Gujarati News

Gujarati News

News of Sunday, 2nd October 2022

કોંગ્રેસના અધ્‍યક્ષ પદ માટે શશિ થરૂર અને મલ્‍લિકાર્જુન પડગે વચ્‍ચે લડાઃ શશિ થરૂર કહે હવે પાછી પાણી કરીને મારા સમર્થકોનો વિશ્‍વાસ નહીં તોડુ

કોંગ્રેસ અધ્‍યક્ષપદની ચૂંટણી મુખ્‍યમંત્રી અશોક ગેહલોત લડવાના હતા પરંતુ પ્રદેશ કક્ષાએ રાજીકય સંકટ બાદ ચુંટણી લડવાનો ઇન્‍કાર કર્યો

નવી દિલ્‍હીઃ કોંગ્રેસના અધ્યક્ષ પદની લડાઈ હવે સાંસદ શશિ થરૂર અને વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગે વચ્ચે છે. ખડગે ગાંધી પરિવારની પસંદ હોવાનું અને તેઓ સતત આગળ હોવાનું ચર્ચાઈ રહ્યું છે ત્યારે શશિ થરૂરે એક મહત્વનું નિવેદન આપ્યું છે. થરૂરના કહેવા પ્રમાણે તેઓ હવે અધ્યક્ષ પદની ચૂંટણીમાંથી પાછીપાની નહીં કરે. તેઓ પોતાને સમર્થન આપનારા લોકો સાથે વિશ્વાસઘાત નહીં કરે. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણી માટે પાર્ટીએ નોટિફિકેશન બહાર પાડ્યું ત્યારથી થરૂરે પોતે ચૂંટણી લડશે તેવી જાહેરાત કરી હતી. તેમના સામે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત ચૂંટણી લડવાના હતા પરંતુ પ્રદેશમાં સર્જાયેલા રાજકીય સંકટ બાદ તેમણે નૈતિક જવાબદારી સ્વીકારીને ચૂંટણી લડવા ઈનકાર કરી દીધો હતો.

બધા વચ્ચે દિગ્વિજય સિંહનું નામ પણ રેસમાં આવ્યું હતું પરંતુ બાદમાં પાર્ટીના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગેએ નામાંકન દાખલ કર્યું હતું. ખડગેએ નામાંકન દાખલ કર્યું તે સમયે પાર્ટીના અનેક ટોચના નેતાઓ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા જ્યારે થરૂર પાર્ટીના કાર્યકરો વડે ઘેરાયેલા હતા. આ કારણે શશિ થરૂરને એવો સવાલ કરવામાં આવ્યો હતો કે, શું ખડગે પાર્ટીના હાઈ કમાનના સત્તાવાર ઉમેદવાર છે? જવાબમાં થરૂરે જણાવ્યું કે, ‘હું ગાંધી પરિવારના ત્રણેય સદસ્યોને મળ્યો હતો. તેમણે મને પાર્ટી અધ્યક્ષની ચૂંટણીમાં કોઈ સત્તાવાર ઉમેદવાર નથી અને એવો કોઈ ઉમેદવાર નહીં હોય તેમ જણાવેલું. તેઓ એક નિષ્પક્ષ ચૂંટણી ઈચ્છે છે. ગાંધી પરિવાર તટસ્થ રહેશે અને પાર્ટી મશીનરી નિષ્પક્ષ રહેશે. તેમનો ઉદ્દેશ્ય પાર્ટીને મજબૂત બનાવવાનો છે. પાર્ટી અધ્યક્ષના આશ્વાસન બાદ મને આ અંગે કોઈ શંકા નથી.

થરૂરે પોતે આટલા બધા લોકો જેમણે પોતાના પર વિશ્વાસ રાખીને સમર્થન આપ્યું તેમનો સાથ નહીં છોડે અને તેમનો વિશ્વાસઘાત નહીં કરે તેવી સ્પષ્ટતા કરી હતી. થરૂરના કહેવા પ્રમાણે તેમને પાર્ટીના કાર્યકરોએ ચૂંટણી લડવા માટે જણાવ્યું હતું. તેઓ પાર્ટીમાં પરિવર્તન ઈચ્છે છે અને પોતે તેમનો અવાજ બનવા, યુવા કોંગ્રેસનો અવાજ બનવા ઈચ્છે છે. તિરૂવનંતપુરમના સાંસદે એમ પણ જણાવ્યું હતું કે, દિગ્ગજ નેતાઓ સ્વાભાવિકપણે અન્ય દિગ્ગજ નેતાઓ જોડે ઉભા રહે છે પરંતુ તેમને રાજ્યોના પાર્ટી કાર્યકરોનું સમર્થન મળેલું છે. તેઓ મોટા નેતાઓને સન્માન આપે છે પરંતુ પાર્ટીમાં યુવાનોને સાંભળવાની જરૂર છે. તેઓ પાર્ટીના સંગઠનાત્મક ઢાંચામાં પરિવર્તન માટે કામ કરશે અને પાર્ટી કાર્યકરોને તે મહત્વ મળવું જોઈએ. નોંધનીય છે કે, થરૂર G-23 ગ્રુપના પણ સદસ્ય હતા જેણે 2020માં પાર્ટીમાં સંગઠનાત્મક પરિવર્તન અને ચૂંટણીની માગણી કરી હતી.

(3:29 pm IST)