Gujarati News

Gujarati News

News of Monday, 2nd August 2021

સાંબા આર્મી કેમ્‍પ નજીક એક સાથે ૪ ડ્રોન દેખાતા ચિંતા

સતત બીજા દિવસે પાકની નાપાક હરકત : જમ્‍મુ -કશ્‍મીરમાં ફરી દેખાયા ડ્રોન

શ્રીનગર,તા. ૨: જમ્‍મૂ કાશ્‍મીરના સાંબામાં ફરીથી ૪ શંકાસ્‍પદ ડ્રોન જોવા મળ્‍યા હતા. ૫૦૦ મીટરની ઉંચાઈએ આ ડ્રોન આર્મી કેમ્‍પસની આસપાસ રાતે ૯.૩૦ વાગે જોવા મળ્‍યા.

જમ્‍મૂ કાશ્‍મીરમાં ફરી એકવાર ડ્રોન જોવા મળ્‍યા છે. સાંબા સેક્‍ટરમાં ૪ શંકાસ્‍પદ ડ્રોન જોવા મળતા ખળભળાટ મચ્‍યો છે. આર્મી કેમ્‍પસમાં ઉડતા ડ્રોન રાતે ૯.૩૦ની આસપાસ જોવા મળ્‍યા. તેની ઉંચાઈ ૫૦૦ મીટરની હતી. પાકિસ્‍તાન પોતાની હરકતોને છોડી રહ્યું નથી. ઘૂસપેઠમાં નાકામ રહ્યા બાદ તેણે જમ્‍મૂ કાશ્‍મીરમાં કેટલાક મહિનાથી ડ્રોનની ગતિવિધિને વેગ આપ્‍યો છે. જેના ભાગરૂપે ૪ ડ્રોન જમ્‍મૂના સાંબામાં રવિવારે રાતે જોવા મળ્‍યા હતા. આ પહેલા શનિવારે પણ ૩ ડ્રોન જોવા મળ્‍યા હતા.

જમ્‍મૂ કાશ્‍મીરના પોલીસના જવાનોએ રવિવારે બ્રહ્મનાના બીરપુર, બિસ્‍નાહ રોડ પર ૧૫૭ ટીએ કેમ્‍પની પાસે ઈન્‍ડસ્‍ટ્રીયલ વિસ્‍તારમાં બ્રહ્મના પેટ્રોલ પંપની પાસે ડ્રોન જોયા. જવાનોએ ફાયરિંગ કર્યું નહીં જો કે ડ્રોન રેન્‍જની બહાર ઉડી રહ્યા હતા. પોલીસકર્મીઓએ આ સમયે આર્મી જવાનો પાસે મદદ માંગી હતી.

શનિવારે મોડી રાતે, ડ્રોન પ્રથમ ચલિયારીથી પ્રવેશ્‍યું અને હાઇવેની ઉત્તર બાજુએ સ્‍થિત આઇટીબીપી કેમ્‍પ પર ફર્યા બાદ પાકિસ્‍તાન પરત ફર્યું. આ પછી, જાટવાલમાં ડ્રોન બીજી વખત ઉડતું જોવા મળ્‍યું. સમગ્ર વિસ્‍તારમાં ભયનો માહોલ હતો. સેના સહિત અન્‍ય સુરક્ષા દળોએ વિસ્‍તારને દ્યેરી લીધો અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું.

મળતી માહિતી મુજબ, ડ્રોન આ વખતે ચલિયારીથી રાત્રે ૮.૧૫ વાગ્‍યાની આસપાસ દાખલ થયું. એવું કહેવામાં આવી રહ્યું છે કે બબ્‍બર ડ્રેઇનના રૂટથી ૪૦૦ મીટર ઉપર ઉડતું ડ્રોન રેઇ ખાતે આઇટીબીપી કેમ્‍પ પર ફર્યું હતું. આ પછી સનુરા ચાલીયાડીથી લાલા ચક થઈને ગયો.

જયારે સુરક્ષા દળો આ વિસ્‍તારમાં ઘેરાબંધી કરી રહ્યા હતા, થોડા સમયમાં જ જટવાલમાં ડ્રોન પણ ઉડતું જોવા મળ્‍યું. સેના પણ ઘટના સ્‍થળે પહોંચી હતી. પાંચ કિલોમીટરના અંતરે બે અલગ અલગ જગ્‍યાએ ડ્રોનના કારણે વિસ્‍તારમાં ભયનો માહોલ હતો.

(10:09 am IST)