Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd November 2021

પેટ્રોલ-ડીઝલના ભાવોમાં વધારાથી દરેક વેપારીઓને અસર

તહેવારમાં ફૂલબજારમાં ફૂલો ખીલ્યાં પણ ભાવથી ગ્રાહકોના ચહેરા મૂરઝાયા

કમળનાં સ્ટોક ઓછો આવતા પ્રતિ નંગ ભાવ રૂ. ૧૫ થી ૨૦માં મળે છે

મુંબઇ,તા. ૨: દિવાળીના તહેવારોને લઈને શહેરીજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બે વર્ષ બાદ સરકાર તરફથી મળેલી છૂટનો ભરપૂર ફાયદો લોકો ઉઠાવી રહ્યા છે. ત્યારે દિવાળીના તહેવારોમાં પૂજા અર્ચનામાં ફૂલોનો ઉપયોગ વધુ પ્રમાણમાં થતો હોવાથી જમાલપુરના ફ્ૂલ બજારમાં લોકોની માગ જોવા મળી રહી છે. જેના કારણે આ વખતે ફૂલોના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. દિવાળીના તહેવારોમાં લોકો ભગવાનની મૂર્તિ સહિત છબી પર ફ્ૂલ હાર ચડાવીને પૂજા અર્ચના કરે છે, જેથી દિવાળીના તહેવારોમાં ફૂલોની માંગમાં પણ વધારો જોવા મળે છે.

આ વર્ષે ફૂલોના ભાવમાં બમણો વધારો જોવા મળી રહ્યો છે. જે ફૂલોના ભાવ ૧૫થી૨૦ રૂપિયા હતા તેનો ભાવ ૩૦થી૪૦ રૂપિયા થઇ ગયા છે. દિવાળીના દિવસોમાં લોકો ખાસ કરીને ભગવાનને ગુલાબની માલા અર્પણ કરવાનું વધુ પસંદ કરતા હોય છે, જેથી ગુલાબની માગ દીવાળીના સમયે વધુ જોવા મળતાં તેના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. સાથે જ ધનતેરસમાં માતા લક્ષ્મીને કમળ ચઢાવવાનું લોકો શુભ માનતા હોય છે. જેથી કમળના ભાવમાં બમણો વધારો જોવા મળી રહ્યો છે. ગત વર્ષ કરતાં આ વર્ષે ફૂલોની આવક થવાની આશા વેપારીઓમાં જોવા મળી રહી છે, પરંતુ દિવાળીના તહેવાર આવતાની સાથે માગ વધતા ભાવમાં વધારો થયો છે.

ભગવાનની પૂજા અર્ચનામાં ઉપયોગમાં લેવાતાં ગલગોટાના ફૂલનો ઉપયોગ વધારે થતો હોય છે. ત્યારે ગલગોટાના ભાવમાં ૩૦થી૪૦ ટકા જેટલો વધારો છે. તેમજ સેવંતીનો ભાવ ૧૬૦થી૧૭૦ રૂપિયે પ્રતિકિલો તો ગુલાબનો પ્રતિકિલોએ ૨૫૦થી૩૦૦ રૂપિયા સુધીનો ભાવ જોવા મળી રહ્યો છે. જયારે કમળનો સ્ટોક બહારથી માંગ સામે ઓછો આવતો હોવાથી ૧૫થી૨૦ રૂપિયા પ્રતિ નંગ ભાવ જોવા મળ્યો છે.

(10:46 am IST)