Gujarati News

Gujarati News

News of Monday, 2nd August 2021

ભારતમાં દર એક લાખે ૭૦ થી ૯૦ લોકોને કેન્સર

દર વર્ષે કેન્સરથી ૭ લાખના મોતઃ કેન્સરનું સૌથી મોટું કારણ તમાકુનું સેવન

અમદાવાદઃ દેશમાં ૨૦૨૦માં કેન્સરના ૧૩ લાખ નવા કેસ સામે આવ્યા હતા. આશંકા છે કે ૨૦૩૦ સુધીમાં આ આંકડો ૧૫ લાખથી પણ ઉપર પહોંચી શકે છે. દેશમાં દર એક લાખ વ્યકિતએ ૭૦ થી ૯૦ લોકોને કેન્સર હોય છે.

ગત વર્ષે ૭ લાખ દર્દીઓ કેન્સરના કારણે મોતને ભેટયા હતા. અમદાવાદની સીવીલ હોસ્પિટલ પરિસરમાં આવેલ ગુજરાત કેન્સર એન્ડ રીસર્ચ સેન્ટર (જીસીઆરઆઇ)માં કેન્સર સામે સતર્કતા વિષય પર આયોજીત પરિસંવાદમાં નિષ્ણાંતોએ આ માહિતી આપી હતી. ગુજરાત પ્રેસ અકાદમી, પ્રાદેશીક સૂચના કાર્યાલય, અમદાવાદ અને જીસીઆરઆઇના સંયુકત પ્રયાસોથી આ પરિસંવાદ યોજાયો હતો.

જીસીઆરઆઇના ડાયરેકટર ડો.શશાંક પંડયાએ કહયું કે ભારતમાં પુરૂષોમાં સૌથી વધારે ફેફસા, પેટ અને મોઢાના કેન્સરના કેસ અને મહિલાઓમાં બ્રેસ્ટ, ગર્ભાશય મુખ અને મોઢાના કેન્સરના કેસ આવે છે. જીસીઆરઆઇના હેડ એન્ડ નેક વિભાગના ડોકટર પ્રિયાંક રાઠોડે જણાવ્યું કે ભારતમાં સામે આવતા મોઢા અને ગળાના કેન્સરના દર્દીઓમાંથી ૬૦ ટકા તો એડવાન્સ સ્ટેજમાં આવે છે. જો આ પ્રકારના દર્દીઓ સમયસર ઇલાજ માટે આવે તો સારા પરિણામો મળી શકે છે. આ પ્રકારના કેન્સર માટે તમાકુનું સેવન મુખ્ય કારણ છે. લાંબા સમય સુધી મોઢામાં છાલા રહેવા, મોઢા અને ગળામાંથી લોહી નીકળવું અને ગાંઠ હોવી આના લક્ષણો છે.

(3:08 pm IST)