Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd November 2021

GST કલેકશનમાં ગુજરાતના ડંકાઃ ઓકટોબરમાં દેશમાં બીજા ક્રમે

ગુજરાતે માહે ઓકટોબરમાં ઓલટાઈમ હાઈ રૂ. ૮૪૯૭ કરોડનું જીએસટી કલેકશન નોંધાવ્યું: ગયા વર્ષે રૂ. ૬૭૯૭ કરોડ હતુઃ ૨૫ ટકાની વૃદ્ધિ : દિવાળીના તહેવારો રાજ્ય સરકારને ફળ્યાઃ ઈ-વે બીલમાં પણ ૨૧ ટકાનો નોંધપાત્ર વધારોઃ ડિમાન્ડ અને પ્રોડકશન વધ્યાનો નિર્દેશ

નવી દિલ્હી, તા. ૨ :. કાચા માલના વધતા ભાવો, વિવિધ કોમોડીટી મોંઘી બનતા સાથે સાથે તહેવારોની મોસમમાં ડિમાન્ડ વધતા ગુજરાતનું જીએસટી કલેકશન ઓકટોબર ૨૦૨૧માં ઓલ ટાઈમ હાઈ રૂ. ૮૪૯૭ કરોડ ઉપર પહોંચ્યુ છે. જ્યારે ઓકટોબર ૨૦૨૦માં કલેકશન રૂ. ૬૭૯૭ કરોડ રહ્યુ હતું. તેમાં વર્ષના આધારે ૨૫ ટકાનો વધારો નોંધાયો છે. દેશની વાત કરીએ તો જીએસટી કલેકશનમાં મહારાષ્ટ્રમાં ગુજરાતનો ક્રમ આવ્યો છે. મહારાષ્ટ્રએ ઓકટોબરમાં જીએસટી કલેકશન રૂ. ૧૬૩૫૫ કરોડ વસુલ્યુ છે.

ગુજરાત રાજ્યના નાણા વિભાગના અગ્રસચિવ જે.પી. ગુપ્તાના જણાવ્યા પ્રમાણે તહેવારોની સીઝનના કારણે ડીમાન્ડમાં ઉછાળો આવ્યો છે અને તમામ સેકટરની વાત કરીએ તો ત્યાં વેચાણ પણ વધ્યુ છે. સાથોસાથ કેટલીક કોમોડીટી ભાવમાં વધારો થવાને કારણે વેચાણનું ટર્નઓવર પણ વધ્યુ છે. જેના પરિણામે ટેકસ કલેકશન રેકોર્ડબ્રેક થવા પામ્યુ છે.

દરમિયાન કેન્દ્રીય નાણા મંત્રાલયના જણાવ્યા પ્રમાણે સેમી કંડકટરની સપ્લાય ચેઈન તૂટી જતા કાર અને અન્ય પ્રોડકટના વેચાણને અસર થઈ છે, નહિંતર જીએસટી કલેકશન આથી પણ વધુ ઉંચુ ગયુ હોત.

માસિકવાર જોઈએ તો સપ્ટેમ્બરમાં ગુજરાતમાં જીએસટી કલેકશન રૂ. ૭૭૮૦ કરોડ હતુ જેમાં ૯.૨ ટકાનો વધારો નોંધાયો છે. સ્ટેટ જીએસટી કલેકશન એટલે કે એસજીએસટી કલેકશન પણ ઓકટોબરમાં ૪૦ ટકા વધ્યુ છે. રાજ્ય સરકારના ડેટા અનુસાર ઓકટોબરમાં એસજીએસટી કલેકશન રૂ. ૩૮૨૧ કરોડ રહ્યુ છે. જ્યારે ગયા વર્ષે આ જ ગાળામાં કલેકશન રૂ. ૨૭૩૧ કરોડ રહેવા પામ્યુ હતું.

સૂત્રોએ જણાવ્યા પ્રમાણે ઈ-વે બીલ જનરેટ કરવામાં પણ ૨૧ ટકાનો ઉછાળો આવ્યો છે. જે દર્શાવે છે કે ડીમાન્ડ અને પ્રોડકશનની સ્થિતિ સુધરી ગઈ છે.

ઓકટોબરમાં મહારાષ્ટ્રએ રૂ. ૧૬૩૫૫ કરોડ, ગુજરાતે રૂ. ૮૪૯૭ કરોડ, કર્ણાટકે રૂ. ૮૨૫૯ કરોડ, તામીલનાડુએ રૂ. ૭૬૪૨ કરોડ અને યુપીએ રૂ. ૬૭૭૫ કરોડ જીએસટી કલેકશન કર્યુ છે.

(11:35 am IST)