Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd August 2022

દરભંગાની યુનિ.એ વિદ્યાર્થીને ૧૦૦માંથી ૧૫૧ માર્ક આપ્‍યા!

ઇટ્‍સહેપન ઓન્‍લી ઇન ઇન્‍ડીયા !

દરભંગા,તા.૨: બિહારની શિક્ષણ વ્‍યવસ્‍થાની વધુ એક વાર પોલ ખુલી છે. આ મામલો દરભંગાની લલિત નારાયણ મિથિલા યુનિવર્સિટી સાથે જોડાયેલો છે. અહીંયા એક વિદ્યાર્થીને ૧૦૦ માર્કના પેપરમાં ૧૫૧ માર્ક આપવામાં આવ્‍યા છે. ૧૦૦માંથી ૧૫૧ માર્ક મેળવનાર વિદ્યાર્થી બેગૂસરાય જિલ્લાના વિષ્‍ણુપુર સ્‍થિત મહંત રામ જીવનદાસ કોલેજના બી.એ.ના દ્વિતીય વર્ષમાં અભ્‍યાસ કરતો હતો. આ વિદ્યાર્થીનું નામ અનમોલ કુમાર છે. અનમોલ કુમાર પણ ૧૫૧ માર્ક જોઈને અચંબામાં પડી ગયો. લોકોએ આ બાબતને યુનિર્સિટીની બેદરકારી ગણાવી રહ્યા છે. જયારે આ વિદ્યાર્થીની માર્કશીટ સોશ્‍યલ મીડિયામાં વાયરલ થઈ ગઈ છે.

દરભંગાની લલિત નારાયણ મિથિલા યુનિવર્સિટીના વિદ્યાર્થી અનમોલે કહ્યું કે, હું પણ પરિણામ જોઈને હેરાન હતો. મારે બીએ ઓનર્સ દ્વિતીય વર્ષની પરીક્ષામાં પોલિટિકલ સાયન્‍સના પેપર-૪માં ૧૦૦માંથી ૧૫૧ માર્ક આવ્‍યા. જોકે, આ વૈકલ્‍પિક પેપર છે, પરંતુ અધિકારીઓએ માર્કશીટ આપતા પહેલા તપાસ કરવી જોઈતી હતી. જોકે, પછી અનમોલ કુમારે કહ્યું કે, આ ટાઇપિંગ ભૂલ હતી, એટલે મને ફરી નવી માર્કશીટ આપવામાં આવી. હવે હું પ્રમોટ થઈને બીએ ઓનર્સના તૃતીય વર્ષમાં પહોંચી ગયો છું.જયારે એક અન્‍ય વિદ્યાર્થીને બી.કોમ પાર્ટ-૨ના બે જુદા-જુદાં પેપરમાં ઝીરો માર્ક મળ્‍યા છે. આ મામલે પણ યુનિવર્સિટીના અધિકારીઓએ ભૂલ થઈ હોવાનું સ્‍વીકાર્યું અને આ વિદ્યાર્થીને પણ નવી માર્કશીટ આપી છે.

(10:39 am IST)