Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd August 2022

રાંચી એરપોર્ટને ફરી બોમ્બથી ઉડાવાની ધમકી મળી : એરપોર્ટના અધિકારીના નં. પર ટેક્ષ મેસેજથી ધમકી અપાઈ

અગાઉ 28 અને 29 જુલાઈના રોજ પણ અપાઈ હતી ધમકી : લખ્યું - જો 20 લાખ રૂપિયા ન આપવામાં આવ્યા તો તે એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેશે

રાંચી, તા. 02 : ઝારખંડનાં રાંચી સ્થિત બિરસા મુંડા એરપોર્ટને છેલ્લા કેટલાક દિવસોથી ઉડાડવાની ધમકી અપાઈ રહી છે. અને આજે પણ એરપોર્ટના એક અધિકારીના નંબર પર ટેક્સ્ટ મેસેજથી ધમકી આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, આ અગાઉ પણ આ જ નંબર પરથી ધમકી આપવામાં આવી હતી.

મેસેજમાં લખવામાં આવ્યું હતું કે, જો 20 લાખ રૂપિયા ન આપવામાં આવ્યા તો તે એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેશે. એરપોર્ટ પ્રબંધને તેની સૂચના પોલીસને આપી દીધી છે. પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે. આ અગાઉ 28 અને 29 જુલાઈના રોજ પણ આ જ નંબરથી ધમકી આપવામાં આવી હતી. ધમકી આપનારને હજુ સુધી પોલીસ નથી પકડી શકી.

બિરસા મુંડા એરપોર્ટના અધિકારીએ જણાવ્યું કે, ફરી એક વખત રાંચી એરપોર્ટને ઉડાવાની ધમકી મળી છે. એવું બની શકે કે, કોઈ તમને ડરાવવાનો પ્રયત્ન કરી રહ્યું હોય. જોકે એરપોર્ટ મેનેજમેન્ટ એરપોર્ટ અને અહીં આવતા લોકોની સુરક્ષાને લઈને સતર્ક છે. આ સિવાય ધમકીના કેસની પણ તપાસ કરવામાં આવી રહી છે. સ્વતંત્રતા દિવસને લઈને પણ એરપોર્ટ હાઈ એલર્ટ પર છે.

(8:02 pm IST)