Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd August 2022

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને માલદીવના રાષ્ટ્રપતિએ સમિટ વાટાઘાટો બાદ છ કરાર પર હસ્તાક્ષર કર્યા

બંને દેશોની વચ્ચે બાંધકામ ક્ષમતા, સાયબર સુરક્ષા, આવાસ, આપત્તિ વ્યવસ્થાપન અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સહયોગ વધારવાને લઈને કરાર થયા

નવી દિલ્હી, તા. 02 : માલદીવના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ મોહમ્મદ સોલિહ ભારતની ચાર દિવસીય મુલાકાતે આવ્યા છે. ત્યારે આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ઈબ્રાહીમ સોલિહ વચ્ચે બેઠક યોજાઇ હતી. જેમાં વાટાઘાટો બાદ બંને દેશોએ છ કરાર પર હસ્તાક્ષર કર્યા છે.

બંને દેશોની વચ્ચે બાંધકામ ક્ષમતા, સાયબર સુરક્ષા, આવાસ, આપત્તિ વ્યવસ્થાપન અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સહયોગ વધારવાને લઈને કરાર થયા છે. સમિટ વાટાઘાટો બાદ વડાપ્રધાન મોદીએ કહ્યુ કે, માલદીવને 10 કરોડ અમેરિકી ડોલરની વધારાની ક્રેડિટ સુવિધા પ્રદાન કરવાનો નિર્ણય લીધો છે. જેથી તમામ પરિયોજનાઓને યોગ્ય સમયે પૂરી કરી શકાય.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કહ્યુ કે, બંને દેશોની વચ્ચે મૈત્રીપૂર્ણ સંબંધોમાં નવો જોશ જોવા મળ્યો છે અને નિકટતા વધી છે. તેમણે કહ્યુ, કોવિડ મહામારીથી ઉત્પન્ન પડકારો છતાં આપણી વચ્ચેનો સહયોગ વ્યાપક ભાગીદારીનુ રૂપ લઈ રહ્યો છે.

હિંદ મહાસાગરમાં આંતરરાષ્ટ્રીય અપરાધ, આતંકવાદ અને માદક પદાર્થોની તસ્કરીનુ જોખમ ગંભીર છે. તેમણે કહ્યુ કે, શાંતિ માટે ભારત-માલદીવની વચ્ચે ઘનિષ્ઠ સંબંધ મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યુ કે, ભારત-માલદીવ ભાગીદારી ના માત્ર બંને દેશોના નાગરિકોના હિતમાં કામ કરી રહી છે. પરંતુ આ સ્થિરતાનો સ્ત્રોત પણ બની રહી છે. માલદીવની કોઈ પણ જરૂરિયાત કે સંકટ પર ભારતે સૌથી પહેલા પ્રતિક્રિયા આપી છે અને આગળ પણ આપતુ રહેશે.

માલદીવના રાષ્ટ્રપતિ સોલિહએ કહ્યુ કે, આપણે આતંકવાદ સામે લડવા દ્રઢ પ્રતિબદ્ધતાનુ પુનરાવર્તન કરીએ છીએ. માલદીવ ભારતનો સાચો મિત્ર રહેશે. માલદીવના રાષ્ટ્રપતિ એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ સાથે ચાર દિવસના ભારત પ્રવાસ માટે સોમવારે દિલ્હી પહોંચ્યા હતા.

(10:08 pm IST)