Gujarati News

Gujarati News

News of Friday, 2nd October 2020

અભિવ્યકિતની સ્વતંત્રતાએ બીજા લોકોના બંધારણીય અધિકારોના ઉલ્લંઘનનું લાયસન્સ નથી : હાઇકોર્ટ

મુંબઇ તા. ૨ : મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉધ્ધવ ઠાકરે વિરૂધ્ધ કરવામાં આવેલ અભદ્ર ટીપ્પણી અંગેના કેસની સુનાવણી દરમિયાન બોમ્બે હાઇકોર્ટે કહ્યું કે, લોકશાહીમાં કોઇને પણ પોતાના વિચારો વ્યકત કરવાનો અધિકાર છે, પણ એનો અર્થ એવો નથી કે એ આપને બીજાના બંધારણીય અધિકારોના ઉલ્લંઘન કરવાનું લાયસન્સ આપે છે.

જસ્ટીસ એસ એસ શીંદે અને જસ્ટીસ એમ એસ કર્ણિકની બેંચ ગઇકાલે સમીત ઠક્કરની અરજી પર સુનાવણી કરી રહી હતી. સીએમ ઉધ્ધવ અને તેમના પુત્ર આદિત્ય ઠાકરે વિરૂધ્ધ વાંધાજનક ટવીટ કરવાના આરોપમાં ઠક્કર સામે એફઆઇઆર નોંધાઇ છે.

તેને રદ્દ કરવાની માંગણી બાબતે ઠક્કરે હાઇકોર્ટમાં અરજી દાખલ કરી છે. ઠક્કરના વકીલ અભિનવ ચંદ્રચૂડે કોર્ટમાં પોતાની દલીલમાં કહ્યું કે, બંધારણ દરેક નાગરિકને વડાપ્રધાન સહિત અન્ય જાહેર પદો પર બેઠેલા લોકોની ટીકા કરવાનો અધિકાર આપે છે. જોકે કોર્ટ બચાવ પક્ષના વકીલની દલીલ સાથે સહમત નહોતી થઇ.

કોર્ટે કહ્યું કે, એક જાહેર પદની ગરિમા જાળવી રાખવી જોઇએ. લોકશાહી વ્યવસ્થામાં સ્વસ્થ ટીકા તો થઇ શકે પણ કોઇ વિરૂધ્ધ અભદ્ર અને અપમાનજનક ટીકા યોગ્ય નથી. બંધારણ આપણને બોલવા અને વિચાર વ્યકત કરવાની સ્વતંત્રતા આપે છે પણ એ બીજાને મળેલા બંધારણીય અધિકારના ઉલ્લંઘન કરવાનું લાયસન્સ નથી આપતું, બેંચે ઠક્કરને પાંચ ઓકટોબરની આગામી સુનાવણીમાં હાજર થવાનો આદેશ આપ્યો છે.

(10:04 am IST)