Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd August 2022

શિવસેના પર હકની લડાઈ હવે રસ્તા પર આવી ! : શિવસેનાની ઓફિસમાં સાંસદ શિંદેની તસવીર લગાવી દીધી

ડોંબિવલીમાં હિંસક નજારો જોવા મળ્યો, એકનાથ શિંદે જૂથના સમર્થકો શિવસેનાની ઓફિસમાં ઘુસી જતાં ઠાકરેના સમર્થકો સાથે ઘર્ષણ થયું !

મુંબઈ તા.02 : મહારાષ્ટ્રમાં શિવસેનાનાં જ કહેવાતા બે જુથ્થ બાખડી પડ્યા હતા. બનવાની મળતી વિગતો મુજબ, શિવસેના પર હકની લડાઈને લઈ ડોંબિવલીમાં હિંસક નજારો જોવા મળ્યો હતો. જ્યારે એકનાથ શિંદે જૂથના સમર્થકો શિવસેનાની ઓફિસમાં ઘુસી ગયા હતા. એક રિપોર્ટ પ્રમાણે આ લોકો શિવસેનાની કેન્દ્રીય શાખામાં ઘુસી ગયા અને એકનાથ શિંદે તથા સાંસદ શ્રીકાંત શિંદેની તસવીર લગાવી દીધી હતી. જેને કારણે ઘર્ષણ થયું હતું.

શિવસેના પર હકની લડાઈ ચૂંટણી પંચ અને સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે, પરંતુ તેની પહેલા એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરે જૂથના કાર્યકર્તાઓ રોડ પર ઉતરવાથી તણાવ વધી ગયો છે. એકનાથ શિંદે જૂથના કાર્યકર્તા મંગળવારે બપોરે ડોંબિવલીમાં શિવસેનાની કેન્દ્રીય શાખામાં ઘુસી ગયા. તે એક ડ્રિલ મશીન લઈને આવ્યા હતા. શિવસેનાની શાખામાં ઘુસી આ કાર્યકર્તાઓએ ડ્રિલ મશીનથી દીવાલ પર એકનાથ શિંદે અને શ્રીકાંત શિંદેની તસવીરો લગાવી દીધી. અત્યાર સુધી શિવસેનાની આ કેન્દ્રીય શાખામાં બાલાસાહેબ ઠાકરે, આનંદ દિધે, ઉદ્ધવ ઠાકરે અને આદિત્ય ઠાકરેની તસવીરો હતી.

શિવસૈનિકો અને શિંદે સમર્થકો વચ્ચે સંઘર્ષ થયુ હતું. નોંધનીય છે કે આશરે દોઢ મહિનાથી એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરે જૂથમાં ટકરાવ ચાલી રહ્યો છે. એકનાથ શિંદેએ શિવસેનાના 56 ધારાસભ્યોમાંથી 40ને પોતાની સાથે લઈ ભાજપ સાથે સરકાર બનાવી લીધી છે. તો શિવસેનાના 12 જેટલા સાંસદો પણ શિંદે જૂથનું સમર્થન કરી રહ્યા છે. આ સાથે તેણે ચૂંટણી પંચમાં ખુદને અસલી શિવસેનાના નેતા હોવાનો પણ દાવો કર્યો છે. આ વચ્ચે ડોંબિવલીની ઘટનાએ તણાવ વધારી દીધો છે.

આ વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવામાં આવી ચે. આજથી એકનાથ શિંદે જૂથ સમર્થક ડોંબિવલીમાં સભ્ય અભિયાન શરૂ કરવાના છે. તે માટે સોશિયલ મીડિયા કેમ્પેન ચલાવવામાં આવી રહ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે સરકાર બનાવ્યા બાદ હવે શિંદે જૂથ સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારી કરી રહ્યું છે.

(11:47 pm IST)