Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd November 2021

દિવાળી પહેલા જ માઉન્ટ આબુની મોટાભાગની હોટલો હાઉસફૂલ

જો તમે આબુ જવાનું વિચારી રહ્યા છો અને કોઇ રૂમ બૂક નથી કરાવ્યો તો પહેલા હોટલના રૂમની તપાસ કરજો પછી જ ત્યાં જજો

માઉન્ટ આબુ, તા.૨:દિવાળીની રજાઓમાં માઉન્ટ આબુ ગુજરાતીઓની પહેલી પસંદ બની જાય છે. આ વખતે પણ માઉન્ટ આબુમાં સતત ધસારો જોવા મળી રહ્યો છે. ગુજરાતીઓના મનપસંદ હિલ સ્ટેશન પર આ વખતે દિવાળી પહેલાથી રૂમ બુકિંગ કરી દેવાયા છે. આથી મોટાભાગની હોટલોમાં હાઉસફૂલના બોર્ડ લાગી જતા હોટેલ સંચાલકો પણ હવે લાભપાંચમ પછીનું બુકિંગ લઇ રહ્યા છે. એક અંદાજ પ્રમાણે, માઉન્ટ આબુના બૂકિંગમાં મોટાભાગના ગુજરાતીઓ છે. જો તમે આબુ જવાનું વિચારી રહ્યા છો અને કોઇ રૂમ બૂક નથી કરાવ્યો તો પહેલા હોટલના રૂમની તપાસ કરજો પછી જ ત્યાં જજો.

માઉન્ટ આબુમાં અનેક રિસોર્ટ અને આલિશાન હોટલ અને મધ્યમ હોટલ પણ આવેલી છે. પરંતુ આ વખતે મોટાભાગની હોટેલના બૂકિંગ થઇ ગયા છે. આમ ગેસ્ટહાઉસથી લઇ હાઇકલાસ હોટેલ સુધી તમામ કેટેગરીમાં મોટાભાગનું બૂકિંગ થઇ ગયુ છે. દર વેકેશનમાં સામાન્ય રીતે માઉન્ટ આબુ સહેલાણીઓથી ફૂલ થઇ જાય છે ત્યારે આ વખતે પણ એવી જ પરિસ્થિતિ છે. જેના કારણે આ દિવસોમાં રૂમના ભાડામાં પણ વધારો થઇ જાય છે

આ વખતે સહેલાણીઓ માટે અન્ય એક સારા સમાચાર છે. અંબાજી એસટી બસ ડેપો ખાતે ૩૯ જેટલી વિશેષ એસટી બસોનું સંચાલન કરવા વ્યવસ્થા હાથ ધરી છે. અંબાજીથી માઉન્ટ આબુ માટેની વધુ ૧૬ ટ્રીપનું સંચાલન કરશે, જે અંબાજીથી સવારે ૫ વાગ્યાથી લઈ માઉન્ટ આબુ જવા માટે છેલ્લી બસ રાત્રીના ૮ વાગ્યા સુધી મળી રહેશે. માઉન્ટ આબુથી ગુજરાત આવવા માટે સવારે ૬ વાગ્યાથી રાત્રિના ૯.૩૦ વાગ્યા સુધી એસટી બસો મળી રહેશે. અમદાવાદ માટે વધારાની ૮ એસટી બસનું સંચાલન કરવામાં આવશે.

કોરોનાની બીજી લહેર બાદ હાલ કોરોનાની પરિસ્થિતિ કેટલાક અંશે કંટ્રોલમાં છે. જેથી સરકારે પણ પ્રવાસીઓની મુસાફરીને લઈ કેટલીક છૂટછાટો આપી છે. છેલ્લા દોઢેક વર્ષથી કોરોના મહામારીના કારણે સતત ઘરમાં પુરાઈ રહેલા લોકો સરકારની છૂટછાટ મળતા ચાલુ વર્ષે દિવાળીના તહેવારો અને વેકેશનમાં નીકળી પડ્યા છે.

મોટી સંખ્યામાં મુસાફરો ધાર્મિક અને પ્રવાસન સ્થળોએ ઉમટી પડવાની શકયતાઓને લઈ અંબાજી એસટી બસ ડેપો ખાતે ૩૯ જેટલી વિશેષ એસટી બસોનું સંચાલન કરવા વ્યવસ્થા હાથ ધરી છે.

(3:59 pm IST)