Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd August 2022

ભારતના સ્‍વદેશી રમકડાઓ ચાઇનાના રમકડાને સાઇડ કરી આંતરરાષ્‍ટ્રીય બજાર સર કરશે

ભારત રમકડાના ઉદ્યોગમાં વૈશ્વિક સ્‍તરે પાવર હાઉસ બનશેઃ લોકોને પુષ્‍કળ રોજગારી મળવાની સંભાવના

નવી દિલ્‍હીઃ હાલ વિશ્વમાં ચાઇનાના રમકડાની બોલબાલા છે. દર વર્ષે કરોડોનો કારોબાર રમકડાના વ્‍યવસાયથી થાય છે. ત્‍યારે ભારત  રમકડાના ઉદ્યોગમાં વૈશ્વિક સ્‍તરનું પાવર હાઉસ બનવા જઇ રહ્યુ છે. ભારતમાં બનતા સ્‍વદેશી રમકડા પરંપરાગત અને પ્રકૃત્તિ બંનેને અનુરૂપ હોય છે. હવે ભારતમાં રમકડા ઉદ્યોગથી લાખો લોકોને રોજગારી ઉપલબ્‍ધ થશે.

સામાન્ય રીતે આપણે બાળકો માટે રમકડાં લેવા જઈએ તો હાલ બજારમાં ઉપલબ્ધ મોટાભાગના રમકડાં ચાઈનાથી એક્સપોર્ટ થતાં હોય છે. ત્યારે હવે એ સમય આવી ગયો છેકે, જ્યારે આપણાં બાળકો ચાઈનાના નહીં પણ ચાઈનાના બાળકો આપણાં રમકડાંથી રમશે. ભારત દેશ રમરડાંના ઉદ્યોગમાં વૈશ્વિક સ્તરનું પાવરહાઉસ બનવા જઈ રહ્યો છે. જેને કારણે ભારતમાં રોજગારીનો આ એક નવો માર્ગ મોકળો થઈ રહ્યો છે. લાખો લોકોને આ રમકડાંના ઉદ્યોગ થકી ધંધો-રોજગાર કરવાની તક મળશે. અને વિદેશીને બદલે સ્વદેશી લોકો આર્થિક રીતે સદ્ધર થશે.

હાલમાં જ પ્રધાનમંત્રી મોદીએ મન કી બાતમાં જણાવ્યુંકે, મારા પ્રિય દેશવાસીઓ, તમને ધ્યાનમાં હશે કે ‘મન કી બાત’ના એક હપ્તામાં મેં કહ્યું હતું કે ભારત પાસે રમકડાં નિકાસનું powerhouse બનવાની પૂરી ક્ષમતા છે. મેં રમતગમતમાં ભારતના સમૃદ્ધ વારસાની વિશેષ રીતે ચર્ચા કરી હતી. ભારતના સ્થાનિક રમકડાં, પરંપરા અને પ્રકૃતિ બંને ને અનુરૂપ હોય છે. પર્યાવરણને અનુકૂળ હોય છે. હું આજે તમારી સાથે ભારતીય રમકડાંઓની સફળતા જણાવવા માગું છું.

આપણા યુવાનો, સ્ટાર્ટ અપ અને સાહસિકોના જોર પર આપણા રમકડા ઉદ્યોગે જે કરી દેખાડ્યું છે, જે સફળતા પ્રાપ્ત કરી છે, તેની કોઈએ કલ્પના પણ નહીં કરી હોય. આજે જ્યારે ભારતીય રમકડાંની વાત થાય છે તો, બધી બાજુ વૉકલ ફૉર લૉકલનો જ પડઘો સંભળાય છે. તમને એ જાણીને પણ સારું લાગશે કે ભારતમાં હવે, વિદેશથી આવતાં રમકડાંની સંખ્યા સતત ઘટી રહી છે.

પહેલાં ત્રણ હજાર કરોડ રૂપિયા થી પણ વધુ નાં રમકડાં બહારથી આવતાં હતાં, ત્યારે આજે તેની આયાત ૭૦ ટકા સુધી ઘટી ગઈ છે અને આનંદની વાત એ છે કે આ દરમિયાન ભારતે બે હજાર છસ્સો કરોડ રૂપિયાથી વધુનાં રમકડાંની વિદેશોમાં નિકાસ કરી છે. જ્યારે, પહેલાં ૩૦૦-૪૦૦ કરોડ રૂપિયાનાં રમકડાં જ ભારતથી બહાર જતાં હતાં અને તમે જાણો જ છો કે આ બધું, કોરોનાકાળમાં થયું છે.

ભારતના રમકડાં ઉદ્યોગે પોતાનામાં પરિવર્તન લાવીને દેખાડ્યું છે. ભારતીય ઉત્પાદકો હવે ભારતની પૌરાણિક કથાઓ, ઇતિહાસ અને સંસ્કૃતિ પર આધારિત રમકડાં બનાવી રહ્યા છે. દેશમાં ઠેક-ઠેકાણે રમકડાંના જે સમૂહ છે, રમકડાં બનાવનારા જે નાના-નાના સાહસિકો છે, તેમને તેનો બહુ મોટો લાભ મળી રહ્યો છે. આ નાના સાહસિકોનાં બનાવેલાં રમકડાં, હવે દુનિયાભરમાં જઈ રહ્યાં છે. ભારતના રમકડાં નિર્માતા, વિશ્વની અગ્રણીglobal toy brands  સાથે મળીને પણ કામ કરી રહ્યા છે. મને એ પણ ખૂબ જ સારું લાગ્યું કે, આપણું સ્ટાર્ટ અપ ક્ષેત્ર પણ રમકડાંની દુનિયા પર પૂરું ધ્યાન આપી રહ્યું છે.

તેઓ આ ક્ષેત્રમાં અનેક મજાની ચીજો પણ કરી રહ્યા છે. બેંગલુરુમાં, શૂમી ટૉયઝ નામનું સ્ટાર્ટ અપ પર્યાવરણને અનુકૂળ રમકડાં પર ધ્યાન આપી રહ્યું છે. ગુજરાતમાં આર્કિડઝૂ કંપની એઆર આધારિત ફ્લેશ કાર્ડ અને એઆર આધારિત સ્ટૉરી બુક બનાવી રહી છે. પૂણેની કંપની, ફન્વેન્શન લર્નિંગ, રમકડાં અને એક્ટિવિટી પઝલ્સ દ્વારા વિજ્ઞાન અને ટૅક્નૉલૉજી તેમજ ગણિતમાં બાળકોનો રસ વધારવામાં લાગેલી છે. હું રમકડાંની દુનિયામાં કામ કરી રહેલા આવા બધા ઉત્પાદકોને, સ્ટાર્ટ અપને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આવો, આપણે બધાં મળીને, ભારતીય રમકડાંઓને, દુનિયાભરમાં હજુ વધુ લોકપ્રિય બનાવીએ. તેની સાથે જ, હું વાલીઓને પણ અનુરોધ કરીશ કે તેઓ વધુમાં વધુ ભારતીય રમકડાંઓ, પઝલ્સ અને રમતો ખરીદે.

સાથીઓ, વર્ગખંડ હોય કે રમતનું મેદાન, આજે આપણા યુવાનો, દરેક ક્ષેત્રમાં, દેશને ગૌરવાન્વિત કરી રહ્યા છે. આ મહિને, પી. વી. સિંધુએ સિંગાપુર ઑપનનો પોતાનો પહેલો ખિતાબ જીત્યો છે. નીરજ ચોપરાએ પણ પોતાનું સારું પ્રદર્શન ચાલુ રાખતાં, વર્લ્ડ ઍથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં દેશ માટે રજત ચંદ્રક જીત્યો છે. આયર્લેન્ડ પેરા બૅડમિન્ટન ઇન્ટરનેશનલમાં પણ આપણા ખેલાડીઓએ ૧૧ ચંદ્રક જીતીને દેશનું માન વધાર્યું છે. રોમમાં થયેલી વર્લ્ડ કેડેટ રેસલિંગ ચેમ્પિયનશિપમાં પણ ભારતીય ખેલાડીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું. આપણા એથલેટ સૂરજે તો Greco-Roman ઇવન્ટમાં કમાલ જ કરી બતાવી. તેમણે ૩૨ વર્ષના લાંબા અંતરાલ પછી આ ઇવેન્ટમાં રેસલિંગનો સુવર્ણ ચંદ્રક જીત્યો છે. ખેલાડીઓ માટે તો આ પૂરો મહિનો જ પ્રવૃત્તિઓથી ભરપૂર રહ્યો છે.

ચેન્નાઈમાં ૪૪મી ચેસ ઑલમ્પિયાડની યજમાની કરવી ભારત માટે ઘણા જ સન્માનની વાત છે. ૨૮ જુલાઈએ જ આ સ્પર્ધાનો પ્રારંભ થયો હતો અને મને તેના ઉદ્ઘાટન સમારંભમાં સામેલ થવાનું સૌભાગ્ય મળ્યું. તે દિવસે યુકેમાં રાષ્ટ્રમંડળ રમતોની પણ શરૂઆત થઈ. યુવાન જોશથી ભરપૂર ભારતીય ટુકડી ત્યાં દેશનું પ્રતિનિધિત્વ કરી રહી છે. હું બધા ખેલાડીઓ અને એથ્લેટને દેશવાસીઓ તરફથી શુભકામના પાઠવું છું. મને એ વાતનો પણ આનંદ છે કે ભારત ફિફા અંડર -૧૭ વીમેન્સ વર્લ્ડ કપની પણ યજમાની કરવા જઈ રહ્યું છે. આ સ્પર્ધા ઑક્ટોબર આસપાસ યોજાશે, જે રમતો પ્રત્યે દેશની દીકરીઓનો ઉત્સાહ વધારશે.

(4:50 pm IST)