Gujarati News

Gujarati News

News of Monday, 2nd August 2021

કેરલમાં સ્‍થિતિ બેકાબૂ : પાંચમાં દિવસે ૨૦ હજારથી વધુ કેસ

કર્ણાટક અને તમિલનાડુ એલર્ટ

નવી દિલ્‍હી,તા.૨: દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૪૧૮૩૧ કેસ સામે આવ્‍યા હતા, આ સાથે સંક્રમિતોનો આંકડો વધી  ૩,૧૬,૫૫,૮૨૪ થઈ ગયો છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન મહામારીથી ૫૪૧ લોકોના મોત થયા હતા, ત્‍યારબાદ મૃત્‍યુઆંક વધીને ૪,૨૪,૩૫૧ થઈ ગયો છે. સંક્રમિતોના આ આંકડામાં મોટો ભાગ કેરલનો છે. કેરલમાં મહામારી બેકાબૂ થઈ રહી છે. કેરલમાં છેલ્લા કેટલાક દિવસથી સતત ૨૦ હજારથી વધુ નવા કેસ સામે આવી રહ્યાં છે.

કેરલમાં સતત પાંચમાં દિવસે ૨૦ હજારથી વધુ નવા કેસ સામે આવ્‍યા છે, જે દેશભરના કુલ સંક્રમિતોમાં અડધા છે. પરંતુ રાજયમાં કોરોના સંક્રમણ પર કાબુ મેળવવા માટે પ્રયાસો તેજ કરી દેવામાં આવ્‍યા છે. કેન્‍દ્રએ પણ એક છ સભ્‍યોની ટીમ મોકલી છે, જે સૌથી વધુ પ્રભાવિત ક્ષેત્રનો પ્રવાસ કરશે. સમાચાર એજન્‍સી આઇએએનએસના રિપોર્ટ પ્રમાણે હાલના સમયમાં કેરલમાં સંક્રમણનો દર ૧૨.૩૧ ટકા પર પહોંચી ગયો છે.

કેન્‍દ્રીય સ્‍વાસ્‍થ્‍ય મંત્રાલય તરફથી રવિવારે સવારે આઠ કલાકે જારી કરવામાં આવેલા આંકડા પ્રમાણે કેરલમાં ખરાબ સ્‍થિતિને કારણે સક્રિય કેસની વૃદ્ધિ થઈ રહી છે. હાલના સમયમાં દેશમાં સક્રિય કેસ ૪,૧૦,૯૫૨ છે જે કુલ કેસના ૧.૩૦ ટકા છે. પરંતુ દૈનિક અને સાપ્તાહિક સંક્રમણ દર પાંચ ટકાથી નીચે છે. અત્‍યાર સુધી ત્રણ કરોડ આઠ લાખથી વધુ લોકો સાજા થઈ ગયા છે.

કેરલમાં ખરાબ થતી સ્‍થિતિને જોતા પાડોશી રાજય કર્ણાટક અને તમિલનાડુએ મહામરી રોકવા માટે સખત પ્રતિબંધો લગાવવા શરૂ કરી દીધા છે. કર્ણાટક સરકારે કેરલથી માત્ર તે લોકોને રાજયમાં દાખલ થવાની મંજૂરી આપી છે જેની પાસે યાત્રાના ૭૨ કલાકની અંદરનો આરટી-પીસીઆર ટેસ્‍ટ રિપોર્ટ નેગેટિવ હશે.

કર્ણાટકના સ્‍વાસ્‍થ્‍ય વિભાગે સ્‍પષ્ટ કર્યું કે કેરલથી આવતા યાત્રીકોને નેગેટિવ આરટી-પીસીઆર ટેસ્‍ટ વગર રાજયમાં પ્રવેશની મંજૂરી આપવામાં આવશે નહીં, ભલે તે વેક્‍સીનના બંને ડોઝ લઈ ચુક્‍યા હોય. તો તમિલનાડુએ કેરલથી આવનાર માત્ર તે યાત્રીકોને મંજૂરી આપી છે જેની પાસે કોરોનાનો નેગેટિવ રિપોર્ટ હશે કે જેણે વેક્‍સીનનો એક ડોઝ લીધો છે.

સ્‍થિતિ એવી છે કે કર્ણાટક અને તમિલનાડુ કેરલથી આવતા યાત્રીકોની રેલવે સ્‍ટેશન, એરપોર્ટ અને બસ સ્‍ટેશન પર તપાસ કરી રહ્યું છે. કર્ણાટકના પોલીસ નાયબ અધિકક્ષના નેતૃત્‍વમાં રાજયની બધા ચેક પોસ્‍ટ પર પોલીસની ચોકીઓ તૈનાત કરી છે. તો તમિલનાડુની સરહદ પર પોલીસ દળની તૈનાતી કરવામાં આવી છે. તમિલનાડુના સ્‍વાસ્‍થ્‍ય મંત્રીએ કહ્યું કે, તમિલનાડુ સરકાર મહામારીને રોકવા માટે કડક ઉપાયો કરી રહી છે.

(10:10 am IST)