Gujarati News

Gujarati News

News of Monday, 2nd August 2021

શું ઉંઘ નથી આવતી? નસકોરાં બોલે છે? શકય છે કે આ કોરોનાની સાઈડ ઈફેકટ હોય

તબીબો પણ મુંઝવણમાં મુકાઈ ગયા છે, કોરોનામાંથી સાજા થયા પછી દર્દીઓને થતી સમસ્યાઓની યાદી વધતી જ જાય છે : વ્યગ્રતા, થાક લાગવો, બ્લડ પ્રેશર, વાળ ખરવા વગેરે જેવી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે : તબીબો દર્દીને બ્લડ પ્રેશર અને ડાયાબિટીસની સાથે સાથે કોરોના હિસ્ટ્રી પણ પૂછે છે

નવી દિલ્હી,તા. ૨:  કોરોનાને કારણે જે લોકોને હોસ્પિટલમાં સારવાર માટે લાંબો સમય સુધી દાખલ કરવામાં આવ્યા હતા તે દર્દીઓમાં શ્વાસ લેવામાં સમસ્યા થવી, વધારે પડતો થાક લાગવો, તેમજ બ્લડ કલોટિંગ જેવા લક્ષણો સામે આવ્યા હતા. પરંતુ આ લક્ષણો અહીં સુધી સીમિત નથી. ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેરે કોહરામ મચાવ્યો હતો તેના ત્રણ મહિના પછી શહેરના નિષ્ણાંતોના ધ્યનમાં કોરોના સંક્રમણ સાથે સંકળાયેલા અન્ય લક્ષણો સામે આવી રહ્યા છે.

અમદાવાદ શહેરના પલ્મોનોલોજીસ્ટ ડોકટર મનોજ સિંહ જણાવે છે કે, કોરોનામાંથી સાજા થયેલા ઘણાં એવા દર્દીઓ છે જેમના દ્વારા વ્યગ્રતા, જઠરને લગતી સમસ્યાઓ, બ્લડ પ્રેશર, થાયરોઈડમાં વધ-દ્યટ, પેટમાં ઈન્ફેકશન વગેરે જેવી ફરિયાદ કરવામાં આવે છે. ડોકટર જણાવે છે કે, કોરોના સંક્રમણને કારણે દર્દીઓની શારીરિક વ્યવસ્થામાં ઘણો બદલાવ આવી જાય છે.અમે હજી પણ તેની લાંબા અને ટુંકા ગાળાની અસરોને સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. ઉદાહરણ તરીકે, દર્દીઓમાં નસકોરાની સમસ્યા ઉભી થાય છે. જો તેમના ફેફસા વધારે પ્રમાણમાં પ્રભાવિત થયા હોય તો તેમની ઊંઘ પણ પ્રભાવિત થાય છે કારણકે તેમને શ્વાસ લેવામાં સમસ્યા થાય છે.

અમદાવાદ શહેરના ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ ડોકટર મહર્ષિ દેસાઈ જણાવે છે કે, થાક લાગવો, વાળ ખરવા, ચામડીમાં ખંજવાળ આવવી, ભૂખ ઓછી લાગવી વગેરે લક્ષણો કોરોના થઈ ચુકયો હોય તેવા દર્દીઓમાં જોવા મળે છે. કોરોના દર્દીઓને પ્રત્યક્ષ અને પરોક્ષ બન્ને રીતે પ્રભાવિત કરે છે. ઘણાં કેસમાં તો દર્દીઓની જૂની સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ ફરીથી શરુ થાય છે.

શહેરના ડર્માટોલોજીસ્ટ ડોકટર અંશુલ વર્મન જણાવે છે કે, વાળ ખરવાની સમસ્યા પણ કોરોનાને કારણે ઉભી થાય છે. પહેલા કિલનિકમાં જેટલા દર્દીઓ આવતા હતા તેમાંથી ૩૦-૩૫ ટકા દર્દીઓ વાળની સમસ્યા સાથે આવતા હતા. હવે આ આંકડો વધીને ૮૫ ટકા થઈ ગયો છે. મોટાભાગના આ દર્દીઓ કોરોનાની બીજી લહેર દરમિયાન સંક્રમિત થયા હતા. સારવારમાં સ્ટેરોઈડનો ઉપયોગ થયો હોવાને કારણે આ સમસ્યા સર્જાય છે.

નિષ્ણાંત તબીબોનુ કહેવુ છે કે કોરોનાથી રિકવર થયેલા દર્દીઓના કેસમાં ઘણીવાર કોઈ ચોક્કસ નિદાન કરવું મુશ્કેલ બની જાય છે કારણકે ઘણાં પરિબળો સંકળાયેલા હોય છે. અમદાવાદ શહેરના એક ફેમિલી ફિઝિશિયન ડોકટર પ્રજ્ઞેશ જણાવે છે કે, પહેલા દર્દીઓને બ્લડ પ્રેશર અને ડાયાબિટિસ હિસ્ટ્રી વિશે પુછવામાં આવતુ હતું, હવે તમામ તબીબો દર્દીને ભૂતકાળમાં કોરોના થયો છે કે નહીં તે પણ સૌપ્રથમ પૂછે છે.

(11:48 am IST)