Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd September 2020

સિંગાપોરની કંપની મુસ્તફા સેન્ટર ભારતીય કમર્ચારીઓની છટણી કરશે

જેનો વર્ક પાસ સમયગાળો પૂર્ણ થતો હોય તેવા તમામ કમર્ચારીઓને પરત મોકલી દેશે

નવી દિલ્હી : સિંગાપોરમાં ભારતીય મૂળનાં સૌથી મોટા હાઈપર માર્કેટ મુસ્તફા સેન્ટરે જણાવ્યું હતું કે કોરોના વાયરસને કારણે કારોબાર પ્રભાવિત થતા જેનો વર્ક પાસ સમયગાળો પૂર્ણ થાય છે તેવા તમામ કમર્ચારીઓને પરત મોકલી દેશે. આ કમર્ચારીઓમાં સૌથી વધુ ભારતના કેરળ રાજ્યના છે. એક સુપર માર્કેટ અને ડિપાર્ટમેન્ટલ સ્ટોરના સંયોજનવાળા મોટા સ્ટોરને હાઇપર માર્કેટ કહે છે.

પ્રાપ્ત વિગતો અનુસાર જેને કામ કરવા માટે નથી બોલાવાયા તેવા કમર્ચારીઓને પણ કંપની પ્રતિમાસ 300 સિંગાપોર ડોલરનું ભથ્થું ચૂકવાતી હતી તે નહીં ચૂકવે. આ ઉપરાંત કંપની તરફથી રોજગારી માટે નવો વિકલ્પ શોધવાનું કહેવામાં આવ્યું છે. કંપનીના મેનેજીંગ ડાયરેક્ટર અને સંસ્થાપક મુસ્તાક અહમદે મુસ્તફા સમૂહ અને તેની સાથે સંકળાયેલ કંપનીઓના કમર્ચારીઓને સંબોધીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે કંપની પોતાના વિદેશી કમર્ચારીઓના વર્ક પાસને રીન્યુ કરાવવા માટે સક્ષમ નથી અને તેઓને પરત ઘરે જવા માટે ટિકિટના નાણાં આપશે.

રવિવારે સોશિયલ મીડિયા પર બહાર પાડવામાં આવેલા આ પત્રમાં 27 ઓગસ્ટની તારીખનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અહેમદે કહ્યું કે કર્મચારીઓને એક મહિનાનો પગાર પણ આપવામાં આવશે. સ્ટ્રેટસ ટાઇમ્સે અહમદને ટાંકીને જણાવ્યું હતું કે અમને આ નિર્ણય લેવાનો અફસોસ છે પરંતુ આશા રાખીએ છીએ કે આ બિઝનેસ ઝડપથી પાટા પર આવશે.

મુસ્તફા સેન્ટરમાં વેચવામાં આવતા ખાદ્ય પદાર્થોનો એક મોટો હિસ્સો ભારતીય મૂળનો છે, જયારે તે ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનો સહીત અન્ય વૈશ્વિક બ્રાન્ડ્સને પણ વેચે છે જે સિંગાપોરના પ્રવાસીઓમાં લોકપ્રિય છે.

(5:42 pm IST)