Gujarati News

Gujarati News

News of Monday, 2nd August 2021

ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ લેગ સ્પિનર શેન વોર્ન કોરોના સંક્રમિત

'ધ હંડ્રેડ' ની ટીમના હેડ કોચ શેન વોર્ન અને તેમની સાથે મેનેજમેન્ટન અન્ય એક સભ્યને પણ કોરોનાનો ચેપ લાગ્યો

મુંબઈ : મહાન લેગ સ્પિનર શેન વોર્ન લંડનમાં કોરોના સંક્રમિત હોવાનુ જણાયુ છે. શેનવોર્ન ઇંગ્લેન્ડમાં રમાઇ રહેલી ‘ધ હંડ્રેડ’ ટૂર્નામેન્ટની ટીમ ‘લંડન સ્પિરીટ’ હેડ કોચ છે. શેન વોર્ન ને અસ્વસ્થતાની ફરીયાદ થઇ હતી. ત્યાર બાદ તેમનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં તેઓ કોરોના પોઝિટિવ હોવાનુ જણાઇ આવ્યુ હતુ. હાલમાં તેમને આઇસોલેશન હેઠળ મોકલી આપવામાં આવ્યા છે. તેમની સાથે મેનેજમેન્ટન અન્ય એક સભ્ય પણ કોરોના સંક્રમિત હોવાનુ જણાઇ આવ્યુ છે.

ધ હંડ્રેડ ટૂર્નામેન્ટમાં કોરોના સંક્રમિત થનારા શેન વોર્ન બીજા હેડ કોચ છે. આ પહેલા ટ્રેન્ટ રોકેટ્સ ટીમના હેડ કોચ એન્ડી ફ્લાવર કોરોના સંક્રમિત જણાઇ આવ્યા હતા. આમ ધ હંડ્રેડ ટૂર્નામેન્ટ પર હવે કોરોનાનુ સંકટ ઘેરાવા લાગ્યુ છે. ધ લંડન સ્પિરીટ ટીમના હેડ કોચ તરીકેની જવાબદારી શેન વોર્નના સ્થાને ડેવિડ રિપ્લી સંભાળશે.

શેન વોર્નનો હજુ જોકે આરટી-પીસીઆર રીપોર્ટ આવવાની રાહ જોવાઇ રહી છે. શેન વોર્ને લોર્ડઝમાં સદર્ન બ્રેવ સામેની લંડન સ્પિરીટની મેચ પહેલા જ રવિવારે અસ્વસ્થતા અનુભવી હતી. જેને લઇને તેઓએ મેડીકલ ટીમની મદદ મેળવી હતી. આ દરમર્યાન તેમનો લેટરલ ફ્લો ટેસ્ટ પોઝિટિવ જણાઇ આવ્યો હતો. શેન વોર્ન હાલમાં 51 વર્ષની વય ધરાવે છે.

ટૂર્નામેન્ટમાં શેન વોર્ન જે ટીમના હેડ કોચ છે તે, ટીમ લંડન સ્પિરીટનુ પ્રદર્શન કંગાળ રહ્યુ છે. ટીમે રમેલી તેની ત્રણ મેચમાં થી 2 માં હાર મળી છે, જ્યારે એક મેચ અનિર્ણીત રહી સમાપ્ત થઇ ગઇ હતી. આમ ટીમ હજુ જીત મેળવવા માટે સંઘર્ષ કરી રહી છે.

(12:06 pm IST)