Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd August 2022

પરમાણુ અને જૈવિક હથિયારો સાથે સંબંધિત ઘણી સંધિઓ પર ભારતે હસ્તાક્ષર કર્યા : 17 વર્ષ જૂના કાયદામાં સુધારો કરાયો

જૈવિક, રાસાયણિક અથવા પરમાણુ શસ્ત્રોનાં ભંડોળ પર પ્રતિબંધ મૂકવાની જોગવાઈ : હથિયારો માટે ફંડિંગ કરનાર વ્યક્તિની સંપત્તિ જપ્ત થઈ શકે

નવી દિલ્લી તા. 01 : જૈવિક, રાસાયણિક અથવા પરમાણુ શસ્ત્રો સંબંધિત ઘણી સંધિઓ પર ભારતે હસ્તાક્ષર કર્યા છે. આ પરમાણુ શસ્ત્રો સામૂહિક વિનાશનું કારણ બને છે અને ભારત એક શાંતિ પ્રિય દેશ છે. જેને કારણે આ દિશામાં એક ડગલું આગળ વધીને સોમવારે સંસદના ચોમાસુ સત્રમાં મહત્વપૂર્ણ બિલ પસાર કરવામાં આવ્યું હતું.

આ બિલ સામૂહિક વિનાશના શસ્ત્રો અને તેમની સપ્લાય સિસ્ટમ  સુધારો બિલ-2022 છે. આ એક સંશોધન બિલ છે, જેના દ્વારા સમાન નામના 17 વર્ષ જૂના કાયદામાં સુધારો કરવામાં આવ્યો છે.

આ વર્ષે બજેટ સેશન દરમિયાન એપ્રિલમાં આ બિલ લોકસભામાં પાસ કરવામાં આવ્યું હતું, જ્યારે રાજ્યસભામાં તેને પાસ કરવાનું બાકી હતું, આ સામુહિક વિનાશના હથિયાર અને તેમની વિતરણ પ્રણાલી કાયદો 2005માં સુધારો કરે છે. જેથી ભારતની આંતરરાષ્ટ્રીય જવાબદારીઓ અનુસાર આવા હથિયારો સામે જોગવાઈઓ કરી શકાય.

ઉલ્લેખનીય છે કે, સામૂહિક વિનાશનું શસ્ત્ર એટલે તે શસ્ત્રો, જે વધારે વસ્તીના મૃત્યુનું કારણ બને છે અથવા મોટા વિનાશનું કારણ બને છે. સંસદીય બાબતોના નિષ્ણાત સૂરજ મોહન ઝાએ જણાવ્યું હતું કે આ શબ્દનો સૌપ્રથમ ઉપયોગ 1937માં ચર્ચ ઓફ ઈંગ્લેન્ડના નેતા, કેન્ટરબરીના આર્કબિશપ દ્વારા જર્મન અને ઈટાલિયન ફાશીવાદીઓ દ્વારા ગ્યુર્નિકામાં બોમ્બ ધડાકાનું વર્ણન કરવા માટે કરવામાં આવ્યો હતો. આંતરરાષ્ટ્રીય કાયદામાં WMDની કોઈ સત્તાવાર વ્યાખ્યા નથી. સામાન્ય રીતે, કોઈપણ પરમાણુ, જૈવિક અને રાસાયણિક (NBC) શસ્ત્રો જે સામૂહિક વિનાશનું કારણ બને છે તેને WMD એટલે કે સામૂહિક વિનાશનું શસ્ત્ર માનવામાં આવે છે.

સામાન્ય શબ્દોમાં WMDએ એવા શસ્ત્રોનો ઉલ્લેખ કરે છે જે અત્યંત જોખમી છે અને જેમાં વધારે વસ્તીનો વિનાશ કરવાની ક્ષમતા હોય છે. ડબલ્યુએમડી એક્ટની કલમ 4(પી) જૈવિક, પરમાણુ અને રાસાયણિક શસ્ત્રો અને અન્ય મુખ્ય શસ્ત્રોના વર્ગ માટે વ્યાપક શબ્દ તરીકે સામૂહિક વિનાશના શસ્ત્રોને વ્યાખ્યાયિત કરે છે, જેમાં તેનો સમાવેશ થાય છે. WMD એક્ટની કલમ 4(h) મુજબ પરમાણુ શસ્ત્રો અથવા સાધનો એ ભારત સરકાર દ્વારા માન્ય પરમાણુ ક્ષમતાના શસ્ત્રો તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે. સામાન્ય રીતે આવા શસ્ત્રો મશીનરી અને હથિયારોના વિસ્ફોટની સુવિધા માટે પરમાણુ વિભાજનની પ્રક્રિયાનો ઉપયોગ કરે છે.

સામૂહિક વિનાશના શસ્ત્રો અને તેમની સપ્લાય સિસ્ટમ (ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ) સુધારો બિલ 17 વર્ષ જૂના કાયદામાં સુધારો કરે છે. સૂરજ મોહને કહ્યું કે જૈવિક, રાસાયણિક અને પરમાણુ શસ્ત્રો સામૂહિક વિનાશના શસ્ત્રો છે. નવું બિલ, જે ટૂંક સમયમાં કાયદાનું સ્વરૂપ લેશે, જેના દ્વારા આવા હથિયારોના ભંડોળ પર પ્રતિબંધ મૂકવાની જોગવાઈ કરવામાં આવી છે.

તેમણે કહ્યું કે આમાં કોઈપણ વ્યક્તિને આવા હથિયારો માટે ફંડિંગ કરવાથી રોકવા માટે કેન્દ્ર સરકારને તેમની સંપત્તિ જપ્ત કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારને આવા ફંડર્સના ભંડોળ, અન્ય નાણાકીય અસ્કયામતો અથવા આર્થિક સંસાધનો અટકાવવાનો, હસ્તગત કરવાનો અથવા જોડવાનો અધિકાર છે.

એટલું જ નહીં, આ બિલના અમલીકરણ પછી જો કોઈ વ્યક્તિ WMD સંબંધિત આવી પ્રવૃત્તિઓમાં રોકાયેલ છે, જે પ્રતિબંધિત છે તો આ કાયદા હેઠળ અન્ય કોઈ વ્યક્તિ પણ તે વ્યક્તિને ભંડોળ અથવા કોઈપણ સેવા પ્રદાન કરવા પર પ્રતિબંધિત રહેશે અને તે જ કાર્યવાહી કરવામાં આવશે.

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ અને આંતરરાષ્ટ્રીય એજન્સીઓ દ્વારા નિર્ધારિત શાંતિ ધોરણો અથવા સંધિઓમાં ભારત સમાન સહભાગી છે. પાર્લામેન્ટ ટીવીના વરિષ્ઠ પત્રકાર સિદ્ધાર્થ ઝાએ જણાવ્યું કે આ પ્રકારના હથિયારોને રોકવા માટે દાયકાઓથી ઘણા વૈશ્વિક કરાર થયા છે. આમાંનો એક 1925નો જીનીવા પ્રોટોકોલ છે, જેણે જૈવિક શસ્ત્ર સંમેલન 1972 અને રાસાયણિક શસ્ત્ર સંમેલન 1992 હેઠળ રાસાયણિક અને જૈવિક શસ્ત્રોના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો હતો. ભારતે આ બંને સંધિઓ પર હસ્તાક્ષર કર્યા છે.

આવી સ્થિતિમાં સામૂહિક વિનાશનું કારણ બનેલા હથિયારોના ફંડિંગ વિરુદ્ધ પસાર કરાયેલા બિલ માટે ભારતની પ્રશંસા થઈ રહી છે. આ બિલ પર ચર્ચા દરમિયાન વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે આ બિલ પાસ થવાથી દેશની વૈશ્વિક સ્થિતિ મજબૂત થશે. તેમણે કહ્યું કે દેશની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે 17 વર્ષ જૂના કાયદામાં ફેરફાર કરવો જરૂરી છે.

(10:34 pm IST)