Gujarati News

Gujarati News

News of Friday, 2nd October 2020

સેના હવે ઉત્તર કાશ્મીરના ત્રાસવાદીઓને ખોખરા કરશે

ઉત્તર કાશ્મીરમાં હજુ પચાસેક જેટલા ત્રાસવાદીઓ છુપાયા હોવાની અને એમને ઠાર મારવાના પ્રયત્નો ચાલુ

જમ્મુ,તા. ૨: દક્ષિણ કાશ્મીરમાં ત્રાસવાદીઓનો મોટેપાયે સફાયો કર્યા બાદ ભારતીય સેનાએ પોતાનું ધ્યાન હવે ઉત્તર કાશ્મીરના ત્રાસવાદીઓ અને એમને મદદ કરનારા દેશદ્રોહી તત્ત્વો તરફ વાળ્યું છે.

સંરક્ષણ સૂત્રોએ જણાવ્યું હતું કે દક્ષિણ કાશ્મીરમાં ત્રાસવાદીઓને ઝાઝુ સમર્થન ન મળવાને કારણે તેઓ હવે ઉત્તર કાશ્મીર તરફ વળ્યા છે. આ વિસ્તારોમાંથી એમને સમર્થન મળી રહ્યું હોવાની વાત અમારા જાણવામાં આવી છે.

ભારતીય સેનાએ પાછલા સાત મહિનામાં કાશ્મીરમાં ૨૬થી વધુ ત્રાસવાદી કમાંડરોને ઠાર માર્યા છે અને એમાંથી અડધા ઉત્તર કાશ્મીરમાં ઠાર મરાયા હતા. આ સિવાય, અનેક ત્રાસવાદીઓને ઠાર માર્યા હતા, એમના અડ્ડાઓ ધ્વસ્ત કરાયા હતા અને એમને મદદ કરનાર કેટલાય ઓવરગ્રાઉન્ડ મળતિયાની ધરપકડ કરીને વધુ માહિતી કઢાવાઇ હતી.

ઉત્તર કાશ્મીરમાં હજુ પચાસેક જેટલા ત્રાસવાદીઓ છુપાયા હોવાની અને એમને ઠાર મારવાના પ્રયત્નો ચાલું હોવાની માહિતી સેનાએ જાહેર કરી હતી.

સેનાના સૂત્રોના જણાવ્યા અનુસાર આમ તો સમગ્ર કાશ્મીરમાં ૨૦૦ ત્રાસવાદી સક્રિય હોવાનો અંદાજ છે.

(12:54 pm IST)