Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd September 2020

શહેરમાં કોરોનાનો નવો રેકોર્ડ સર્જાયો

રાજકોટમાં ૪૩ કલાકમાં અધધધ... ૧૨૯ કેસ

ગઇકાલે એક દિવસમાં સૌથી વધુ ૮૪ કેસ નોંધાયાઃ આજે બપોર સુધીમાં ૪૫ રિપોર્ટ પોઝિટિવઃ શહેરનો કુલ આંક ૩૩૪૯

રાજકોટ,તા.૩: શહેરમાં કોરોના સંક્રમણ અટકાવવાં તંત્ર વાહકો, નાગરિકે તમામ મોરચે, એડી ચોટીનું જોર લગાવીને પ્રયાસો કરી રહ્યા છે. છતાં કોરોના કેસ ઓછા થવાનું નામ નથી લેતા છેલ્લા પાંચ દિવસથી કોરોનાનાં આંકમાં વધારો થતો જોવા મળી રહ્યો છે ત્યારે આજ દિન સુધીનાં એક જ દિવસમાં સૌથી વધુ રેકોર્ડ બ્રેક  ગઇકાલે ૮૪ કેસ નોંધાયા હતા. આજે પણ બપોરે ૧૨ વાગ્યા સુધીમાં ૪૫ પોઝીટીવ કેસ મળી આવતાં છેલ્લા ૪૩ કલાકમાં અ..ધ..ધ.. કુલ ૧૨૯ કેસ નોંધાતા લોકોમાં ભારે ફફડાટ ફેલાયો રહ્યો છે. તમામની સારવારની વ્યવસ્થા તથા પોઝીટીવ વ્યકિતનાં કોન્ટેકટમાં આવેલ લોકોને કોરન્ટાઇન કરવા સહીતની કાર્યવાહી હાથ ધરાઇ હતી.

 

આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં   કુલ ૪૫ નવા કેસ સાથે શહેરમાં અત્યાર સુધીમાં કુલ ૩૩૪૯ પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે. અને તે પૈકી ૧૬૯૦ લોકો સાજા થઇને હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ થતા ૫૧.૧૫ ટકા રિકવરી રેટ થયો છે.

શહેરમાં છેલ્લા પાંચ દિવસથી કોરોના કેસમાં સતત વધારો થવા પામી રહ્યો છે. શનીવારથી આજ સુધીમાં દરરોજ કોરોનાએ જાણે હરીફાઇ લગાવી હોય તેવી સ્થિતી જોવા મળી રહી છે. તા.૩૧ ઓગષ્ટનાં સાંજનાં ૬ વાગ્યા થી તા.૧ સપ્ટેમ્બર સાંજનાં ૬ વાગ્યા સુધીમાં ૮૪ કેસ નોંધાયા હતા.

જયારે આજે તા.૨નાં બપોરનાં ૧૨ વાગ્યા સુધીમાં વધુ ૪૫ રિપોર્ટ પોઝિટિવ આવતા છેલ્લ ૪૩ કલાકમાં ૧૨૯ કેસ નોંધાયા છે.

ગઇકાલે કુલ ૨૯૦૦ સેમ્પલ લેવાયા હતા.જેમાં ૮૪ કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૨.૮૪ ટકા થયો  હતો. જયારે ૪૫ દર્દીઓને સાજા થયા હતા.

 છેલ્લા  છ  મહિનામાં એટલે કે માર્ચ થી આજ દિન સુધીમાં ૬૮,૨૩૪  ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૩૩૪૯ સંક્રમીત થતા પોઝિટિવ રેટ ૪.૮૪ ટકા થયો છે.

(2:51 pm IST)