Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd August 2022

સરકાર આપતી હતી સબસિડીઃ છતાં ૪.૧૩ કરોડ લોકોએ ગેસ સિલિન્‍ડર રિફીલ નથી કરાવ્‍યાઉજ્જવલા યોજના

કેન્‍દ્ર સરકારે સંસદમાં ઉજ્જવલા યોજના હેઠળ અપાયેલા ગેસ કનેક્‍શનના રિફિલિંગના આંકડા જાહેર કર્યા નથી

નવી દિલ્‍હી, તા.૨: પહેલી ઓગષ્‍ટના રોજ કોમર્શિયલ ગેસ સિલિન્‍ડરના ભાવમાં ઘટાડો કરવામાં આવ્‍યો હતો, પરંતુ ઘરેલુ એલપીજી સિલિન્‍ડર (LPG)ની કિંમતો યથાવત રહી હતી. સરકારે માત્ર પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના (PMUY) ના લાભાર્થીઓ માટે સબસિડી (LPG સબસિડી) જાળવી રાખી છે. બાકીના એલપીજી ગ્રાહકો માટે સબસિડી નાબૂદ કરવામાં આવી છે. પરંતુ સંસદમાં સરકાર દ્વારા રજૂ કરાયેલા આંકડા દર્શાવે છે કે મોટી સંખ્‍યામાં ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓએ એકવાર પણ એલપીજી સિલિન્‍ડર રિફિલ કર્યા નથી.

ગત દિવસે કેન્‍દ્ર સરકારે સંસદમાં ઉજ્જવલા યોજના હેઠળ અપાયેલા ગેસ કનેક્‍શનના રિફિલિંગના આંકડા આપ્‍યા હતા. પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ રાજય મંત્રી રામેશ્વર તેલીએ રાજયસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં જણાવ્‍યું કે, ઉજ્જવલા યોજનાના ૪.૧૩ કરોડ લાભાર્થીઓએ એક વખત પણ એલપીજી સિલિન્‍ડર રિફિલ કર્યું નથી. તે જ સમયે, ૭.૬૭ કરોડ લાભાર્થીઓએ માત્ર એક જ વાર સિલિન્‍ડર ભર્યું છે. વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ સાથે સંબંધિત માહિતી માંગી હતી.

રામેશ્વર તેલીએ કહ્યું કે વર્ષ ૨૦૧૭-૧૮ના વચ્‍ચે ઉજ્જવલા યોજનાના ૪૬ લાખ લાભાર્થીઓએ એક પણ સિલિન્‍ડર રિફિલ કર્યું નથી. તે જ સમયે, એકવાર રિફિલ કરાવનારા લોકોની સંખ્‍યા ૧.૧૯ કરોડ હતી. રાજયમંત્રીના જણાવ્‍યા અનુસાર, ૨૦૧૮-૧૯ દરમિયાન ૧.૨૪ કરોડ, ૨૦૧૯-૨૦ દરમિયાન ૧.૪૧ કરોડ, ૨૦૨૦-૨૧ દરમિયાન ૧૦ લાખ અને ૨૦૨૧-૨૨ દરમિયાન ૯૨ લાખ લોકોએ એક પણ વખત સિલિન્‍ડર ભર્યું ન હતું. આ સાથે તેમણે સિલિન્‍ડરને એકવાર રિફિલ કરનારા લોકોના આંકડા પણ આપ્‍યા.

રામેશ્વર તેલીએ જણાવ્‍યું હતું કે વર્ષ ૨૦૧૮-૧૯ દરમિયાન ૨.૯૦ કરોડ, ૨૦૧૯-૨૦ દરમિયાન ૧.૮૩ કરોડ, ૨૦૨૦-૨૧ દરમિયાન ૬૭ લાખ અને ૨૦૨૧-૨૨ દરમિયાન ૧.૦૮ કરોડ જવાલા યોજનાના લાભાર્થીઓએ માત્ર એક જ વાર સિલિન્‍ડર રિફિલ કરાવ્‍યું હતું. તેમણે એમ પણ જણાવ્‍યું કે વર્ષ ૨૦૨૧-૨૨ દરમિયાન કુલ ૩૦.૫૩ કરોડ ઘરેલું ગેસ ગ્રાહકોમાંથી ૨.૧૧ કરોડ લોકોએ એકવાર પણ ગેસ સિલિન્‍ડર રિફિલ કર્યું નથી. તે જ સમયે, ૨.૯૧ કરોડ ગ્રાહકોએ એકવાર ઘરેલુ ગેસ સિલિન્‍ડર ભર્યા છે. એપ્રિલ ૨૦૨૦ સુધી, ઉજ્જવલા ગેસના સિલિન્‍ડર ભરવા પર, ગરીબોને ૧૬૨ રૂપિયાની સબસિડી પાછી મળતી હતી.

સરકારે ઉજ્જવલા યોજના હેઠળ ૯ કરોડ મફત એલપીજી કનેક્‍શનનું વિતરણ કર્યું છે. આ તમામ લોકોને એલપીજી સબસિડી તરીકે પ્રતિ સિલિન્‍ડર ૨૦૦ રૂપિયા નક્કી કરવામાં આવ્‍યા છે. સરકારે વાર્ષિક ૧૨ સિલિન્‍ડર પર સબસિડી આપવાનો નિયમ બનાવ્‍યો છે. ૨૧ મે ૨૦૨૨ થી ૨૦૨૨-૨૩ સુધી, સરકારે આ નિયમો નક્કી કર્યા છે. ઉજ્જવલા યોજના હેઠળ સરકાર ગરીબ પરિવારની મહિલાઓને મફત ગેસ કનેક્‍શન આપે છે.

(10:22 am IST)