Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd September 2020

રામલલાના મંદિરમાં નંદીની ગાયના શુદ્ધ ઘીમાંથી અખંડ જ્યોત કરાશે

પટનાના મહાવિર મંદિર દ્વારા ૩૭પ કિલો ઘી દાન અપાયું

અયોધ્યા તા. ર : રામલલાના મંદિરમાં હવે અખંડ જ્યોતિ પટનાના મહાવિર મંદિર દ્વારા દાનમાં અપાયેલ ગાયના શુદ્ધ ઘીથી પ્રજવલીત થશે. આ ઘી કર્ણાટકની નંદની ગાયનું છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે એક વર્ષ માટે પટનાથી અખંડ જ્યોત માટે ઘી લેવા સહમતી આપી છે. ગઇકાલે અનંત ચર્તુદર્શીના શુભદિને મહાવિર મંદિર તરફથી રામ મંદિર ટ્રસ્ટને રપ ટીન (૩૭પ કિલો) ઘી સોંપવામાં આવેલ.

પટનાના મહાવિર મંદિર ટ્રસ્ટના સચીવ કિશોર કૃણાલ મુજબ શ્રીરામ મંદિર માટે અખંડ જ્યોતી હેતુ તેમના તરફથી હંમેશા ગાયનું શુદ્ધી ઘી આપવામાં આવશે. ભગવાનના ગર્ભગૃહમાં અખંડ દીપ પ્રગટાવવાની પરંપરા છે. આ આપણા ધર્મનું સૌથી મહત્વપૂર્ણ અંગ છે. એટલે રામ મંદિરમાં પણ અખંડ દીપની સલાહ આપવામાં આવેલ. મહાવિર મંદિર પોતાના ખર્ચમાંથી રામમંદિર ટ્રસ્ટ કહેશે ત્યાં સુધી ઘી પુરૂ પાડશે.

મહાવિર મંદિર ભગવાન શ્રીરામના ભોગ માટે વિશેષ પ્રકારના ચોખા ''મુકરી'' પહેલાથી દાન કરતુ આવ્યું છે આ સીવાય ટ્રસ્ટે રામમંદિર માટે ૧૦ કરોડની જાહેરાત રામમંદિર નિર્માણ માટે કરી છે. ર કરોડ રામમંદિર ટ્રસ્ટના ખાતામાં જમા કરાવાઇ ચૂકયા છે.

અયોધ્યાના અમાવા મંદિરમાં પટનાના મહાવિર મંદિર દ્વારા રામ ભકતોને નિઃશુલ્ક ભોજન કરાવાય છે. અહીં દરરોજ લાખો શ્રદ્ધાળુઓ પ્રસાદ ગ્રહણ કરે છે.

દરમિયાન આજે રામજન્મભૂમિમાં બિરાજમાન રામલલાના પ્રસ્તાવીત મંદિર સહિત સમગ્ર ૭૦ એકર પરિસરના નકશાની સ્વીકૃતિ માટે અયોધ્યા-ફૈઝાબાદ વિકાસ પ્રાધિકરણ બોર્ડ (એએફડીએ) ના માધ્યમથી બેઠક મળશે રપ હજાર વર્ગ મીટર ક્ષેત્રફળથી ઉપરના વિસ્તારના નકશાને સ્વિકૃતિ આપવાનો અધિકાર બોર્ડ પાસે જ છે. બેઠક મંડલાયુકત એમ.પી.અગ્રવાલના અધ્યક્ષતામાં બોર્ડની ઓફીસે મળશે ૭૦ એકટરનો નકશો દાખલ થયા બાદ સંપૂર્ણ ક્ષેત્રફળ ઉપર વિકાસ શુલ્ક લેવાશે. જે ફકત એકવાર જ દેવાનું હોય છે. નિર્માણ કાર્ય ગમે ત્યારે કરી શકાય છે.

રામજન્મભૂમિમાં બિરાજમાન રામલલા મંદિર અને પુરી ૭૦ એકર જમીન માટે ટ્રસ્ટે લગભગ પ કરોડ વિકાસ શુલ્ક ભરવાનું થશે. જો કે એએફડીએ દ્વારા નકશાના આકાર-પ્રકારને લઇને આંકલન કરી રકમની ગણતરી કરી રહ્યા છે. ત્યારબાદ જ નકશો બોર્ડ સમક્ષ આજે રજુ થશે. રામજન્મભૂમિ ટ્રસ્ટ એક ચેરીટેબલ સંસ્થા છે અને ઇન્કમટેક્ષમાં નોંધાયેલ હોવાથી વિકાસ શુલ્કમાં ૬પ ટકા સુધી છુટની જોગવાઇ છે. જેથી રકમ પ કરોડ આસપાસ રહેશે.

(11:39 am IST)