Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd September 2020

ઉજ્જૈન મહાકાલેશ્વર મંદિરમાં હવે ભકતો શિવલિંગને દહીં, ઘી અને મધ વગેરેનો લેપ નહીં કરી શકે

ઉજ્જૈન મહાકાલેશ્વર મંદિરના શિવલિંગ ભકતો પંચામૃત નહીં ચડાવી શકે : ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરના શિવલિંગને ક્ષારથી બચાવવા માટે મહત્વનો આદેશ આપ્યો છે

નવી દિલ્હી,તા.૨:ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરના શિવલિંગને ક્ષારથી બચાવવા માટે મહત્વનો આદેશ આપ્યો છે. કોર્ટે કહ્યું છે કે, મંદિરના શિવલિંગ પર કોઈપણ ભકત પંચામૃત ચડાવી શકશે નહીં. ભકતોએ શુદ્ઘ દૂધથી જ પૂજા કરવાની રહેશે. કોર્ટે મંદિર કમિટીને કહ્યું છે કે, તે ભકતો માટે શુદ્ઘ દૂધની વ્યવસ્થા કરે અને એ સુનિશ્યિત કરે કે કોઈપણ અશુદ્ઘ દૂધ શિવલિંગ પર ન ચડાવે. સુપ્રીમ કોર્ટે મંદિરના શિવલિંગના સંરક્ષણ માટે આ આદેશ આપ્યા છે. જસ્ટિસ અરુણ મિશ્રાના વડપણ હેઠળની બેંચે ઉજ્જેનના મહાકાલેશ્વર મંદિર મામલામાં આદેશ આપ્યો. આદેશ આપતા જસ્ટિસ મિશ્રાએ કહ્યું કે, ભગવાન શિવની કૃપાથી આ છેલ્લો ચુકાદો પણ થઈ ગયો.

સુપ્રીમ કોર્ટે શિવલિંગને ક્ષારથી બચવાવા અને સંરક્ષિત કરાવ માટે આ તમામ આદેશ આપ્યા. તે અંતર્ગત કહેવાયું છે કે, કોઈપણ ભકત શિવલિંગ પર કોઈપણ પંચામૃત વગેરેનો લેપ ન કરે. ભસ્મ આરતી વધુ કાળજી રાખીને કરવામાં આવે જેથી પીએચ વેલ્યુ યોગ્ય થાય અને શિવલિંગ સુરક્ષિત રહે. તેના માટે શકય તેટલી વધારે યોગ્ય રીત અપનાવવામાં આવે. શિવલિંગ પર મુંડમાળનો ભાર ઓછો કરવામાં આવે. એ વાત પર વિચાર કરવામાં આવે કે શું મેટલનું મુંડમાળ ફરજિયાત છે.

કોર્ટે કહ્યું કે, દહીં, દ્યી અને મધનો લેપ કરવાથી શિવલિંગ દ્યસાઈ રહ્યું છે અને ક્ષારયુકત થઈ રહ્યું છે. એ યોગ્ય રહેશે કે મર્યાદિત માત્રામાં શુદ્ઘ દૂધ શિવલિંગ પર ચડાવવામાં આવે. પરંપરાગત પૂજા માત્ર શુદ્ઘ વસ્તુઓથી થતી રહી છે. પુજારી તેમજ પંડિત એ વાતને સુનિશ્યિત કરે કે કોઈપણ ભકત શિવલિંગને કોઈપણ સ્થિતિમાં લેપ ન કરે. જો કોઈપણ ભકત એવું કરતો જણાશે તો પુજારીની જવાબદારી રહેશે. ગર્ભગૃહમાં પૂજા સ્થળનું ૨૪ કલાક રેકોર્ડિંગ કરવામાં આવશે અને છ મહિના સુધી રેકોર્ડિંગ સાચવવામાં આવશે. કોઈપણ પુજારી આ મામલે આદેશનું ઉલ્લંઘન કરશે તો મંદિર કમિટી એકશન લઈ શકે છે.

કોર્ટે રુડકી સીબીઆરઆઈને કહ્યું કે, તે મંદિરના સ્ટ્રકચર અંગે પોતાનો રિપોર્ટ આપે. ઉજ્જૈનના એસપી અને કલેકટરને કહેવાયું છે કે, તેઓ મંદિરના ૫૦૦ મીટરના વર્તુળમાંથી દબાણો હટાવે. હકીતમાં કોર્ટે આ મામલામાં આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાના એકસપર્ટ કમિટી પાસે સૂચન મંગાવ્યા હતા, કે કઈ રીતે મંદિરના સ્ટ્રકચર અને શિવલિંગને ક્ષારથી બચાવી શકાય અને શિવલિંગને સુરક્ષિત રાખી શકાય. સુપ્રીમ કોર્ટની જસ્ટિસ અરુણ મિશ્રાની બેંચે પોતાના ચુકાદામાં કહ્યું કે, મંદિરની એકસપર્ટ કમિટીને નિર્દેશ આપવામાં આવે છે કે, તે મંદિર અંગે ૧૫ ડિસેમ્બર, ૨૦૨૦ સુધી રિપોર્ટ રજૂ કરે કે કઈ રીતે મંદિરના શિવલિંગને પ્રોટેકટ કરી શકાય છે અને મંદિરના સ્ટ્રકચરને સંરક્ષિત કરી શકાય છે. કોર્ટે કમિટીને વાર્ષિક સર્વે રિપોર્ટ રજૂ કરવા પણ કહ્યું.

(11:14 am IST)