Gujarati News

Gujarati News

News of Monday, 2nd August 2021

ભાજપ અને કોંગ્રેસને મ્હાત આપવા 'આપ 'નો માસ્ટર પ્લાન : તૈયાર :મુખ્યમંત્રીપદનો ચહેરો કરશે જાહેર: રણનીતિ ઘડાઈ

અરવિંદ કેજરીવાલે પ્રભારી,ધારાસભ્યો અને પ્રમુખો સાથે બેઠક કરી: ભગવંત માને કહ્યું કે 2017માં અમે જે ભુલો કરી હતી તેને સુધારીને 2022ની ચૂંટણીમાં મજબુતી સાથે મેદાનમાં ઉતરીશું.

નવી દિલ્હી : પંજાબમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે બધી પાર્ટીઓ પોતપોતાની રણનીતિ તૈયાર કરવામાં લાગી છે. આમ આદમી પાર્ટી પણ પંજાબ માટે સક્રિય થઇ ગઇ છે અને ચૂંટણી માટે ટુંક સમયમાં મુખ્યમંત્રીનો ચહેરો જાહેર કરશે

આપના નેતા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રવિવારે પોતાના ધારાસભ્યો અને પ્રમુખો સાથે બેઠક કરી હતી. મુખ્યમંત્રી આવાસ પર મળેલી બેઠકમાં પંજાબ વિધાનસભાની ચૂંટણી બાબતે ચર્ચા થઇ હતી અને સ્રર્વાનુમતે નિર્ણય લેવમાં આવ્યો હતો કે ટુંક સમયમાં જ મુખ્યમંત્રી પદનો ચહેરો જાહેર કરવામાં આવશે. જો કે પંજાબનો CM ચહેરો કોણ હશે તે હજુ સ્પષ્ટ કરાયું નથી.

  બેઠક પુરી થયા બાદ આપના પંજાબ પ્રદેશ અધ્યક્ષ અને સાંસદ ભગવંત માને કહ્યું કે પંજાબમાં 2022માં થનારી વિધાનસભાની ચૂંટણીની રણનીતી બાબતે ચર્ચા કરવામાં આવી હતી. પંજાબના આપના ધારાસભ્યો પાસેથી એક એક ગામ અને બૂથની વિગત મેળવવામાં આવી હતી. ભગવંત માને કહ્યું કે 2017માં અમે જે ભુલો કરી હતી તેને સુધારીને 2022ની પંજાબની ચૂંટણીમાં મજબુતી સાથે મેદાનમાં ઉતરીશું.

ભગવંત માને વધુમાં કહ્યું હતું કે રાજકારણથી ઉપર ઉઠીને આમ આદમી પાર્ટી ખેડુતોની સેવા કરશે અને આગામી દિવસોમાં ખેડુતો માટે મોટી જાહેરાત કરવામાં આવશે.

આમ આદમી પાર્ટીના કો- ઓર્ડિનેટર અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે બેઠકમાં ચર્ચા થયા મુજબ પંજાબ વિધાનસભાની ચૂંટણી માટે મુખ્યમંત્રીના ચહેરાની ટુંક સમયમાં જાહેરાત કરવામાં આવશે. ભગવંત માને કહ્યું કે કેજરીવાલ અમારા પ્રધાન છે અને અમે પંજાબમાં વિરોધ પક્ષમાં પણ છીએ, એટલે કેજરીવાલની પંજાબમાં અવર જવર રહેશે. માને કહ્યું કે આમ આદમી પાર્ટીના પંજાબના ધારાસભ્યો એ વાતથી ખુશ છે કે પંજાબમાં આપ ઘણું સારું કામ કરી રહી છે, લોકોનો સપોર્ટ પણ મળી રહ્યો છે એટલે તેઓ ચૂંટણી માટે એકદમ ઉત્સાહિત છે.

લગભગ 3 કલાક ચાલેલી બેઠકમાં આપના પંજાબ પ્રભારી અને ધારાસભ્ય જરનેલ સિંહ, સહ પ્રભારી અને ધારાસભ્ય રાધવ ચઢ્ઢા, પંજાબ વિધાનસભાના વિપક્ષ નેતા હરપાલ સિંહ ચીમા સહિત અનેક નેતા હાજર રહ્યા હતા.

(2:13 pm IST)