Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd September 2020

ચીને ઉત્તરાખંડમાં અટકચાળું કર્યું, વધુ જવાનો તૈનાત કર્યા

ચીન ભારતમાં તનાવ વધારવાના મૂડમાં: કેન્દ્રની અરુણાચલ, સિક્કીમ તેમજ લદ્દાખ સરહદે ઇન્ડો તિબેટિયન બોર્ડર પોલીસને પણ સજાગ રહેવાની તાકીદ

નવી દિલ્હી, ૨ : લદ્દાખ સરહદે પેંગોગ સહિતના વિસ્તારોમાં ઘુસી આવ્યા બાદ ચીને હવે ઉત્તરાખંડ સરહદે તણાવ સર્જવાનું અટકચાળું કર્યું છે. ચીનની આ ચાલથી સચેત ભારતે આ સરહદે લશ્કરની વધુ કુમકો મોકલી આપી છે. ભારત-ચીન, ભારત-નેપાળ અને ભારત-ભુતાન એમ ત્રણે સરહદો પર આપણા જવાનોને સતર્ક કરી દેવાયા હતા. સાથોસાથ કેન્દ્ર સરકારે ઉત્તરાખંડ, અરુણાચલ પ્રદેશ, સિક્કીમ અને લદ્દાખ સરહદે ઇન્ડો તિબેટિયન બોર્ડર પોલીસને પણ સજાગ રહેવાની તાકીદ કરી હતી.

ઉત્તરાખંડના કાલા પાની વિસ્તારમાં જ્યાં ભારત, ચીન અને નેપાળની સરહદો મળે છે ત્યાં ફરજ પરના જવાનોને એલર્ટ કરી દેવામાં આવ્યા હતા. ઉત્તરાખંડ સરહદે વધુ કુમક મોકલવામાં આવી હતી, સશસ્ત્ર સીમા બલના જવાનોને સાબદા કરાયા હતા. એસએસબીની ત્રીસ કંપની એટલે કે ત્રણ હજાર સશસ્ત્ર જવાનોને ત્યાં મોકલી આપવામાં આવ્યા હતા.

સરકારી સૂત્રોએ જણાવ્યા મુજબ મંગળવારે કેન્દ્રના ગૃહ અને સંરક્ષણ ખાતાના અધિકારીઓએ  આઈટીબીપી અને એસએસબીના વરિષ્ઠ અધિકારીઓ સાથે ચર્ચાવિચારણા કરી હતી અને ચીનની મેલી મુરાદ સામે સાવધ રહેવાની તાકીદ કરવામાં આવી હતી.  અત્યાર અગાઉ ચીને છેલ્લા ત્રણ દિવસમાં લદ્દાખ સરહદે ઘુસણખોરીના પ્રયાસ કર્યા હતા. એ દરમિયાન ચીન અને ભારતના જવાનો વચ્ચે હાથની લડાઇ પણ થઇ ઙતી. ભારતના જવાનોએ ચીનની દરેક હિલચાલને અટકાવી દીધી હતી અને ચીનના ઇરાદાને સાકાર થવા દીધા નહોતા.

અત્યાર પહેલાં ચીને અરુણાચલ પ્રદેશ, સિક્કીમ અને ઉત્તરાખંડના કેટલાક વિસ્તારોને પોતાની માલિકીના ગણાવીને ત્યાં પણ અટકચાળા કરવાના પ્રયાસ કર્યા હતા. ભારતીય લશ્કરના જવાનોની સતર્કતાને કારણે ચીન ફાવ્યું નહોતું.

(9:42 pm IST)