Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd November 2021

કોને ખબર હતી, સફર આ અંતિમ સફર બની જશે!?: જામનગર રોડ પ્રેસ કોલોનીમાં રહેતાં રેવન્યુ અધિકારી સાથે કરૂણાંતિકા સર્જાઇ

એક વખત રજા નામંજુર થઇ, પણ જાણે કુદરતે કંઇક જુદૂ ધાર્યુ હશે!: ઋષીકેશમાં દિલીપભાઇ કારીયાની નજર સામે ત્રણ સ્વજન તણાયા

દિલીપભાઇની દોહીત્રી સોનલ (ઉ.વ.૧૮)નો પથ્થર ઉપરથી પગ લપસતાં પાણીમાં ખાબકી, તેને બચાવવા પિતા અનિલભાઇ ગોસાઇ (ઉ.૪૨)અને નાનીમા તરૂલત્તાબેન કારીયા (ઉ.૫૧)પાણીમાં કૂદતાં એ બંને પણ તણાયાઃ તરૂલત્તાબેનનો મૃતદેહ મળ્યોઃ સોનલ અને તેના પિતાને શોધવા એનડીઆરએફની ટીમો કામે લાગી : કમલેશભાઇ મિરાણી સતત દિલીપભાઇના સંપર્કમાં: બનતી તમામ મદદ કરીઃ દિલીપભાઇ કારીયાના પુત્ર ધવલભાઇ સવારે ઋષીકેશ પહોંચ્યા : રાતે કોર્પોરેટર જયમીન ઠાકર સહિતના આગેવાનો દિલીપભાઇ કારીયાના ઘરે પહોંચ્યાઃ સ્વજનોને સાંત્વના પાઠવી

આ ચહેરાઓ તસ્વીરમાં સિમિત થઇ ગયા : ઋષીકેશમાં તણાઇ ગયેલા રાજકોટના ત્રણ સ્વજનોના ચહેરા હવે તસ્વીરોમાં સિમિત થઇ ગયા છે. સોનલ (ઉ.૧૮), તેના પિતા અનિલભાઇ ગોસાઇ (ઉ.વ.૪૨) અને નાનીમા તરૂલત્તાબેન (ઉ.વ.૫૧) તસ્વીરમાં જોઇ શકાય છે : યે રાતા લંબીયા લંબીયા રે...ગીતની થીમ પર..સોનલે વિડીયો બનાવ્યો પછી ડૂબી ગઇ : સોનલે ઋષીકેશમાં આ સ્થળે જ ફિલ્મ શેરશાહના ગીત યે રાતા લંબીયા લંબીયા...ની થીમ પર પોતાનો એક વિડીયો બનાવ્યો હતો, કમનસિબે એ આ સ્થળે જ ડૂબી ગઇ હતી.

રાજકોટ તા. ૨: 'જિંદગી ઇક સફર હૈ સુહાના યહાં કલ કયા હો કિસને જાના?'...ફિલ્મી ગીતના આ પંકિત ઘણીવાર અસલી જિંદગીમાં પણ સાચી ઠરતી હોય છે. માણસની જિંદગીની સફરનો અંત કયારે કયાં અને કેવી રીતે આવી જાય તેની ખબર હોતી નથી. શહેરના જામનગર રોડ પર પ્રેસ કોલોનીમાં રહેતાં સ્પીપામાં ફરજ બજાવતાં રેવન્યુ અધિકારી દિલીપભાઇ નટવરભાઇ કારીયા સાથે કંઇક આવુ જ બની ગયું છે. ઋષીકેશ સપરિવાર જાત્રાએ જવું હોઇ તેમણે ઓફિસમાં રજા મુકી હતી. પહેલા તો તેમની રજા નામંજુર થઇ હતી, પણ કુદરતે કંઇક જુદૂ જ ધાર્યુ હોય એમ બાદમાં રજા મંજુર થતાં તેઓ પત્નિ, જમાઇ, દોહિત્રી સહિતના સભ્યો સાથે જાત્રાએ નીકળ્યા હતાં. પણ કોઇને કયાં એવી ખબર હતી કે આ સભ્યોમાંથી ત્રણ સભ્યોની આ સફર જિંદગીની જ અંતિમ સફર બની જશે!? ઋષીકેશમાં દિલીપભાઇની નજર સામે જ તેમના પત્નિ, દોહિત્રી અને જમાઇ ડૂબી જતાં અરેાટી વ્યાપી ગઇ હતી. એક મૃતદેહ ગત સાંજે મળી ગયો હતો. બીજા બે મૃતદેહ શોધવા એનડીઆરએફની ટીમો આજે સવારે કામે લાગી છે.

કારીયા અને ગોસાઇ પરિવારના સ્વજનોને શોકમાં ગરક કરી મુકનારી આ ઘટનાની વિગતો એવી છે કે અગાઉ જામનગર રોડ મોરબી હાઉસ પાસે રહેતાં અને હાલ પ્રેસ કોલોનીમાં રહેતાં તેમજ સ્પીપામાં રેવન્યુ અધિકારી તરીકે ફરજ બજાવતાં દિલીપભાઇ નટવરભાઇ કારીયાને ઋષીકેશની જાત્રા કરવા સપરિવાર જવું હોઇ તેમણે ઓફિસમાં નિયમ મુજબ રજા મુકી હતી. પરંતુ પહેલા આ રજા નામંજુર થઇ હતી. પરંતુ તેમણે પોતે પહેલી જ વખત આ યાત્રાએ જવાના છે તેવી રજૂઆત કરતાં તેમની રજા મંજુર થઇ હતી. રાજકોટથી  દિલીપભાઇ, તેમના પત્નિ તરૂલત્તાબેન, જમાઇ અનિલભાઇ ગોસાઇ, દોહિત્રી સોનલ અનિલભાઇ ગોસાઇ સહિતના સ્વજનો હસી ખુશીથી સફર પર નીકળ્યા હતાં.

ગઇકાલે ઋષીકેશમાં પોૈડી ગઢવાલ જીલ્લાના લક્ષમણ ઝુલા પાસે નિલકંઠ મહાદેવના મંદિરે આ પરિવારજનો દર્શન કરવા માટે ગયા હતાં. જ્યાં નજીકમાં જ નદિ હોઇ ગોઠણડુબ પાણીમાં બધા હાથ-પગ ઝબોળવા ગયા હતાં. આ વખતે દિલીપભાઇની દોહીત્રી સોનલ (ઉ.વ.૧૮)એ કાંઠા પર ઉભા રહી ફોટા પડાવ્યા હતાં અને વિડીયો બનાવડાવ્યો હતો. એ પછી તે એક પથ્થર પર પગ રાખીને ઉભી હોઇ તેના પરથી લપસીને પાણીમાં પડી ગઇ હતી. એ સાથે જ ઓચીંતો પાણીનો પ્રવાહ વધી જતાં સોનલ ડૂબવા માંડી હતી. તેની બચાવવા માટે પિતા અનિલભાઇ ગોસાઇ અને નાનીમા તરૂલત્તાબેન પણ પાણીમાં કૂદ્યા હતાં. જોતજોતામાં પ્રવાહ વધુ તેજ થઇ જતાં ત્રણેય દિલીપભાઇની નજર સામે જ ડૂબી ગયા હતાં.

ઘટનાને પગલે દેકારો મચી જતાં લોકો ભેગા થઇ ગયા હતાં અને બચાવ ટૂકડીઓ તથા પોલીસની ટીમો દોડી આવી હતી. ભારે મથામણ બાદ તરૂલત્તાબેન દિલીપભાઇ કારીયા (ઉ.વ.૫૧)નો મૃતદેહ મળ્યો હતો. સાંજે અંધારૂ થઇ ગયું હોઇ સોનલ (ઉ.વ.૧૮) અને તેના પિતા અનિલભાઇ ધીરૂભાઇ ગોસાઇ (ઉ.વ.૪૨)નો પત્તો ન મળતાં આજે સવારે એનડીઆરએફની ટીમોએ પોલીસની સાથે રહી બંને પિતા-પુત્રીની શોધખોળ શરૂ કરી હતી. સવારે દિલીપભાઇ કારીયા સાથે વાત થયા મુજબ હજુ સોનલ અને અનિલભાઇનો પત્તો લાગ્યો નથી. તેમનો દિકરો ધવલ કારીયા પણ રાજકોટથી મુંબઇ વાયા દિલ્હી થઇ આજે સવારે હરિદ્વાર ઋષીકેશ પહોંચ્યો હતો.

વધુ માહિતી મુજબ દિલીપભાઇ કારીયા જામનગર રોડ પર જ આવેલી કચેરી સ્પીપામાં રેવન્યુ અધિકારી તરીકે ફરજ બજાવે છે. તેમના પત્નિનું થોડા સમય પહેલા અવસાન થયા બાદ દિલીપભાઇએ તરૂલત્તાબેન કે જેઓ બાવાજી જ્ઞાતિના છે તેમની સાથે લગ્ન કર્યા હતાં. દિલીપભાઇ સાથે તરૂલત્તાબેન અને તરૂલત્તાબેનના આગલા ઘરની દિકરી સોનલ, જમાઇ અનિલભાઇ સહિતના લોકો ગયા હરિદ્વાર-ઋષીકેશ જાત્રા કરવા ગયા હતાં.

અનિલભાઇ ગોસાઇ કોઠારીયા સોલવન્ટ પાસેના નારાયણનગરમાં રહે છે. ઋષીકેશ તેમની સાથે તેના પત્નિ, માતા મીરાબેન, ભાઇ લાખન સહિતના પણ જાત્રા કરવા ગયા છે. અનિલભાઇને સંતાનમાં એક દિકરી સોનલ અને એક દિકરો છે. ગંગા નદીમાં સોનલનો પગ પથ્થર પરથી લપસતાં તે ડૂબી હતી અને તેને બચાવવા જતાં તેના પિતા અને નાનીમા પણ ડૂબ્યા હતાં. આજે સવારે એનડીઆરએફની ટીમો સોનલ અને અનિલભાઇને શોધવા કામે લાગી છે.

ઘટનાની જાણ થતાં રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મિરાણીએ તુરત જ દિલીપભાઇ કારીયાને ફોન જોડ્યો હતો અને હૈયાધારણા આપી મદદ માટે પૃછા કરી હતી. રાજ્ય તેમજ કેન્દ્ર સરકાર તરફથી જે મદદ મળી શકે તે માટે પણ કમલેશભાઇએ તજવીજ કરી હતી. તેમજ વોર્ડ નં. ૨ના કોર્પોરેટર જયમીન ઠાકર, મીનલબા જાડેજા, ભાવેશભાઇ ટોયટા સહિતના પણ દિલીપભાઇ કારીયાના ઘરે પહોંચ્યા હતાં અને તેમના સ્વજનોને દિલાસો પાઠવ્યો હતો. સાંસદ મોહનભાઇ કુંડારીયાના પી.એ. દ્વારા પણ ઉત્તરાખંડના અધિકારીઓ સુધી મદદ માટે વિગતો પહોંચાડવામાં આવી હતી. આ ઘટનાને

એક બાપનું ખરું સોનુ એટલે દિકરી...ખમ્મા ઘણી મારી લાડકડીને ખમ્મા ઘણીઃ લાડકી દિકરી સોનલ અને પિતા અનિલભાઇનો છેલ્લો વિડીયોઃ અનેકની આંખો ભીની કરી દીધી

.દિકરી વ્હાલનો દરિયો ગણાય છે. દરેક બાપને દિકરા કરતાં પણ વધુ વ્હાલી દિકરી હોય છે. અઢાર વર્ષની દિકરી સોનલ પણ તેના પિતા અનિલભાઇ ગોસાઇની ખુબ જ લાડકી દિકરી હતી. પણ કોઇને કયાં ખબર હતી કે ઋષીકેશની સફર આ બાપ-દિકરીની જિંદગીની અંતિમ સફર બની જશે!...સોનલ અને પિતા અનિલભાઇએ ઋષીકેશમાં કોઇ સ્થળે એક વિડીયો બનાવ્યો હતો. જેમાં બાપ-દિકરીના સ્નેહને દર્શાવતા ગીત 'ખમ્મા ઘણી ખમ્મા ઘણી મારી લાડકડીને ખમ્મા ઘણી' થીમ તરીકે બેકગ્રાઉન્ડમાં સંભળાઇ રહ્યું છે. દિકરી પિતાને ભેટીને વ્હાલ કરતી જોવા મળી છે. આ અંતિમ વિડીયોએ અનેકને આંખો ભીની કરી નાંખી છે.

(11:34 am IST)