Gujarati News

Gujarati News

News of Thursday, 2nd December 2021

કૌન બનેગા કરોડપતિમાંથી વાંધાજનક ભાગને હટાવાયો

મિડ બ્રેન એક્ટિવેશન આધારિત એપિસોડ ઓન-એર :એપિસોડમાં છોકરીએ દાવો કર્યો હતો કે, તે આંખો પર પટ્ટી બાંધીને માત્ર પુસ્તકને સૂંઘીને વાંચી શકે છે

મુંબઈ, તા.૧ : મિડ બ્રેન એક્ટિવેશન આધારિત એપિસોડ ઓન-એર થયા બાદ મેળવેલા ઓપન લેટરને લઈને અમિતાભ બચ્ચન દ્વારા હોસ્ટ કરવામાં આવી રહેલો શો 'કૌન બનેગા કરોડપતિ ૧૩' વિવાદમાં આવ્યો છે. મેંગલુરુના રેશનાલિસ્ટ અને ફેડરેશન ઓફ ઈન્ડિયન રેશનાલિસ્ટ અસોસિએશનના પ્રમુખ નરેન્દ્ર નાયક દ્વારા એપિસોડ સામે વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. એક અહેવાલ પ્રમામમેલેટર ચેનલને મોકલવામાં આવ્યો હતો, જેના પર કૌન બનેગા કરોડપતિ પ્રસારિત કરવામાં આવે છે.

'કૌન બનેગા કરોડપતિ ૧૩'માં હાલમાં જ 'સ્ટુડન્ટ સ્પેશિયલ વીક'ની શરૂઆત કરવામાં આવી હતી. જેમાંથી એક એપિસોડમાં એક છોકરીએ કન્ટેસ્ટ તરીકે ભાગ લીધો હતો. આ એપિસોડ મિડ બ્રેન એક્ટિવેશન પર આધારિત હતો. એપિસોડમાં શોના હોસ્ટ અમિતાભ બચ્ચન સામે છોકરીએ દાવો કર્યો હતો કે, તે આંખો પર પટ્ટી બાંધીને માત્ર પુસ્તકને સૂંઘીને વાંચી શકે છે. મેકર્સે આ એપિસોડનો પ્રોમો રિલીઝ કર્યો હતો. આ એપિસોડમાં છોકરીના માતા-પિતાએ દાવો કર્યો હતો કે, તેમણે તેમની દીકરીને મિડ બ્રેન એક્ટિવેશનની ટ્રેનિંગ આપી છે. આ એપિસોડ સામે વાંધો ઉઠાવતાં નરેન્દ્ર નાયકે પત્રમાં લખ્યું હતું 'મિડ બ્રેન એક્ટિવેશનના ઉપયોગ દ્વારા માતા-પિતાને મૂર્ખ બનાવવામાં આવે છે. આ પ્રકારની બાબતને નેશનલ ટેલિવિઝન પર પ્રોત્સાહન આપવું તે દેશની મજાક બની શકે છે'. તેમણે ઉમેર્યું હતું કે, દરેક નાગરિકની ફરજ છે કે તેઓ વૈજ્ઞાનિક તપાસ અને માનવતાવાદને વિકસિત કરે. કેટલાક ઈન્સ્ટિટ્યૂટ ખોટા દાવા કરીને ભોળા વાલીઓને મૂર્ખ બનાવે છે કે મિડ બ્રેનને એક્ટિવેટ કરીને બાળકોના બ્રેન પાવરને તેઓ વધારશે. આ સિવાય 'સુપર પાવર' તે સામાન્ય જ્ઞાનનો ઉપહાસ છે અને મજાક છે, તેવો ઉલ્લેખ તેમણે કર્યો હતો.

નરેન્દ્ર નાયકના ઓપન લેટર બાદ ચેનલે એપિસોડમાંથી તે ભાગને હટાવી દીધો છે. આ વિશે જાણકારી ચેનલે નાયકને ઈમેલમાં આપી છે. જેમાં લખવામાં આવ્યું છે કે, એપિસોડમાંથી તે ભાગને તમામ પ્લેટફોર્મ પરથી હટાવી દેવાયો છે. ટીમને વધારે સાવચેત રહેવા અને ભવિષ્યમાં તમામ એપિસોડ માટે આ પ્રકારની વાતચીતથી બચવા માટે કહેવામાં આવ્યું છે.

(12:00 am IST)