Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd November 2021

સાંચીઃ ભગવાન બુધ્ધનો ઐતિહાસિક અને પુરાતત્વીય વારસો

અહીં એક નહીં અનેક મઠ, મંદિર અને સ્મારકોઃ ત્રીજી સદીની આસપાસ નિર્માણઃ દેશની સૌથી પ્રાચીન પથ્થર સંરચનાઓ : જગ વિખ્યાત સાંચીનો સ્તુપ અદ્ભુત શાંતિ બક્ષે છેઃ સમ્રાટ અશોકે પત્નિના કહેવાથી નિર્માણ કરાવેલ

ભોપાલ : ભોપાલ યાત્રા દરમ્યાન એક મિત્રને મળવા હું વિદીશા ગયો હતો. બેતવા નદીના સુંદર કિનારા પર ટહેલતી વખતે મને એ ખબર નહોતી કે અમે બધા ભારતની સૌથી જૂની પથ્થરની સંરચનાની આજુબાજુ ઉભા છીએ. ત્યારે મારા મીત્રએ કહયું ચાલો આજે સાંજે સાંચી જઇએ. થોડીવાર પછી અમે રાયસેન જીલ્લામાં આવેલ આ નાનકડી ગ્રામ પંચાયતમાં પહોંચ્યા, મેં તેને પુછયું કે શું આ એ સાંચી છે જેને વિશ્વભરમાં ભગવાન બુધ્ધના ઐતિહાસીક અને પુરાતત્વીય વારસા તરીકે ગણવામાં આવે છે. તેણે કહયું આ એ જ જગ્યા છે અને અહીં એક નહીં અનેક મઠ, મંદિર અને બૌધ્ધ સ્મારક છે. આ બધી સંરચનાઓનું નિર્માણ ત્રીજી શતાબ્દીની આસપાસ થયું હતું જેના કારણે આ સ્મારકો દેશની સૌથી જૂની પથ્થરની સંરચનાઓમાં આવે છે.

વિશ્વ પ્રસિધ્ધ સાંચી સ્તુપ અહીંજ આવેલો છે અમે જેવા ત્યાં પહોંચયા તો ગુંબજના આકારના કક્ષરૂપે સાંચીનો  સ્તુપ સામે દેખાવા લાગ્યો અને જેમ જેમ તેની નજીક ગયા એક અદ્દભૂત શાંતિનો અનુભવ થવા લાગ્યો થોડીવાર માટે હું પણ બેસી ગયો અનેએક નજરે આ અદ્દભૂત સંરચનાને નિરખાતો રહયો ગુંબજની ચારે બાજુ પરિક્રમા પથ છે જેમાં પ્રવેશ માટે ચાર દ્વારો બનાવાયા છે જે કલા અને સથાપત્યના ઉત્તમ નમુના છે તેના પર ભગવાન બુધ્ધના જીવનને શબ્દો અને પ્રતિક રૂપે દર્શાવ્યા છે. અહી એવી અનૂભૂતિ થાય છે કે અહી કોઇક જગ્યાએ બેસી જાય અને ભગવાન બુધ્ધની શિક્ષાઓ દોહરાવતા રહીએ આ જગ્યાની આસપાસની વેરાનતામા જે શાંતિનો અનુભવ થયો તે ભાગ્યેજ પહેલા કયારેય થયો હશે.

આ જગ્યા ઉંચાઇ પર આવેલી છે. તેને કયાંયથી પણ જુઓ, ગુંબજ સ્પષ્ટ રૂપે દેખાય છે. તેના પર જગ્યાએ જગ્યાએ ત્રીજી સદીની તારીખો દર્શાવાઇ છે. કહેવાય છે કે આ સ્તૂપનું નિર્માણ સમ્રાટ અશોકે પોતાની પત્નીના કહેવાથી કરાવ્યું હતું. પણ પછી તે ખંડેરમાં ફેરવાઇને માટી નીચે દબાઇ ગયો હતો. ૧૮૧૮માં ફરીથી તેને શોધવામાં આવ્યો અને તેની ખોવાઇ ગયેલ રોનક ફરીથી પાછી આવી.

ભગવાન બુધ્ધના નિવાર્ણ પછી સમ્રાટ અશોકે બૌધ્ધ ધર્મ પ્રત્યે પોતાની અસીમ શ્રધ્ધા અને આસ્થાનો પરિચય કરાવ્યો. તેમણે બૌધ્ધ ધર્મના પ્રસાર-પ્રચાર માટે ભારત અને અફઘાનિસ્તાનમાં મોટી સંખ્યામાં સ્તૂપોનું નિર્માણ કર્યું. કયાંક કયાંક એવું પણ કહેવાય છે કે સમ્રાટ અશોકે લગભગ ૮૪,૦૦૦ સ્તુપોનું નિર્માણ કરાવ્યું હતું. સાંચીનો સ્તુપ ભારત જ નહીં પણ આખા વિશ્વમાં પ્રેમ, શાંતિ અને વિશ્વાસનું પ્રતિક માનવામાં આવે છે. તેની કારીગરી એટલી લાજવાબ છ કે ૧૯૮૯ માં યુનેસ્કોએ તેને પોતાની વૈશ્વિક ધરોહરમાં સામેલ કરી લીધો અને તેના સંરક્ષણનું કામ તે કરે છે. આ જગ્યા વાસ્તુકાળની અદભુત રચના ગણવામાં આવે છે. (સાભાર : રાજસ્થાન પત્રીકા)

(1:07 pm IST)