Gujarati News

Gujarati News

News of Monday, 2nd August 2021

વડાપ્રધાન મોદીના સલાહકાર અમરજીત સિન્હાએ આપેલું રાજીનામું

બીજા એક અધિકારીએ પીએમઓ છોડી દીધું : અમરજીત સિન્હા વડાપ્રધાન કાર્યાલયમાં સલાહકાર હતા અને સામાજિક ક્ષેત્ર સાથે સંકળાયેલા પ્રોજેક્ટ્સનું કામ સંભાળતા હતા

નવી દિલ્હી, તા.૨ : પ્રધાનમંત્રી કાર્યાલય (પીએમઓ) ના વરિષ્ઠ અધિકારી અમરજીત સિન્હાએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. ન્યૂઝ એજન્સીએ સોમવારે સૂત્રોને ટાંકીને આ સમાચાર આપ્યા છે. ઉલ્લેખનીય છે કે નિવૃત્ત આઈએએસ અધિકારી અમરજીત સિન્હા વડાપ્રધાન કાર્યાલયમાં સલાહકાર હતા અને સામાજિક ક્ષેત્ર સાથે સંકળાયેલા પ્રોજેક્ટ્સનું કામ સંભાળતા હતા.

૧૯૮૩ બેચના બિહાર કેડરના આઈએએસ અધિકારી અમરજીત સિન્હા ૨૦૧૯ માં ગ્રામીણ વિકાસ સચિવ તરીકે નિવૃત્ત થયા હતા અને ત્યારબાદ તેમની નિમણુંક વડાપ્રધાન કાર્યાલયમાં કરવામાં આવી હતી. તાજેતરનાં મહિનાઓમાં પીએમઓમાંથી રાજીનામું આપનારા સિન્હા બીજા ટોચના અધિકારી છે. તેમના પહેલા, ભૂતપૂર્વ કેબિનેટ સચિવ પીકે સિન્હાએ માર્ચમાં રાજીનામું આપ્યું હતું. સિંહાએ ત્રણ દાયકાની કારકિર્દીમાં, શિક્ષણ મંત્રાલય અને પંચાયતી રાજમાં મુખ્ય હોદ્દાઓ સંભાળ્યા હતાં. તેઓ ગ્રામીણ વિકાસ બાબતોમાં નિષ્ણાત છે. રાષ્ટ્રીય ગ્રામીણ આરોગ્ય મિશન અને સર્વ શિક્ષા અભિયાન જેવી યોજનાઓમાં તેમની ભૂમિકા મહત્વની હતી. સિન્હાએ લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એકેડમી ઓફ એડમિનિસ્ટ્રેશનમાં પણ સેવા આપી છે.

(8:54 pm IST)