Gujarati News

Gujarati News

News of Monday, 2nd August 2021

કાલે વડાપ્રધાન રાજકોટના ૧ કાર્ડ હોલ્ડર સાથે સંવાદ કરશે

૨૫માંથી ૫ અને તેમાંથી ૧ નામ આજે ફાઈનલ થશેઃ કાર્ડ હોલ્ડરનું નામ ગૂપ્ત રાખવા આદેશો : કલેકટર કચેરી પાસે સસ્તા અનાજની દુકાન ખાતે મુખ્ય કાર્યક્રમઃ ૧૮ વોર્ડ અને ૭૦૦થી વધુ દુકાનો ઉપર લાભાર્થીઓને ખાલી ઘઉં અપાશે : અન્ય ૩ મોટા કાર્યક્રમો અટલ બિહારી વાજપેયી હોલ-પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ તથા રાણીંગાવાડી ખાતે યોજાશેઃ દરેક સ્થળ માટે ૩ ડે. કલેકટરોને જવાબદારીઃ મુખ્ય કાર્યક્રમમાં ડીએસઓ શ્રી દેસાઈ તથા ઈન્સપેકટરો ખાસ હાજર રહેશે

રાજકોટ, તા. ૨ :. રાજ્ય સરકાર તા. ૧ થી ૯ ઓગષ્ટ દરમિયાન લોકો પ્રત્યે સંવેદના સંદર્ભે કાર્યક્રમો યોજાનાર છે. એમાં આવતીકાલે તા. ૩ના રોજ રાજકોટ સહિત રાજ્યભરમાં વડાપ્રધાન અન્ન સહાય યોજના અંતર્ગત ૨૫ - ૨૫ કાર્ડ હોલ્ડરોને દુકાનો ઉપર અને દરેક શહેરોમાં વોર્ડ દીઠ યોજાયેલ એક-એક કાર્યક્રમમાં ૫૦ - ૫૦ જેટલા રેશનીંગ અને એનએફએસએમાં આવતા કાર્ડ હોલ્ડરોને વિનામૂલ્યે ઘઉંનુ વિતરણ થશે.

રાજકોટમાં અને જીલ્લામાં આવેલ સસ્તા અનાજની ૭૦૦ દુકાનો ઉપર અને રાજકોટ શહેરમાં ૧૮ વોર્ડમાં ૭૮ સ્થળે આ કાર્યક્રમમાં યોજાનાર છે. જેનુ દરેક સ્થળે લાઈવ પ્રસારણ થનાર હોય અને લાઈવ પ્રસારણમાં કાલે બપોરે ૧ વાગ્યાની આસપાસ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી શ્રી નિતીનભાઈ પટેલ ઉપસ્થિત રહેનાર હોય કાર્યક્રમ અત્યંત મહત્વનોે બની ગયો છે.

રાજકોટ કલેકટરશ્રી અરૂણ મહેશબાબુના માર્ગદર્શન હેઠળ ઈન્ચાર્જ ડીએસઓ શ્રી વિરલ દેસાઈ, તેમના પુરવઠા ઈન્સ્પેકટરો હસમુખ પરસાણીયા, કિરીટસિંહ ઝાલા, હેડ કલાર્ક નિલેશ ધ્રુવ સહિતના વ્યવસ્થા ગોઠવી રહ્યા છે.

રાજકોટમાં મુખ્ય કાર્યક્રમ કલેકટર કચેરી પાસે આવેલ ધરમ ટોકીઝની નજીકની સસ્તા અનાજની દુકાન ખાતે યોજાશે. ત્યાંના બે કાર્ડ હોલ્ડરો સહિત કુલ ૫ કાર્ડ હોલ્ડરોમાંથી એક કાર્ડ હોલ્ડર સાથે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ડાયરેકટ સંવાદ કરનાર હોય તંત્ર ઉંધા માથે છે. આ કાર્યક્રમ અંગે ડીએસઓ શ્રી દેસાઈ કાર્યવાહી કરી રહ્યા છે. સૂત્રોના ઉમેર્યા પ્રમાણે વડાપ્રધાન કાર્યાલય દ્વારા પહેલા ૨૫ નામો મંગાવાયા હતા. તેમાંથી ૫ નામો ફાઈનલ કરાયા અને તેમાંથી ૧ કાર્ડ હોલ્ડરનું નામ ફાઈનલ કરી તેમની સાથે કાલે વડાપ્રધાન ડાયરેકટ દર મહિને મળતો જથ્થો તથા અન્ય બાબતે બપોરે ૧૨.૪૫ થી ૭ વાગ્યાની વચ્ચે સીધો સંવાદ કરશે. આ કાર્ડ હોલ્ડરનું નામ ગૂપ્ત રાખવા ઉપરથી આદેશો છૂટયા છે, પરિણામે અન્ય કોઈ લોકો હેરાન ન કરે તેમ તંત્ર ઉમેરી રહ્યુ છે.

ઉપરોકત મુખ્ય કાર્યક્રમ ઉપરાંત રાજકોટમાં અન્ય ત્રણ મોટા કાર્યક્રમો અટલબિહારી વાજપેયી હોલ, પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ તથા રાણીંગા વાડી ખાતે યોજાયા છે. જેમાં ૫૦થી વધુ કાર્ડ હોલ્ડરો તથા અન્ય આગેવાનો સહિત કુલ ૩૦૦થી ૪૦૦ લોકો હાજર રહેશે. આ ત્રણેય કાર્યક્રમ અંગે અનુક્રમે સીટી પ્રાંત-૨ શ્રી ચરણસિંહ ગોહીલ, સીટી પ્રાંત-૧ શ્રી સિદ્ધાર્થ ગઢવી તથા સ્ટેમ્પ ડયુટી ના. કલેકટર શ્રી પૂજા જોટાંગીયાને જવાબદારી સોંપાઈ છે.

આ ઉપરાંત ૭૩૦ દુકાનો ઉપર ૨૫થી વધુ કાર્ડ હોલ્ડરો અને ૨૫ અન્ય આગેવાનો સહિત કુલ ૫૦ - ૫૦ લોકો હાજર રહેશે. ફુલ ૭૪૮ જેટલા સ્થળો ઉપર લાઈવ પ્રસારણ થશે. દરેક સ્થળે એનએફએસએ કાર્ડ હોલ્ડરોને માત્ર ઘઉંનો જથ્થો વિનામૂલ્યે અપાશે. અન્ય જથ્થો દુકાનો ઉપરથી તા. ૧૧ - ૧૨ આસપાસ મળશે. કાલના કાર્યક્રમ અંગે હજુ ૫૦ દુકાનો ઉપર જથ્થો પહોંચાડવાનો બાકી હોવાનું અને સાંજ સુધીમાં પહોંચતો થઈ જશે તેમ સાધનો કહી રહ્યા છે.

(3:05 pm IST)