Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd November 2021

આઇટી પોર્ટલ પર જોઇ શકાશે આખા વર્ષની માહિતી

રિટર્ન ભરતા પહેલા તે જોવાની સલાહ

નવી દિલ્હી તા. ૨ : ઇન્કમ ટેક્ષ રિટર્ન (આઇટીઆર) અંગેના ઇન્કમ ટેક્ષ પોર્ટલ પર આવકવેરા દાતા હવે વર્ષ ભરની પોતાની માહિતી અથવા વાર્ષિક સૂચના વિવરણ (એઆઇએસ) જોઇ શકશે. જો તમે ટેક્ષ ભરવા જઇ રહ્યા હો તો પોતાનું આઇએએસ જરૂર જોઇ લેવું. આ સેવા સોમવારથી શરૂ કરવામાં આવી છે. જો કરદાતાને લાગતું હોય કે વિવરણમાં કંઇ ભૂલ છે અથવા તે બીજા કોઇનું વિવરણ છે અથવા તેમાં ફેરફારની જરૂર લાગે તો તે ઓનલાઇન અને ઓફલાઇન બન્ને પ્રકારે ફીેડબેક આપી શકે છે.

એઆઇએસમાં કરદાતાને બેંકોમાંથી મળેલ વ્યાજ, મ્યુચ્યુઅલ ફંડ અને શેરબજારમાં કરેલ રોકાણ, તેનાથી થયેલ કમાણી અને અન્ય કોઇ જગ્યાએથી મળનાર લાભાંશની માહિતી હશે. કરદાતા એઆઇએસને ડાઉનલોડ પણ કરી શકે છે. ટેક્ષ રીટર્ન ભરતા પહેલા એઆઇએસને જોવાની સલાહ આવકવેરા વિભાગે આપી છે જેથી રિટર્ન ભરવામાં સવલત રહે.

વિભાગ દ્વારા એ પણ કહેવામાં આવ્યું છે કે એઆઇએસમાં એ વિવરણ જ દેખાશે, જે આવકવેરા વિભાગ પાસે હશે. તેના સિવાય જો કરદાતાએ કોઇ ટ્રાન્ઝેકશન કર્યું હોય, જે આ વિવરણમાં ના દેખાતું હોય તો તેની માહિતી કરદાતા ફીડબેક દ્વારા આપી શકે છે. ઇન્કમ ટેક્ષ ઇ-ફાઇલીંગ પોર્ટલના સર્વિસ સેકશનમાં જઇને એઆઇએસને જોઇ શકાય છે. આવકવેરા વિભાગ અનુસાર કરદાતાના ફીડબેક પછી પોર્ટલ પર તેનું એક વધુ આઇએએસ દેખાશે. જો કરદાતાએ પોતાના આઇએએસ ફેરફારની વિનંતી કરી હોય અને કોઇ કારણસર ફેરફાર ના થઇ શકયો હોય તો તે વિભાગનો સંપર્ક કરી શકે છે. આવકવેરા વિભાગ અનુસાર, એએસઆઇ સેવા સંપૂર્ણપણે સંચાલનમાં આવે ત્યાં સુધી ટ્રેસ પોર્ટલ પર ફોર્મ ૨૬ એ એસ દર્શાવવાનું ચાલુ રહેશે. ફોર્મ ૨૬ એએએસમાં પણ કરદાતાની કમાણી અને મહત્વપૂર્ણ ખર્ચનું વિવરણ હોય છે.

(10:51 am IST)