Gujarati News

Gujarati News

News of Thursday, 2nd December 2021

ચક્રવાત ‘જોવાડ’ના એંધાણ :મુંબઈમાં મુશળધાર વરસાદ

મુંબઈ, પૂણે અને કોંકણ વિસ્તારોમાં 3 ડિસેમ્બર સુધી મુશળધાર વરસાદની આગાહી :ગુરુવારે બરોડા, નર્મદા, બનાસકાંઠા, સાબરકાંઠા, છોટા ઉદેપુર, ભરૂચ, તાપી, અમરેલી, અરવલ્લી, દાહોદ, મહિસાગર અને ભાવનગર જિલ્લાના અનેક સ્થળોએ મુશળધાર વરસાદની આગાહી

મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં મુશળધાર વરસાદ  શરૂ થઈ ગયો છે. મંગળવાર-બુધવારની મધ્ય રાત્રિથી આ કમોસમી વરસાદ શરૂ થયો છે. રાત્રિના વરસાદ બાદ આ વચ્ચે થંભી ગયો હતો. પરંતુ બુધવાર સવારથી જ જાણે ચોમાસું હજુ ગયું ન હોય તેમ વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગેમહારાષ્ટ્રના મુંબઈ, પૂણે અને કોંકણ વિસ્તારોમાં 3 ડિસેમ્બર સુધી મુશળધાર વરસાદની આગાહી કરી છે.

ડિસેમ્બર મહિનામાં આ અચાનક વરસાદનું કારણ શું છે? આ પ્રશ્ન ઉઠી રહ્યો છે. હવામાન શાસ્ત્રીઓનું કહેવું છે કે અરબી સમુદ્રમાં લો પ્રેશરનો વિસ્તાર તૈયાર થયો છે. જેના કારણે દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્ર, માલદીવ, લક્ષદ્વીપ પર ચક્રવાતની સ્થિતિ સર્જાઈ છે. તે પૂર્વ-મધ્ય અરબી સમુદ્રમાંથી ફૂંકાતા પવનો સાથે સંપર્ક કરી રહ્યું છે. જેના કારણે આગામી 24 કલાક સુધી મુશળધાર વરસાદની આગાહી કરવામાં આવી છે.

આંધ્રપ્રદેશ અને ઓડિશાના દરિયાકાંઠે ઓછા દબાણના વિસ્તારની રચનાને કારણે આ તોફાની ચક્રવાતની સ્થિતિ તૈયાર થઈ છે. આવી સ્થિતિમાં હવે હવામાન વિભાગે ‘જોવાડ’ ચક્રવાતી તોફાનને લઈને એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર પશ્ચિમ અને મધ્ય ભારતના આસપાસના વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની તૈયારી થઈ છે. જેના કારણે હવામાનમાં પલટો આવ્યો છે. હવામાનમાં આવેલા ફેરફારને કારણે 2 ડિસેમ્બર સુધી દેશના ઘણા ભાગોમાં ભારે વરસાદ પડશે. 3 ડિસેમ્બરે વરસાદની તીવ્રતા વધુ વધશે અને તે ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ જશે.

(11:38 pm IST)