Gujarati News

Gujarati News

News of Saturday, 2nd July 2022

૧૦૦ પ્રાણી સાથે બે ભારતીય મહિલાની થાઈલેન્ડમાં ધરપકડ

૧૦૦થી વધુ જાનવરોને બેગમાં ભરી લાવવાનો પ્રયાસ : આ બંને મહિલા બેંગકોકથી ફ્લાઈટ પકડવાની હતી ત્યારે એકસ રે મશિનમાં તેમની બેગમાં જાનવરો જોવા મળ્યા

નવી દિલ્હી, તા.૨ ઃ ૧૦૦થી વધુ જીવતા જાનવરોને બેગમાં ભરીને ભારત લાવવાનો પ્રયાસ કરી રહેલી બે ભારતીય મહિલાઓની થાઈલેન્ડના એરપોર્ટ પર ધરપકડ કરવામાં આવી છે. આ મહિલાઓ પાસેથી ૨૦ જીવતા સાપ, ૩૫ કાચબા, ૫૦ કાચિંડા સહિતના ૧૦૦ જીવતા જાનવર મળ્યા હતા. બે પાટલા ઘો જોકે મરેલી હાલતમાં મળી હતી. આ બંને મહિલાઓ નિત્યા રાજ અને ઝાકિયા સુલતાના બેંગકોકના એરપોર્ટ પરથી ફ્લાઈટ પકડવાની હતી ત્યારે એકસ રે મશિનમાં તેમની બેગમાં આ જાનવરો જોવા મળ્યા હતા. હવે પોલીસે તેમની ધરપકડ કરી છે.

જાનવરોની દાણચોરી માટે થાઈલેન્ડ મોટુ ટ્રાન્ઝિટ હબ મનાય છે. અહીંથી આ પ્રકારના જાનવરોને વિયેતનામ કે ચીન લઈ જવાય છે. જ્યાં પરંપરાગત દવાઓ બનાવવા માટે તેમનો ઉપયોગ થાય છે. ભારતમાં પણ આ પ્રકારના જાનવર ઉંચા ભાવે વેચાતા હોય છે. થાઈલેન્ડમાં એરપોર્ટ પર આ પ્રકારની દાણચોરી પકડાતી હોવાની ઘટનાઓ છાશવારે બનતી રહે છે. પકડાયેલા જાનવરોની કિંમત ૪૪ લાખ રુપિયાની આસપાસ હોવાનુ અનુમાન છે.

 

(8:37 pm IST)