Gujarati News

Gujarati News

News of Monday, 2nd August 2021

સરકારે આપી પરિક્ષણની મંજૂરી

હવે તૈયાર થઇ રહયો છે રેમડેસીવીરનો પાઉડર

દર્દીઓમાં બિનઅસરકારક સાબિત થયેલ રેમડેસીવીરને સરકારે પ્રોટોકોલમાંથી હટાવી

નવી દિલ્હી, તા.૨: એચસીકયુ પછી હવે વધુ એક દવા કોવિડ પ્રોટોકોલમાંથી બહાર આવ્યા પછી નવા સ્વરૂપે સામે આવી શકે છે. રેમડેસીવીર ઇંજેકશનને ટુંક સમયમાં જ પાઉડરના રૂપમાં લાવી શકાય છે. આના માટે લ્યુપીન ફાર્મા કંપનીએ સરકાર પાસે પરવાનગી પણ માંગી હતી, પણ ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા (સીડી એસસીઓ)ને આધીન નિષ્ણાંત સમિતી (એસઇસી)એ પહેલા માનવ પરીક્ષણ કરવા કહયું છે. તેણે કંપનીને કહયું છે કે આ પાઉડરનું બીજા તબક્કાનું પરીક્ષણ કરવામાં આવશે. ત્યારપછી મળેલા પરિણામોના આધારે આગલું પરીક્ષણ કરવાની પરવાનગી આપવામાં આવશે.

સમિતીના એક સભ્યએ આની પુષ્ટિ કરતા જણાવ્યું કે રેમડેસીવીર ઇંજેકશન દર્દીઓને હોસ્પિટલમાં જ અપાતું હતું પણ હવે ફાર્મા કંપનીએ દાવો કર્યો છે કે આ પાઉડર એવા દર્દીઓને પણ આપી શકાશે જેનો ઇલાજ ઘરે થઇ રહયો હોય.

જો કે બીજી તરફ સમિતીના સભ્યોએ વાત પણ સંમતિ દર્શાવી કે કોરોનાની સારવારમાં રેમડેસીવીરનું યોગદાન સંતોષકારક નથી જણાયું જેના લીધે જૂનમાં ભારત સરકારે તેને કોવીડ પ્રોટોકોલમાંથી બહાર કાઢી નાખી છે.

બીજી લહેર દરમ્યાન રેમડેસીવીરનાં કાળાબજારની ઘટનાઓ પણ જગ જાહેર છે. તેમણે કહયું કે લુપીન ફાર્મા કંપની હજુ તેના પર કામ કરી રહી છે. કંપનીને સીટી પ્રોટોકોલ, સ્ટડી ડીઝાઇન, સેમ્પલ સાઈઝ, દવાની અસર વગેરે પોઇંટ પર ફેરફાર કરીને ફરીથી અરજી કરવા કહેવાયું છે.

આમ તો ગયા વર્ષે યુનિવસિટી ઓફ ટેક્ષાસના રિસર્ચરોએ હોસ્પિટલમાં દાખલ ના થનારા દર્દીઓ સુધી રેમડેસીવીર પહોંચાડવા તેને સૂકા પાઉડરના રૂપમાં વિકસીત કરી હતી. આ ફોર્મેશનને સસ્તો અને નાનો ડોઝ ગણાવાયો છે જે રોગને પ્રાથમિક તબક્કામાં રોકવાની ક્ષમતા ધરાવે છે. ત્યાં સુધી કે તે કોરોના વાયરસને ફેફસા સુધી પહોંચતા રોકે છે.

(11:47 am IST)