Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd September 2020

અયોધ્યામાં રામ મંદિરનો નકશો મંજૂર:13,000 વર્ગ મીટરના કવર્ડ એરિયામાં બનશે મંદિર

અયોધ્યા વિકાસ ઓથોરિટી બોર્ડની બેઠકમાં સર્વસંમતિથી આ નકશાને પાસ કરાયો

નવી દિલ્હી :અયોધ્યામાં નિર્માણ થઈ રહેલા શ્રી રામ જન્મભૂમિ મંદિરનો નકશો આજે મંજૂર થઈ ગયો છે. અયોધ્યા વિકાસ ઓથોરિટી બોર્ડની બેઠકમાં સર્વસંમતિથી આ નકશાને પાસ કરવામાં આવ્યો છે. આશરે 2,74,110 ચોરસ મીટરના ખુલ્લા વિસ્તાર અને 13000 ચોરસ મીટરના આવરેલા ક્ષેત્રનો નકશો પાસ કરવામાં આવ્યો છે.

  અયોધ્યામાં ભગવાન રામનું મંદિર 36થી 40 મહિનામાં બનીને તૈયાર થઈ શકે છે. મંદિરના નિર્માણમાં એક ગ્રામ લોખંડનો પણ ઉપયોગ કરવામાં આવશે નહીં. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે કહ્યું હતું કે, મંદિરની ઉંમર ઓછામાં ઓછી એક હજાર વર્ષ હશે. લાર્સન અને ટુબ્રો કંપની, આઈઆઈટીના એન્જીનિયરોની નિર્માણ કાર્યમાં મદદ લેવાઈ રહી છે.

  શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે કહ્યું હતું કે મંદિરના સ્થળેથી મળી આવેલા અવશેષોના ભક્તો દર્શન કરી શકે એવી વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે. પત્થરોનો ઉપયોગ મંદિરના નિર્માણમાં કરવામાં આવશે. બહુ જલ્દી પાયાનું ખોદકામ શરૂ કરાશે. મંદિરની પાંચ એકર જગ્યાને અડીને આવેલા જર્જરિત મંદિરની સાફ સફાઈ ચાલી રહી છે. મશીનો મંદિર પરિસરમાં પહોંચી ચુકી છે.

(5:42 pm IST)