Gujarati News

Gujarati News

News of Friday, 2nd October 2020

કોરોનાથી મોતની સૌથી વધુ ઝડપ હવે ભારતમાં: રોજ સરેરાશ ૧૧૦૦ના મોત

ચિંતાઃ કોવિડ-૧૯થી થતાં મોત મામલે ભારતે અમેરિકા અને બ્રાઝીલને પણ પાછળ છોડી દીધા

નવી દિલ્હી, તા.૨: ભારતમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા દરરોજ વધી રહી છે. ગત ૨૪ કલાકની વાત કરીએ તો દેશમાં કોરોનાના ૮૧ હજાર ૪૮૪ નવા કેસ સામે આવ્યા છે જયારે આ દરમિયાન ૧૦૯૫ લોકોનાં મોત થયા છે. ગત ૨૪ કલાકમાં આવેલા નવા કેસો બાદ દેશમાં કુલ દર્દીઓની સંખ્યા ૬૩ લાખ ૯૪ હજાર ૬૯ થઈ ગઈ છે. દેશમાં અત્યાર સુધી મરનારો લોકોનો આંક ૯૯ હજાર ૭૭૩એ પહોંચી ગયો છે. કોરોનાના આ આંકડા એટલા માટે પણ ડરાવે છે કારણ કે ભારતમાં હવે કોરોનાના સંક્રમણથી થનારા મોત સૌથી વધુ થઈ રહ્યા છે. દરરોજ ભારતમાં સરેરાશ ૧૧૦૦ લોકો પોતાના જીવ ગુમાવે છે. ભારતમાં આ ગ્રાફ જેટલો ઝડપથી વધી રહ્યો છે કે જયારે અમેરિકા અને બ્રાઝીલ જેવા દેશોમાં આંકડા ઘટી રહ્યો છે. અહીં સરેરાશ ૮૦૦ દર્દીઓના મોત નોંધાઈ રહ્યા છે.

દુનિયાભરમાં કોરોનાના ગ્રાફ પર નજર કરીએ તો અત્યાર સુધી ૩ કરોડ ૪૪ લાખ ૮૧ હજાર ૬૬૩ દર્દી કોરોનાથી સંક્રમિત થઈ ચૂકયા છે. જયારે દુનિયાભરમાં અત્યાર સુધી ૧૦ લાખ ૨૭ હજાર ૬૫૩ દર્દીઓનાં મોત થઈ ચૂકયા છે. અમેરિકામાં અત્યાર સુધી ૨ લાખ ૧૨ હજાર ૬૬૦ લોકોએ હજુ સુધી કોરોના મહામારીના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. જયારે બ્રાઝીલમાં ૧ લાખ ૪૪ હજાર ૭૬૭ દર્દીનાં મોત કોરોનાના કારણે થયા છે. ભારતમાં આ આંકડો જે ઝડપથી વધી રહ્યો છે તેને જોયા બાદ લાગે છે કે કાલ સુધીમાં આ આંકડો એક લાખને પાર થઈ જશે.

છેલ્લા ૨૪ કલાકમાં દુનિયામાં રેકોર્ડ ૮૮૨૬ લોકોનાં મોત થયા છે. આ પહેલા એક દિવસમાં સૌથી વધુ ૧૭ એપ્રિલે ૮૫૧૩ લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ આંકડા આજર્િેન્ટનામાં સાત ગણી મોતની સંખ્યા વધવાના કારણે વધ્યા છે. આજર્િેન્ટનામાં ગત ૨૪ કલાકમાં દુનિયાના સૌથી વધુ ૩૩૫૨ મોત થયા છે. આ પહેલા આર્જેન્ટિનામાં ૨૨ સપ્ટેમ્બરે સૌથી વધુ ૪૭૦ મોત નોંધાયા હતા.

ભારતમાં સૌથી વધુ ખરાબ સ્થિતિ મહારાષ્ટ્રની જોવા મળે છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધી ૧૪ લાખથી વધુ લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચૂકયા છે જયારે ૧૬.૪૭૬ દર્દીઓનાં મોત થયા છે. ત્યારબાદ આંધ્ર પ્રદેશનો નંબર આવે છે. આંધ્રમાં ૭,૦૦,૨૩૫ લોકો કોરોનાથી સંક્રમિત થયા છે જયારે ૬૭૫૧ લોકોનાં મોત થઈ ચૂકયા છે. કર્ણાટકમાં ૬ લાખ ૧૧ હજાર ૮૩૭ લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચૂકયા છે જયારે ૧૦,૦૭૦ દર્દીઓના મોત થઈ ચૂકયા છે. તમિલનાડુમાં અત્યાર સુધી ૫૬૮૮ લોકોએ જીવ ગુમાવ્યા છે જયારે ૬ લાખથી વધુ લોકો સંક્રમિત થયા છે.

(3:57 pm IST)