Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd August 2022

નેશનલ હેરાલ્‍ડની ઓફિસ સહિત ૧૪ સ્‍થળે ઇડીના દરોડા : સોનિયા - રાહુલની હાલ પૂછપરછ થઇ'તી

મની લોન્‍ડ્રીંગ કેસ

નવી દિલ્‍હી તા. ૨ : મની લોન્‍ડ્રીંગ કેસની તપાસ કરી રહેલી ઇડીએ હવે કોંગ્રેસ સમર્થિત અખબાર નેશનલ હેરાલ્‍ડની ઓફિસ પર દરોડા પાડયા છે. સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની લાંબી પૂછપરછ બાદ ઇડીએ કાર્યવાહી કરી છે. ઇડીની ટીમે નેશનલ હેરાલ્‍ડની ઓફિસ સહિત ૧૪ અલગ-અલગ સ્‍થળો પર આજે દરોડા પાડયા છે. ૨૧ અન. ૨૬ જુલાઇએ સોનિયા ગાંધીની ઇડીએ પૂછપરછ કરી હતી. અગાઉ રાહુલ ગાંધીની સતત અનેક દિવસો સુધી ઇડી દ્વારા નેશનલ હેરાલ્‍ડ કેસમાં પૂછપરછ કરવામાં આવી હતી. હવે એજન્‍સી દ્વારા નવી કાર્યવાહી કરવામાં આવી છે.

દિલ્‍હીમાં ઘણી જગ્‍યાઓ પર દરોડા ઉપરાંત કોલકાતા અને અન્‍ય ઘણા શહેરોમાં પણ દરોડા પાડવામાં આવી રહ્યા છે. સૂત્રોનું કહેવું છે કે પૂછપરછ બાદ EDને લાગ્‍યું કે આ કેસમાં દરોડા પાડવાની જરૂર છે. EDનું કહેવું છે કે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી સહિત ઘણા નેતાઓએ આ સમગ્ર કેસમાં દિવંગત નેતા મોતીલાલ વોરાનું નામ લીધું હતું. આ સિવાય ઘણા ટ્રાન્‍ઝેક્‍શનની વાત થઈ હતી, જેની માહિતી એકત્ર કરવા માટે દસ્‍તાવેજોની ચકાસણી કરવાની જરૂર છે. આ સિવાય નેશનલ હેરાલ્‍ડની ઓફિસનો ઉપયોગ કેમ થાય છે તેની પણ તપાસ કરવામાં આવશે.

આ દરમિયાન રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર ટિપ્‍પણી કરી છે. તેમણે ફેસબુક પર લખ્‍યું, ‘તમારી જાતને એકલા ન સમજો, કોંગ્રેસ તમારો અવાજ છે અને તમે કોંગ્રેસની શક્‍તિ છો. આપણે સરમુખત્‍યારના દરેક હુકમ સામે, જનતાના અવાજને દબાવવાના દરેક પ્રયાસો સામે લડવું પડશે. તમારા માટે હું અને કોંગ્રેસ પક્ષ લડતા આવ્‍યા છીએ અને લડતા રહીશું. તમે સારી રીતે જાણો છો કે આજે દેશમાં કયા મુદ્દાઓ પર ચર્ચા થવી જોઈએ કારણ કે સરકારની દરેક ખોટી નીતિ તમારા જીવનને અસર કરી રહી છે.'

તેમણે આગળ લખ્‍યું, આ ચોમાસુ સત્રમાં અમે સરકારને લોકોના પ્રશ્નોના જવાબ આપવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ તમે બધાએ જોયું કે સરકારે વિપક્ષના લોકોને કેવી રીતે સસ્‍પેન્‍ડ કર્યા. અમારા વિરોધ માટે અમારી ધરપકડ કરવામાં આવી, ગૃહ સ્‍થગિત કરવામાં આવ્‍યું અને ગઈ કાલે જયારે ચર્ચા થઈ ત્‍યારે સરકારે સ્‍પષ્ટ કહ્યું કે ‘મોંઘવારી જેવી કોઈ સમસ્‍યા નથી'. દેશ બેરોજગારીની મહામારી સામે લડી રહ્યો છે, કરોડો પરિવારો પાસે સ્‍થિર આવકનું કોઈ સાધન નથી. પરંતુ સરકાર માત્ર ‘અહંકારી રાજા'ની છબીને ચમકાવવા માટે અબજો રૂપિયા ખર્ચી રહી છે.

(3:31 pm IST)