્ટ કરવા પર મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લામાં જઘન્ય હત્યા કરી દીધી હતી. આ મામલાની તપાસ કરી રહેલા અધિકારીઓનું હવે માનવું છે કે, કોલ્હેની કથિત રીતે બીજેપીની નૂપુર શર્માના સમર્થનમાં કરવામાં આવેલી સોશિયલ મીડિયા પોસ્ટના કારણે તેમની હત્યા કરી દેવામાં આવી હતી જેમણે એક ટીવી ડિબેટમાં મોહમ્મદ પયગંબર અંગે વિવાદિત ટિપ્પણી કરી હતી. ઉમેશ કોલ્હેના પુત્ર સંકેત કોહલીની ફરિયાદ બાદ અમરાવતીના સિટી કોતવાલી પોલીસ સ્ટેશનની પ્રાથમિક તપાસમાં ૨૩ જૂને ૨ વ્યક્તિઓ મુદસ્સીર અહેમદ અને ૨૫ વર્ષીય શાહરૃખ પઠાણની ધરપકડ કરવામાં આવી હતી.

તેઓની પૂછપરછ દરમિયાન વધુ ચાર લોકોની સંડોવણી બહાર આવી હતી. જેમાંથી ત્રણ એટલે કે અબ્દુલ તૌફિક (૨૪), શોએબ ખાન (૨૨) અને અતીબ રાશિદ (૨૨)ની ૨૫ જૂને ધરપકડ કરવામાં આવી હતી. આ સિવાય શમીમ અહેમદ ફરાર છે. આ ઘટના ૨૧ જૂનના રોજ રાત્રે ૧૦ઃ૦૦ થી ૧૦ઃ૩૦ની વચ્ચે બની હતી જ્યારે ઉમેશ કોલ્હે  પોતાની દુકાન અમિત  મેડિકલ સ્ટોર બંધ કરીને ઘરે જઈ રહ્યા હતા. સંકેતે પોતાની પોલીસ ફરિયાદમાં જણાવ્યું કે, મોટરસાઈકલ પર સવાર બે વ્યક્તિ અચાનક મારા પિતાની સ્કૂટી સામે આવી ગયા. તેમણે મારા પિતાની બાઈક રોકી અને તેમાંથી એકે તેમની ગર્દનમાં ડાબી બાજુ છરીથી વાર કર્યો હતો. મારા પિતા પડી ગયા અને લોહી વહેવા લાગ્યું. મેં મારું સ્કૂટર રોક્યું અને મદદ માટે બૂમો પાડી. અન્ય એક વ્યક્તિ આવ્યો અને ત્રણેય મોટરસાયકલ પર ઘટના સ્થળેથી ભાગી ગયા. આસપાસના લોકોની મદદથી કોલ્હેને નજીકની એક્સોન હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો જ્યાં તેનું મૃત્યુ થઈ ગયું હતું.

તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, કોલ્હેએ વોટ્સેપ પર નૂપુર શર્માના સમર્થનમાં એક સોશિયલ મીડિયા પોસ્ટ કરી હતી. ભૂલથી તેમણે મુસ્લિમ સભ્યો સાથેના જૂથ પર મેસેજ પોસ્ટ કરી દીધો હતો જે તેના ગ્રાહક પણ હતા. ધરપકડ કરાયેલા એક આરોપીએ કહ્યું કે તે પયગંબરનું અપમાન છે અને તેથી તેને મરવું જોઈએ.

પોલીસે છરી, મોબાઈલ ફોન, વાહન અને ગુનામાં વપરાયેલ કપડા જપ્ત કર્યા છે અને ઘટના સ્થળેથી સીસીટીવી ફૂટેજ મેળવ્યા છે. એ પણ જણાવ્યું કે અમે જપ્ત કરાયેલા ઈલેક્ટ્રોનિક સાધનો ડીએફએસએલને મોકલી દીધા છે અને ટેકનિકલ પુરાવાની તપાસ ચાલી રહી છે. ધરપકડ કરાયેલા તમામ આરોપીઓ અને તેમના પરિવારના સભ્યોના બેંક ખાતા પ્રાપ્ત કરવામાં આવ્યા છે અને તપાસ ચાલુ છે.

(8:34 pm IST)