Gujarati News

Gujarati News

News of Friday, 2nd October 2020

રેલવેમાં ફેક આઇડી સાથે પ્રવાસ કરનાર યુવકને ૪૦ દિવસે જામીન મળ્યા

કુર્લાના રહેવાસી આલીમ પટેલને ૩૦ ઓગસ્ટે દાદર રેલવે પોલીસે માહીમમાં પોતાના કામના સ્થળે પહોંચવા માટે બનાવટી ઓળખ પત્ર સાથે મુસાફરી કરવા બદલ ધરપકડ કરી હતી

મુંબઇ, તા.૨: લોકડાઉન દરમિયાન ગેરકાયદે રીતે લોકલ ટ્રેનમાં મુસાફરી કરવા બદલ એક ૧૯ વર્ષીય યુવકને ૪૦ દિવસ બાદ સેશન્સ કોર્ટેએ જામીન આપી હતી.જીઆરપીના એક અધિકારીએ જણાવ્યું હતું કે આરોપી કુર્લાથી દાદર પ્રવાશ દરમિયાન તેને દાદર ખાતે ફેક આડી સાથે ઓગસ્ટમાં ધરપકડ કરવામાં આવી હતી.જેને ૪૦ દિવસ બાદ કોર્ટએ જામીન મંજૂર કર્યા હતા.

ઘટના અનુસાર કુર્લાના રહેવાસી આલીમ પટેલને ૩૦ ઓગસ્ટે દાદર રેલવે પોલીસે માહીમમાં પોતાના કામના સ્થળે પહોંચવા માટે બનાવટી ઓળખ પત્ર સાથે મુસાફરી કરવા બદલ ધરપકડ કરી હતી.જયાં પોલીસે તેની સામે છેતરપિંડી, બનાવટી દસ્તાવેજ, સરકારી કર્મચારીની ખોટી ઓળખ આપવા માટેની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. જોકે આ કેસોમાં આજીવન સજા પણ થઇ શકે છે.

માર્ચમાં કોરોના વાઈરસ ફાટી નીકળ્યા પછી મુંબઇને એક બ્રેક લાગી ગયો હતો ત્યાર બાદ મુંબઇમાં લોકલ ટ્રેન સેવાઓ જૂન મહિનાથી આવશ્યક સેવાઓમાં કાર્યરત લોકો માટે ફરી શરૂ થઈ હતી, પણ સામાન્ય લોકોને તેમાં મુસાફરી કરવાની મંજૂરી આપી ન હતી.

દાદર રેલવે પોલીસના એક અધિકારી સાથે વાત કરતા એમણે જણાવ્યું હતું કે આરોપી પટેલ બોગસ સરકારી આઈડી બનાવી પ્રવાશ કરતો હતો જયારે અમે તેની ધરપકડ કરી ત્યારે તેણે કેન્દ્રની એક સંસ્થાનો અધિકારી હોવાનો દાવો કર્યો હતો, પણ તેના બોલવામાં અમને શંકા આવી હતી ત્યાર બાદ અમે તેની વધુ તપાસ હાથ ધરી હતી જેમા બધા જ આઇડી બોગસ હોવાનું સાબિત થયું હતું.

આ સંબધી આરોપી આલીમ પટેલના એક સંબંધી સાથે વાત કરતા એમણે જણાવ્યું હતું કે આલીમની મેજિસ્ટ્રેટ કોર્ટે તેની જામીન અરજી નામંજૂર કરી હતી. જેના પગલે સેશન્સ કોર્ટ સમક્ષ અમે અપીલ કરી હતી જયાં તેની અરજી મંજૂર થઇ હતી.

સેશન્સ જજ બી.વી. વાળાએ પોતાના હુકમમાં કહ્યું હતું કે આરોપીને ૧૫ હજાર રૂપિયાના પર્સનલ બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે.

(3:59 pm IST)