Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd September 2020

માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગથી ભારતમાં બે લાખ મોત ટાળી શકાયા

યુનિવર્સિટી ઓફ વોશિંગ્ટન એક એકમ દ્વારા થયેલા અભ્યાસનું તારણ

નવી દિલ્હી,તા. ૨: ભારતમાં કોરોના વાયરસની મહામારીના સંકટમાં માસ્કનો વ્યાપક ઉપયોગ તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતના પગલાંઓને લીધે ૧ ડિસેમ્બર સુધીમાં કોરોનાથી થનાર સંભવિત ૨,૦૦,૦૦૦ લાખ મોતને ટાળી શકાઈ છે. યુનિવર્સિટી ઓફ વોશિંગ્ટનના ઈન્સ્ટિટ્યૂશન ઓફ હેલ્થ મેટ્રિકસ અને ઈવેલ્યુએશન (IHME) દ્વારા કરાયેલા અભ્યાસમાં જણાવાયું છે કે ભારતમાં કોરોના વાયરસ લોકોના આરોગ્ય પર સૌથી મોટું જોખમ રહેલું છે.

આ અભ્યાસ મુજબ ભારત પાસે કોરોનાથી સંભવિત મોતને હજુ પણ નિયંત્રિત કરવાની તક રહેલી છે. આ માટે લોકોએ ગંભીર બનીને માસ્કનો ફરજિયાત ઉપયોગ કરવો પડશે. આ ઉપરાંત સોશિયલ ડિસ્ટન્સિંગ સહિત કોવિડ ૧૯ના અટકાવવા માટેની ગાઈડલાઈનનું કડક પાલન પણ કરવું પડશે.

વસ્તીની દ્રષ્ટિએ ભારતમાં કોરોના વાયરસનો અંત નજીકમાં નથી. હાલમાં ૩૬ લાખથી વધુ કેસો થયા છે જયારે ભારતની વસતી ૧૩૦ કરોડથી વધુની છે તેમ આઈએચએમઈના ડિરેકટર ક્રિસ્ટોફર મરેએ જણાવ્યું હતું.

મોડલ આધારિત કરાયેલા આ અભ્યાસ મુજબ હજુ પણ ભારતમાં કોરોનાના કેસો વધવાની સંભાવા છે. કેન્દ્ર સરકાર તેમજ વ્યકિતગત રીતે આજે, આવતીકાલે અને ભવિષ્યમાં લેવાતા પગલાંથી કેસોને નિયંત્રીત કરી શકાય તેમ છે. કોરોના વાયરસનું સંક્રમણ ફેલાતું અટકાવવા માસ્ક પહેરવું ફરજિયાત છે તેમ મુરેએ ભારપૂર્વક જણાવ્યું હતું. યુએસની યુનિવર્સિટીના એકમે કરેલા આ સર્વેને ટાંકીને હરિયાણાના અશોકા યુનિવર્સિટીના ભૌતિકશાસ્ત્ર વિભાગના પ્રોફેશર ગૌતમ મેનને જણાવ્યું કે, માસ્ક પહેરવું અને સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવું તે ચોક્કસપણે કોરોનાને અટકાવવામાં મદદરૂપ થતા પગલા છે. મેનના મતે આઈએચએમઈ મોડેલને આધારે ડિસેમ્બર મધ્યમાં કોરોનાના કેસો પીક પર પહોંચી શકે છે જે દૈનિક ૬૦ લાખ નવા કેસ હોઈ શકે છે અને મૃત્યુઆંક પાંચ લાખને પાર થઈ શકે છે. જો કે આ આંકડા વધુ પડતા હોવાનો પણ તેમણે એકરાર કર્યો હતો.

આ સર્વેમાં જેટલા લોકોનું જીવન બચ્યું તે આંકડો પણ વધારે પડતો જણાય છે તેમ મેનને ઉમેર્યું હતું. જો કે અભ્યાસમાં જણાવાયું છે કે કોરોના સામેના જંગમાં ભારતે નોંધપાત્ર સફળતા પ્રાપ્ત કરી હતી જેને પગલે મહામારીના ગાળામાં મૃત્યુદર નીચો રહ્યો છે. દિલ્હી સહિતના શહેરી વિસ્તારોમાં માઈક્રો કન્ટેઈન્મેન્ટ અને વ્યાપક ટેસ્ટિંગના પગલા કોવિડ ૧૯ના સંક્રમણને અટકાવવામાં અસરકારક રહ્યા છે.

અભ્યાસ મુજબ ભારતમાં અનુકૂળ સ્થિતિ વચ્ચે ૧ ડિસેમ્બર સુધીમાં મૃત્યુઆંક વધીને ૨,૯૧,૧૪૫ થઈ શકે છે જે ઓગસ્ટના અંત સુધીમાં ૬૦,૦૦૦ હતા. અભ્યાસ મુજબ દેશના ૧૩ જેટલા રાજયોમાં ૧૦ હજારથી વધુ કોરોનાના દર્દીઓના મોત થશે જયારે હજુ સુધી ફકત મહારાષ્ટ્રમાં જ આ આંકડો પાર થયો છે.

(11:12 am IST)