Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd September 2020

આત્મનિર્ભર ભારત : ૪ મહિના બાદ પણ પ્રવાસી મજૂરોને નથી આપી શકાયુ પૂરતુ અનાજ : ગુજરાતમાં માત્ર ૧ ટકા જ અપાયું

યોજના હેઠળ ૧૦૦% અનાજ ઉઠાવ્યા બાદ પણ આંધ્રપ્રદેશમાં વિતરણ શૂન્ય રહ્યું

નવી દિલ્હી તા. ૨ : દેશમાં આત્મનિર્ભર ભારત પેકેજ હેઠળ પ્રવાસી મજૂરોને માત્ર ૩૩ ટકા અનાજ અને ૫૬ ટકા ચણા ફાળવવામાં આવ્યા છે. ગ્રાહક અને ખાદ્ય મંત્રાલય પાસે ઉપલબ્ધ ડેટા અંતર્ગત આ માહિતી મળી છે. જે અંતર્ગત પ્રવાસી મજૂર માટે ફાળવાયેલ ૮ લાખ ઘઉં અને ચોખામાંથી ૬.૩૮ લાખ ટન (૮૦ ટકા) રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોએ ઉઠાવ્યા હતા પરંતુ પાછલા ૪ મહિનામાં માત્ર ૨.૬૪ લાખ ટન (૩૩ ટકા) જ અનાજ લાભાર્થીઓને આપી શકાયું છે. આ ડેટા ૩૧ ઓગસ્ટ સુધીનો છે.

કોરોનાને કારણે નાણા મંત્રીએ ૧૪મી મે એ આવા પ્રવાસીઓને બે મહિના માટે મફત અનાજ આપવાની જાહેરાત કરી હતી. જેમની પાસે કોઇ કાર્ડ ન હોય તેઓને આ અનાજ આપવાનું હતું. સરકારની યોજના હેઠળ દરેક પ્રવાસી મજૂરને મે અને જૂન માટે પાંચ કિલો અનાજ અને એક કિલો ચણા આપવાના હતા તે પછી રાજ્યોએ પહેલેથી ઉઠાવેલા અનાજને વિતરીત કરવા માટે બે વધુ મહિના જુલાઇ અને ઓગસ્ટ આપવામાં આવ્યા હતા.

જો કે ૩૧ ઓગસ્ટ સુધી રાજ્યો ૬.૩૮ લાખ ટન અનાજના માત્ર ૪૧ ટકા જ આપી શકયા. આંકડાઓ અનુસાર મે મહિનામાં ૧.૧૭ લાખ ટન અનાજ પ્રવાસી મજૂરોને આપવામાં આવ્યું. જુનમાં આ આંકડા ૧.૨૪ લાખ ટન હતો જ્યારે જુલાઇમાં ૧૫.૨૨૩ ટન હતો. ઓગસ્ટમાં માત્ર ૭૬૪૩ ટન અનાજ અપાયું હતું.

રિપોર્ટ અનુસાર દેશમાં રાજ્યોમાંથી માત્ર ૨૬ રાજ્યોએ ફાળવાયેલ ૧૦૦ ટકા અનાજ ઉપાડયું. આ સિવાય માત્ર ૪ રાજ્યો બિહાર, છત્તીસગઢ, ઓરીસ્સા, નાગાલેન્ડ જેમણે ૧૦૦ ટકા અનાજ વિતરણ કર્યું.

ડેટા અનુસાર યોજના હેઠળ ૧૦૦ ટકા અનાજ ઉઠાવાયા બાદ આંધ્રમાં વિતરણ શૂન્ય ટકા રહ્યું. જ્યારે તેલંગાણા અને ગોવામાં એક ટકા તથા ગુજરાતમાં યોજના હેઠળ ૮૮ ટકા અનાજ ઉઠાવાયું પરંતુ માત્ર ૧ ટકા જ વિતરીત કરાયું હતું.

(11:10 am IST)