Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd August 2022

કોંગ્રેસ સમર્થિત અખબાર નેશનલ હેરાલ્ડની ઓફિસ પર EDનાં દરોડા : મની લોન્ડરિંગ સંદર્ભે તપાસ કરાઈ

સોનિયા ગાંધી, રાહુલ ગાંધી સહિત ઘણા નેતાઓએ આ સમગ્ર કેસમાં દિવંગત નેતા મોતીલાલ વોરાનું નામ લીધું : ED

નવી દિલ્લી તા.02 : સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની લાંબી પૂછપરછ બાદ EDએ હવે મની લોન્ડરિંગ કેસની તપાસમાં કોંગ્રેસ સમર્થિત અખબાર નેશનલ હેરાલ્ડની ઓફિસ પર દરોડા પાડ્યા છે. EDનું કહેવું છે કે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી સહિત ઘણા નેતાઓએ આ સમગ્ર કેસમાં દિવંગત નેતા મોતીલાલ વોરાનું નામ લીધું હતું.

જાણવા મળતી વિગત મુજબ, ED દ્વારા નેશનલ હેરાલ્ડની કચેરીમાંથી મની લોન્ડરિંગ સંદર્ભે ઓફિસમાં તપાસ કરવામાં આવી રહી છે. નેશનલ હેરાલ્ડ કેસમાં EDએ તાજેતરમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને તે પહેલા કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીને પૂછપરછ માટે બોલાવ્યા હતા.

દિલ્લીમાં ઘણી જગ્યાઓ પર દરોડા ઉપરાંત કોલકાતા અને અન્ય ઘણા શહેરોમાં પણ દરોડા પાડવામાં આવી રહ્યા છે. સૂત્રોનું કહેવું છે કે પૂછપરછ બાદ EDને લાગ્યું કે આ કેસમાં દરોડા પાડવાની જરૂર છે. EDનું કહેવું છે કે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી સહિત ઘણા નેતાઓએ આ સમગ્ર કેસમાં દિવંગત નેતા મોતીલાલ વોરાનું નામ લીધું હતું. આ સિવાય ઘણા ટ્રાન્ઝેક્શનની વાત થઈ હતી, જેની માહિતી એકત્ર કરવા માટે દસ્તાવેજોની ચકાસણી કરવાની જરૂર છે. આ સિવાય નેશનલ હેરાલ્ડની ઓફિસનો ઉપયોગ કેમ થાય છે તેની પણ તપાસ કરવામાં આવશે.

મની લોન્ડરિંગ કેસની તપાસ કરી રહેલી EDએ હવે કોંગ્રેસ સમર્થિત અખબાર નેશનલ હેરાલ્ડની ઓફિસ પર દરોડા પાડ્યા છે. સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની લાંબી પૂછપરછ બાદ EDએ આ નવી કાર્યવાહી કરી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ટીમે આજે નેશનલ હેરાલ્ડની ઓફિસ સહિત 10 અલગ-અલગ સ્થળોએ દરોડા પાડ્યા છે. 21 અને 26 જુલાઈના રોજ ED દ્વારા સોનિયા ગાંધીની પૂછપરછ કરવામાં આવી હતી. તે પહેલા નેશનલ હેરાલ્ડ કેસમાં ED દ્વારા રાહુલ ગાંધીની પણ સતત કેટલાય દિવસો સુધી પૂછપરછ કરવામાં આવી હતી. હવે એજન્સી દ્વારા આ નવી કાર્યવાહી કરવામાં આવી છે.

(7:58 pm IST)