Gujarati News

Gujarati News

News of Friday, 2nd October 2020

નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોનો રિપોર્ટ

દેશમાં દર ૧૬ મિનિટે એક બળાત્કાર

દહેજના કારણે દર કલાકે ૧ મહિલાનું મોત

નવી દિલ્હી તા. ૨ : યુપીના હાથરસમાં એક દલિત છોકરી પર થયેલ ગેંગરેપે આખા દેશને હચમચાવી મુકયો છે. આ ઘટના પછી ફરીએકવાર દેશમાં મહિલાઓની સુરક્ષા બાબતે સવાલો ઉભા થયા છે. આ ઘટના પછી નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોએ 'ક્રાઇમ ઇન ઇન્ડિયા-૨૦૧૯' રિપોર્ટ બહાર પાડયો છે. એનસીઆરબીના આંકડાઓ સ્પષ્ટ દર્શાવે છે કે દેશમાં મહિલાઓ વિરૂધ્ધના અપરાધ કેટલા સામાન્ય છે.

એનસીઆરબીના આંકડાઓ અનુસાર, ભારતમાં દર ૧૬ મીનીટમાં એક મહિલા પર બળાત્કાર થાય છે. દર ચાર કલાકમાં એક મહિલાની તસ્કરી કરવામાં આવે છે અને દર ચાર મીનીટમાં એક મહિલા પોતાના સાસરીયાઓની ક્રુરતાનો શિકાર બને છે. ૨૦૧૯માં નોંધાયેલા કેસો અનુસાર ભારતમાં રોજના સરેરાશ ૮૭ બળાત્કારની ઘટનાઓ જાહેર થાય છે. આ વર્ષના શરૂઆતના નવ મહિનામાં અત્યાર સુધીમાં મહિલાઓ વિરૂધ્ધના અપરાધોના ૪,૦૫,૮૬૧ ગુનાઓ નોંધાઇ ચૂકયા છે.

એનસીઆરબીના આંકડાઓ પર નજર નાખીએ તો ખબર પડે છે કે ૨૦૧૯ સુધી ભારતમાં દર ૧ કલાક અને ૧૩ મીનીટમાં એક મહિલાને દહેજના કારણે મોતને ઘાટ ઉતારી દેખાય છે એટલું જ નહીં દર ૨.૩ દિવસે એક છોકરી એસિડ એટેકનો શિકાર બને છે.

એનસીઆરબીના આંકડાઓ અનુસાર, ઇન્ડિયન પીનલ કોડ હેઠળ નોંધાયેલ આ કેસોમાંથી મોટાભાગના પતિ અથવા તેના સગાઓ દ્વારા ક્રુરતા (૩૦.૯) છે, ત્યાર પછી તેમની શીલતાનું અપમાન કરવાના ઇરાદાથી હુમલો (૨૧.૮ ટકા) અને મહિલાઓનું અપહરણ (૧૭.૯ ટકા) કેસો નોંધાયેલ છે.

(10:05 am IST)