Gujarati News

Gujarati News

News of Friday, 2nd October 2020

બિહારમાં થનાર ચૂંટણીને લીધે શ્રમિકોની વતન વાપસી લંબાઈ

લોકડાઉનમાં શ્રમિકાઓ વતનની વાટ પકડી હતી : ગુજરાતના ઉદ્યોગ-ધંધાને શ્રમિકો પરત ન ફરતા મુશ્કેલી

અમદાવાદ, તા. ૨ : કોરોનાની મહામારીને લઈને વિશ્વભરના દેશો પરેશાન છે ત્યારે કોરોના દરમિયાન લોકડાઉનને કારણે મોટાભાગના પરપ્રાંતિય મજૂરો વતન પહોંચી ગયા હતા. વ્યાપાર ધંધા ઉદ્યોગો શરૂ થઇ જતા ઘણા શ્રમિકો પરત આવી ગયા છે. ત્યારે ખાસ કરીને બિહારના શ્રમિકો ચોમાસું સારું જતા ખેતી કરવા માટે વતન રોકાઈ ગયા છે. હવે ચૂંટણી સામે આવતી હોવાથી સ્થાનિક રાજકારણીઓ પણ મતદારોને રોકવા માટે પ્રયાસ કરી રહ્યા છે જેને પગલે અમદાવાદના ઉદ્યોગપતિઓ અને લેબર કોન્ટ્રાક્ટર ચિંતિત છે. રાજકીય પાર્ટીઓને બિહારની સત્તા કેમ મેળવવી તેની ચિંતા છે ત્યારે જ અમદાવાદ અને ગુજરાતભરના ઉદ્યોગપતિઓ તથા લેબર કોન્ટ્રાક્ટર કામ માટે માણસો ક્યાંથી લાવવા તેને લઈને ચિંતિત છે. વર્ષોથી અમદાવાદના ઉદ્યોગોને લેબર પૂરું પાડતા લેબર કોન્ટ્રાક્ટર  જણાવી રહ્યા છે કે અમદાવાદ અને ગુજરાતમાં લાખોની સંખ્યામાં બિહારી શ્રમજીવીઓ કામ કરી રહ્યા હતા.

              જોકે લોકડાઉનને કારણે તમામ ઇન્ડસ્ટ્રી બંધ કરી દેવામાં આવી હતી. વેતન મળે નહીં અને બેકાર બેસી રહેવું પરવડે નહીં માટે લાખોની સંખ્યામાં રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, બિહાર, ઝારખંડ અને દક્ષિણ ભારતના શ્રમજીવીઓ વતન પહોંચી ગયા હતા. ધીરે-ધીરે સરકારે શરતી મંજૂરી આપી વ્યાપાર ધંધા ઉદ્યોગો ફરીથી ધમધમતા થાય તેવા પ્રયાસો શરૂ કરી દીધા છે. ઉદ્યોગો શરૂ થતા ખૂબ જ મોટી સંખ્યામાં શ્રમજીવીઓ ગુજરાતમાં પરત આવી ગયા છે. લેબર કોન્ટ્રાક્ટરના જણાવ્યા મુજબ ચાલુ વર્ષે દેશભરમાં ચોમાસુ ખૂબ જ સારું ગયું છે. તેમાંય બિહારમાં દર વર્ષે જે પૂરની પરિસ્થિતિ સર્જાતી હતી તેમાં ચાલુ વર્ષે ઘણી રાહત રહી હોવાને કારણે ખેતી ખૂબ જ સારા પ્રમાણમાં થઈ રહી છે. હવે ચોમાસુ પુરૂ થતાં બિહારી શ્રમિકો ગુજરાત પરત આવે તેવી સંભાવના હતી પરંતુ બિહારમાં ચૂંટણીની તારીખો જાહેર થઈ જતા સ્થાનિક રાજકારણીઓ હવે પોતાના મતદારોને બિહારમાં રોકી રહ્યા છે જેને લઇને ગુજરાતમાં પૂરતા પ્રમાણમાં લેબર નહીં મળતા હોવાની ફરિયાદો શરૂ થઈ ગઈ છે. લેબર કોન્ટ્રાક્ટર જણાવી રહ્યા છે કે ચૂંટણી અને દિવાળી બાદ છઠ પૂજા કર્યા બાદ જ બિહારી શ્રમિકો ગુજરાત પરત આવે તેવી સંભાવના છે.

(7:19 pm IST)