Gujarati News

Gujarati News

News of Friday, 2nd October 2020

ભારતીય રેલ્વે તહેવારોની સીઝનમાં 200 વિશેષ ટ્રેનો દોડાવશે

15ઓક્ટોબરથી 30 નવેમ્બર સુધી ખાસ ટ્રેન ચલાવાશે : ટ્રેનોની જરૂરિયાત, ટ્રાફિક અને કોવિડ -19 ની સ્થિતિની સમીક્ષા કરાશે

 

નવી દિલ્હી : રેલવે  બોર્ડના અધ્યક્ષ અને સીઈઓ વી.કે. યાદવે કહ્યું કે ભારતીય રેલ્વે તહેવારોની સીઝનમાં 15 ઓક્ટોબરથી 30 નવેમ્બર સુધી 200 વિશેષ ટ્રેનો ચલાવવાની યોજના બનાવી રહી છે. રેલવેએ હાલમાં તમામ સામાન્ય પેસેન્જર ટ્રેનોને અનિશ્ચિત સમય માટે રદ કરી છે. ટ્રેનોને કોરોના રોગચાળાને કારણે 25 માર્ચથી રદ કરવામાં આવી છે. રેલવે દ્વારા દિલ્હીને દેશના વિવિધ ભાગોથી જોડતી વિશેષ રાજધાની ટ્રેનો 12 મેથી અને એક જૂનથી 100 લાંબા-અંતરની ટ્રેનો શરૂ કરવામાં આવી છે. 12 સપ્ટેમ્બરથી રેલ્વે 80 વધારાની ટ્રેનો પણ દોડાવી રહી છે.

યાદવે કહ્યું કે અમે ઝોનના જનરલ મેનેજરો સાથે બેઠક યોજી છે અને તેમને સ્થાનિક વહીવટની સલાહ લેવા અને કોરોના વાયરસ ચેપની સ્થિતિની સમીક્ષા કરવા નિર્દેશ આપ્યો છે. તેમની પાસેથી એક રિપોર્ટ માંગવામાં આવ્યો છે અને તેના આધારે તહેવારની સીઝનમાં કેટલી ખાસ ટ્રેનો દોડાવવામાં આવશે તે નક્કી કરવામાં આવશે. હાલમાં, અમે અંદાજ કરીએ છીએ કે લગભગ 200 ટ્રેનો દોડશે, પરંતુ તે અમારો અંદાજ છે, સંખ્યા હજી વધુ હોઈ શકે છે. તેમણે કહ્યું કે રાજ્ય સરકારોની જરૂરિયાતો અને રોગચાળાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રેલ્વેએ દરરોજ મુસાફરોની સુવિધાઓની સમીક્ષા કરવાનું નક્કી કર્યું છે. જ્યાં સુધી પેસેન્જર ટ્રેનોની વાત છે, અમે દરરોજ ટ્રેનોની જરૂરિયાત, ટ્રાફિક અને કોવિડ -19 ની સ્થિતિની સમીક્ષા કરીશું. જરૂર પડે ત્યાં ટ્રેનો દોડાવીશું.

(12:12 am IST)