Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd November 2021

૩૦ દિવસમાં ૧૩ લાખથી વધુ ફાઇલોનો નિકાલ

સરકારે જૂનો રેકોર્ડ અને ભંગાર વેચી રૂ. ૪૦ કરોડની આવક કરી

કેન્દ્ર સરકારે તમામ સરકારી કાર્યાલયોના જૂના રેકર્ડરૂપ ફાઇલ અને ભંગાર વેચ્યા

નવી દિલ્હી,તા. ૨: કેન્દ્ર સરકારે તમામ સરકારી કાર્યાલયોના જૂના રેકર્ડરૂપ ફાઇલો અને ભંગાર વેચીને રૂપિયા ૪૦ કરોડ રૂપિયાની આવક કરી છે. કેન્દ્રીય પ્રધાન જિતેન્દ્રસિંહે કહ્યું હતું કે મહિનાથી ચાલી રહેલા સફાઇ અભિયાનનું ૩૧ ઓકટોબરે સમાપન થયું હતું. અભિયાનને અંતે તમામ કાર્યાલયની કુલ આઠ લાખ વર્ગફૂટ જગ્યા ખાલી થઇ છે.કેન્દ્રીય પ્રધાન જિતેન્દ્રસિંહે એમ પણ કહ્યું હતું કે ૧ ઓકટોબરના રોજ નોડલ વિભાગ ડીએઆરપીજીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના તમામ મંત્રાલયો અને વિભાગોમાં જૂનીફાઇલોના નિકાલની કામગીરીના અભિયાનની શરૂઆત થઇ હતી.

૨ ઓકટોબરથી ૩૧ ઓકટોબર સુધી આ કામગીરી ચાલી હતી. ઉચ્ચ અધિકારીઓ સાથેની સમીક્ષા બેઠકમાં કેન્દ્રીય પ્રધાને જણાવ્યું હતું કે ૧૫,૨૩,૪૬૪ ફાઇલો પૈકી ૧૩,૭૩, ૨૦૪થી વધુ ફાઇલોનો નિકાલ થયો હતો. તે પ્રમાણે જ ૩,૨૮,૨૩૪ ફરિયાદો પૈકી ૨,૯૧,૬૯૨ ફરિયાદનો નિકાલ માત્ર ૩૦ દિવસમાં થયો હતો.

સાંસદોના ૧૧,૦૫૭ સંદર્ભો પૈકી ૮૨૮૨નું સમાધાન કરવામાં આવ્યું હતું. તે ઉપરાંત ૮૩૪ ચિહનીત નિયમો અને પ્રતિક્રિયાઓમાંથી ૬૮૫ને સરળ બનાવવામાં આવી હતી.

(10:48 am IST)