Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd August 2022

મુંબઈ રેલવે નેટવર્ક અંતર્ગત ૧૧૫ સ્થળે કુલ ૧૫૦ એકરની જમીન પર શાકભાજીને બદલે ફૂલો ઉગાડાશે

શાકભાજીને ગટરનું પાણી પવાતું હોવાની ટીકા બાદ રેલવે હવે ફૂલો દ્વારા સુંદરતા વધારશે : પ્રવાસીઓને ટ્રેનની બહાર વધુ સુંદરતાનો અનુભવ થશે

મુંબઇ તા.01 : રેલવેમાં ટ્રેકની આસપાસની ખાલી જમીન પર શાકભાજી ઉગાડવામાં આવે છે. પરંતુ આ પ્રક્રિયા દરમ્યાન ગટરમાંથી પાકને પાણી પાવામાં આવતું હોવાની રાવ ઊઠે છે.  જેને લઈ સેન્ટ્રલ રેલવેએ હવે ટ્રેકની આસપાસ શાકભાજીને બદલે રંગબેરંગી ફૂલો ઉગાડવાનો મહત્વનો નિર્ણય લીધો છે.

મુંબઈ રેલવે નેટવર્ક અંતર્ગત ૧૧૫ સ્થળે કુલ ૧૫૦ એકરની જમીન પર આ યોજના અમલમાં લવાશે. આને કારણે રેલવેના પ્રવાસ દરમ્યાન પ્રવાસીઓને ટ્રેનની બહાર વધુ સુંદરતાનો અનુભવ થશે. રેલવેની ખાલી જગ્યા પર અતિક્રમણ રોકવા માટે ગત અનેક દાયકાથી રેલવેની આસપાસની જમીન પર શાકભાજી વાવવામાં આવે છે.

જોકે અનેક સ્થળે અહીં ઉગાડાતી શાકભાજીને આસપાસમાંથી પસાર થતી ડ્રેનેજ સિસ્ટમમાંથી પાણી અપાતું હોવાનું સામે આવ્યા બાદ આ ઘટનાની ભારે ટીકા થઈ હતી. રેલવેના અધિકારીના જણાવ્યાનુસાર, હવે રેલવેની જગ્યાએ શાકભાજી ઉગાડવા માટેનું લાઈસન્સ રીન્યુ ન કરવાનો નિર્ણય લેવાયો છે.

(10:36 pm IST)