Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd September 2020

રાજકોટમાં કોરોના બોંબ ફૂટ્યોઃ એક જ રાતમાં ૩૨ મોત

કોરોનાને કાબૂ કરવામાં તંત્ર વામણા સાબિત થઇ રહ્યા છે, પ્રજા વધુ ભયભીત બની રહી છેઃ ૨૪ દિવસમાં ૪૧૪નો ભોગ લેવાયોઃ સિવિલ હોસ્પિટલમાં ૨૬ અને ખાનગીમાં ૬ના મોત

રાજકોટ તા. ૨: વૈશ્વિક મહામારી કોરોનાએ રાજકોટમાં કાળો કેર વર્તાવ્યો છે. સતત થઇ રહેલા મૃત્યુ વચ્ચે આજે એક જ રાતમાં અધધધ ૩૨ દર્દીઓનો ભોગ લેવાઇ જતાં હાહાકાર મચી ગયો છે. મૃત્યુની બાબતમાં રાજકોટ સોૈરાષ્ટ્રનું બીજુ વુહાન સાબિત થઇ જશે તેવો ભય ગઇકાલે જ વ્યકત કરાયો હતો. ત્યાં એક જ રાતમાં વધુ ૩૨ દર્દીઓની જિંદગી ખતમ થઇ ગઇ છે. સિવિલ હોસ્પિટલમાં ૨૬ અને ખાનગી હોસ્પિટલમાં ૦૬ દર્દીઓના મોત થયા છે. તે સાથે ૨૪ (ચોવીસ) દિવસનો મૃત્યુઆંક ૪૧૪ થઇ ગયો છે.

રાજકોટમાં કોરોનાની સારવાર હેઠળ રવિવારે ૧૨ દર્દીઓએ દમ તોડી દીધા હતો. સોમવારે વધુ ૧૭ દર્દીઓની જિંદગી ખતમ થઇ ગઇ હતી અનેે ગઇકાલે મંગળવારે વધુ ૨૩ દર્દીઓના શ્વાસ થંભી ગયા હતાં. ત્રણ જ દિવસમાં કોરોનાએ મોતની ફીફટી ફટકારી હતી...એટલે કે ત્રણ દિવસમાં બાવન દર્દીઓ કોરોનાનો કોળીયો થઇ ગયા હતાં. ત્યાં આજે ચોથા દિવસે એક સાથે ૩૨ના મોતથી હાહાકાર મચી ગયો છે. તંત્રો કોરોનાને મ્હાત કરવામાં વામણા સાબિત થઇ રહ્યા છે અને બીજી તરફ લોકોમાં ફફડાટ વધી રહ્યો છે.

આજે કોવિડની સારવાર લઇ રહેલા ૨૬ દર્દીઓના સિવિલ હોસ્પિટલમાં અને ૦૬ દર્દીઓના ખાનગી હોસ્પિટલમાં મોત થયા છે. તે સાથે ૨૪ દિવસનો મૃત્યુઆંક ૪૧૪ થઇ ગયો છે. રોજબરોજ જે દર્દીઓના મોત થઇ રહ્યા છે તેમાં મોટી ઉમરના દર્દીઓનો સમાવેશ વધુ થાય છે. યુવાન અને આધેડ પણ કોરોનાને કારણે કાળનો કોળીયો બની રહ્યા છે. પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધી રહી છે અને મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. લોકોએ જાતે જ સમજવું, સાવચેત રહેવું જરૂરી બન્યું છે. આરોગ્ય સચિવ ડો. જયંતિ રવિ પણ ત્રણ દિવસથી કોરોનાને કઇ રીતે કાબુમાં લેવો તેની મહત્વની ચર્ચાઓ કરવા, નિર્ણયો લેવા રાજકોટના અલગ-અલગ તંત્રો સાથે બેઠકો કરી રહ્યા છે. આ વચ્ચે વધુ ૩૨ દર્દીઓના મોત થયા છે.

(11:01 am IST)