Gujarati News

Gujarati News

News of Friday, 2nd October 2020

ભારતમાં કોરોનાનો મૃત્યુઆંક ૧ લાખ નજીક

છેલ્લા ૨૪ કલાકમાં ૮૧૪૮૪ નવા કેસ નોંધાયા : ૧૦૯૫ના મોત : કુલ મૃત્યુઆંક ૯૯૭૭૩ : કુલ કેસ ૬૩,૯૪,૦૬૯: ૯,૪૨,૨૧૭ એકટીવ કેસઃ સાજા થયા ૫૩,૫૨,૦૭૮

નવી દિલ્હી તા. ૨ : ભારતમાં કોરોનાનો કહેર એ હદે વધી ગયો છે તેનો પુરાવો અત્યાર સુધીમાં તેનો ભોગ બનેલા આંકડાથી જાણી શકાય છે. અત્યાર સુધીમાં ૯૯,૭૭૩ લોકોએ કોરોના સામે લડતાં પોતાના જીવ ગુમાવ્યા છે. શનિવારે આ આંકડો એક લાખને પાર પહોંચી જશે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં ૮૧,૪૮૪ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-૧૯ના કારણે ૧,૦૯૫ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૬૩,૯૪,૦૬૯ થઈ ગઈ છે.

 નોંધનીય છે કે, ભારતમાં કોવિડ-૧૯ની મહામારી સામે લડીને ૫૩ લાખ ૫૨ હજાર ૭૮ લોકો સાજા પણ થઇ ચૂકયા છે. હાલ ૯,૪૨,૨૧૭ એકિટવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ ૯૯,૭૭૩ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.

બીજી તરફ, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ શુક્રવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, ૧ ઓકટોબર સુધીમાં ભારતમાં કુલ ૭,૬૭,૧૭,૭૨૮ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, ગુરૂવારના ૨૪ કલાકમાં ૧૦,૯૭,૯૪૭ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં વધારો યથાવત્ રહ્યો છે. ૨૪ કલાકમાં ગુજરાતમાં કોરોના વાયરસના ૧૩૫૧ નવા કેસ નોંધાયા છે. જેની સામે ૧૩૩૪ દર્દીઓ સાજા થયા છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજયમાં કોવિડ-૧૯ના કારણે ૧૦ દર્દીઓના મોત થયા છે. રાજયમાં કુલ મૃત્યુઆંક ૩૪૬૩ થયો છે. ૨૪ કલાકમાં સૌથી વધુ સુરતમાં ૨૮૮ કેસ નોંધાયા છે. રાજયમાં કોરોનાના કુલ કેસ ૧૩૮૭૪૫ છે. જેમાંથી એકિટવ કેસ ૧૬,૭૧૭ છે. આજે રાજયમાં કુલ ૫૬,૭૩૮ ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજયમાં સાજો થવાનો દર ૮૫.૪૬ ટકા છે.

રાજયના આરોગ્ય વિભાગે આપેલી વિગતો પ્રમાણે રાજયમાં નવા નોંધાયેલા કેસમાં સુરતમાં ૨૮૮, અમદાવાદમાં ૧૯૩, રાજકોટમાં ૧૫૫, વડોદરામાં ૧૩૪, જામનગરમાં ૯૨, મહેસાણામાં ૪૮, બનાસકાંઠામાં ૩૪, જૂનાગઢમાં ૩૬, અમરેલીમાં ૩૧, પાટણમાં ૨૮ સહિત કુલ ૧૩૫૧ કેસ નોંધાયા છે

ગુજરાતમાં કોરોનાના કારણે ૧૦ દર્દીઓના મોત થયા છે. જેમાં સુરતમાં ૪, અમદાવાદમાં ૩ જયારે વડોદરા, પંચમહાલ અને સાબરકાંઠામાં ૧-૧ દર્દીઓના મોત થયા છે. બીજી તરફ સુરતમાં ૨૮૯, અમદાવાદમાં ૨૫૬, રાજકોટમાં ૧૮૮, જામનગરમાં ૫૪, વડોદરામાં ૧૨૨ અને પાટણમાં ૫૦ સહિત કુલ ૧૩૩૪ દર્દીઓએ કોરોના વાયરસને મ્હાત આપી છે.

ગુજરાતમાં અત્યારે કુલ ૧૬,૭૧૭ દર્દીઓ એકિટવ પેશન્ટ તરીકે દાખલ છે, જેમાં ૮૯ દર્દીઓ વેન્ટીલેટર પર છે. રાજયમાં ૧૬,૬૨૮ દર્દીઓ સ્ટેબલ છે. રાજયમાંથી અત્યાર સુધીમાં ૧૧૮૫૬૫ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

(11:13 am IST)