Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd September 2020

વર્ક ફ્રોમ હોમ કરી રહેલા કર્મચારીઓ દર મહિને રૂ.પ,પ૨૦ની બચત કરી રહ્યા છેઃ સર્વે

ઓફિસ આવવા-જવા માટેનો દરરોજનો આશરે ૧ કલાક ૪૫ મિનિટનો સમય પણ બચી રહ્યો છે

નવી દિલ્હી, તા.૨: દેશમાં કોરોના વાયરસની મહામારીને ધ્યાનમાં રાખતા લાગુ લોકડાઉન દરમિયાન વર્ક ફ્રોમ હોમ એટલે કે ઘરેથી કામ કરવાનો નવો ટ્રેન્ડ શરૂ થયો છે. વર્ક ફ્રોમ હોમ કરી રહેલા પ્રોફેશનલને દર મહિને રૂપિયા ૫,૫૨૦ની બચત થઈ રહી હોવાનું જાણવા મળી રહ્યું છે. ઓફિસ આવવા-જવા માટેનો દરરોજનો આશરે ૧ કલાક ૪૫ મિનિટનો સમય પણ બચી રહ્યો છે.

એક સર્વેમાં એવું જાણવા મળ્યું છે કે ઘરેથી કામ કરવાથી રૂપિયાની સાથે-સાથે સમયની પણ બચત થાય છે. ઘરેથી કામ કરી રહેલા લગભગ ૨૦% લોકો દર મહિને રૂપિયા ૫,૦૦૦થી ૧૦,૦૦૦ની બચત કરી રહ્યા છે. જયારે ૧૯% લોકો રૂપિયા ૧૦,૦૦૦થી વધુની બચત કરી રહ્યા છે. જયારે આશરે ૪૦% લોકો ઓફિસ આવવા-જવામાં જે ૧ કલાકનો સમય લાગતો હતો તે બચી રહ્યો છે. વર્ક ફ્રોમ હોમથી ઓફિસ આવવા-જવામાં દરરોજનો જે સમય બચી રહ્યો છે તે વર્ષના વધુ ૪૪ દિવસો જેટલો છે.

આ સર્વે અનુસાર ૭૫% વર્કફોર્સ પોતાના સમયને યોગ્યરીતે મેનેજ કરી શકે છે. આ કર્મચારીઓની જવાબદારી વધી છે અને તેમના પર મેનેજરનો ભરોસો પણ વધ્યો છે. પરંતુ, ઘરેથી કામ કરી રહેલા કર્મચારીઓને કેટલાંક પડકારનો પણ સામનો કરવો પડી રહ્યો છે. જે પૈકી સૌથી મોટો પડકાર ઘરે એકલા બેઠા-બેઠા કામ કરવું અને કામની સાથે-સાથે જીવનનું સંતુલન જાળવવાનો છે. વર્ક ફ્રોમ હોમથી લોકોની ઘરેથી કામ કરવાની ક્ષમતા વિશે પણ જાણવા મળ્યું છે. હવે એવી આશા વ્યકત કરવામાં આવી રહી છે કે આગામી પાંચ વર્ષમાં વધુમાં વધુ લોકો ઘરેથી કામ કરશે. કોરોના વાયરસની મહામારીમાં ઘણું બધું બદલાઈ ગયું છે.

(9:41 am IST)