Gujarati News

Gujarati News

News of Friday, 2nd October 2020

ભારત કોરોના વેકસીન બનાવવાની નજીક?

ભારતે શરૂ કરી વિતરણ અને સ્ટોરેજની તૈયારી

નવી દિલ્હી તા. ૨ : દુનિયામાં કોરોના વેકસીન માટે રિસર્ચ યુદ્ઘસ્તર પર શરૂ થઈ ગયું છે. આશા કરવામાં આવી રહી છે કે આગામી વર્ષની શરૂઆત સુધીમાં આ જીવલેણ બીમારીની કોઈ વેકસીન જરુર આવી જશે. આ વચ્ચે ભારતમાં વેકસીનને લઈને આગામી તબક્કાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. કેન્દ્ર સરકારે રાજયો પાસેથી કોરોના વેકસીન સ્ટોરેજને લઈને જરુરી ક્ષમતા તૈયાર કરવા માટે અને તેના વિતરણના પ્લાન અંગે સૂચનો માગ્યા છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે આની પાછળનો વિચાર એ છે કે રસી બજારમાં આવે કે તરત જ દેશના દૂર-દૂરના લોકો સુધી પણ તેની તુરંત પહોંચવાની વ્યવસ્થા હોવી જોઈએ. કેન્દ્રએ રાજયો અને કેન્દ્રશાસિત પ્રદેશોને રસીના સંગ્રહ અને જાળવણી માટેની તૈયારી કરવા જણાવ્યું છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે રાજયો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પત્ર લખીને કહ્યું છે કે, 'કોવિડ -૧૯ મહામારીને રોકવા માટે તેની સામે અસરકારક ઇમ્યુનિસેશન જરૂરી છે અને આ માટે રસી સંગ્રહવા અને જાળવવાની ક્ષમતા પણ એટલી જ મહત્વપૂર્ણ છે.'

આ સમયે ભારતમાં ત્રણ રસીનું હ્યુમન ટ્રાયલ ચાલી રહ્યું છે. જેમાં ઓકસફોર્ડ યુનિવર્સિટી અને એસ્ટ્રાઝેનેકાની રસી તો ટ્રાયલના ત્રીજા તબક્કામાં પહોંચી ગઈ છે. પૂણે સ્થિત સીરમ ઇન્સ્ટિટ્યુટ વેકસીન ટ્રાયલ કરી રહી છે અને સીરમ ઇન્સ્ટિટ્યુટ એસ્ટ્રાઝેનેકા સાથે મળીને મધ્યમ અને ઓછી આવકવાળા દેશો માટે રસી ઉત્પાદન કરવામાં ભાગીદાર પણ છે. દેશમાં બે સ્વદેશી વેકસીન પણ બીજા તબક્કાના પરીક્ષણો પૂર્ણ કરી રહી છે. જેમાં ભારત બાયોટેક અને કેડિલા ફાર્માસ્યુટિકલ્સની રસી શામેલ છે.

ગ્લોબલ હેલ્થ એન્ડ બાયોટિકસ એન્ડ હેલ્થ પોલિસીના સંશોધક અનંત ભાને કહ્યું કે, 'રસીની જાળવણીનું કામ મહત્ત્વનું બનશે. જેના માટે કેન્દ્ર અને રાજય સરકારોએ તેમનું માળખું યોગ્ય કરવું પડશે. જેમાં વેકસીને સ્ટોર કરવા માટે તાપમાનથી લઈને દરેક પ્રકારની બાબતો પર ધ્યાન આપવું પડશે. આ ઉપરાંત રસીને દૂરના વિસ્તારોમાં પહોંચાડવા માટે વધારાના સંસાધનોની જરૂર પડશે. તેમણે કહ્યું કે આ માટે અત્યારથી જ આયોજન કરવાની જરૂર છે.'

(11:14 am IST)